અયોધ્યામાં નકલી બાબાઓની ખેર નથી

 કહેવાતા સાધુ-બાવાઓના અપરાધિક રેકોર્ડ તપાસાશે અને તેના પર નજર રખાશે
લખનૌ તા,11
આજકાલ જે રીતે દેશમાં સંતોની વિરુદ્ધ એક પછી એક મામલાઓ ઉજાગર થતાં જાય છે અને અયોધ્યામાં રામમંદિર નિર્માણની કવાયત ઝડપી બનાવાયી છે એવામાં ભગવાન રામની નગરી અયોધ્યામાં જ સુરક્ષાના દૃષ્ટિકોણથી સત્તાવાળાઓએ સાચા અને નકકલી સાધુઓને અલગ તારવવાનો નિર્ણય લીધો છે. અયોધ્યા શાસનકર્તાઓ અનુસાર બહારથી આવીને વસી જનારા સાધુઓ અને સંતોના અપરાધિક રેકોર્ડની તપાસ કરવામાં આવશે. સાથે જ અયોધ્યામાં રહેનારા દરેક સંતોનો રેકોર્ડ પ્રશાસન પોતાની પાસે રાખશે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદિત સ્થળ હોવાને કારણે સુરક્ષાનો મુદ્દો હમેંશા સંવેદનશીલ રહે છે. સત્તાવાળાઓનું માનવું છે કે અયોધ્યામાં દેશના જુદાં જુદાં રાજ્યો અને વિદેશથી પણ સાધુવેશધારી ભગવાનના દર્શન કરવા આવે છે અને અયોધ્યાના મઠો અને મંદિરોમાં વસી જાય છે. જેમની વિશ્ર્વસનીયતા તપાસ કરવી મુશ્કેલ હતી. આથી સત્તાવાળાઓએ બહારથી આવીને વસી જનારા આ સાધુઓ અને સંતો પર વિશેષ નજર રાખશે. અયોધ્યામાં હત્યારું ધર્મસંકટ
અયોધ્યામાં મંદિરોની સંપત્તિ પર કબજો લેવા માટે હત્યાઓનો એક લાંબો દોર ચાલ્યો હતો. અયોધ્યાના મોટાં ભાગના મંદિરોની પાસે કરોડોની જમીન જાયદાદ છે. જેના પર વર્ચસ્વ પ્રાપ્ત કરવા માટે આંતરિક ઝઘડામાં અનેક મહંતોના જીવ ગયા છે. રામજન્મભૂમિના પૂર્વ પુજારી લાલ દાસની હત્યા બસ્તી જિલ્લામાં મંદિરની જમીનને લઈને થઈ હતી. તો બાબા રઘુનાથ દાસની છાવણીના મહંત રામપ્રતાપદાસની હત્યા પણ જમીનના ડખામાંજ થઈ હતી. તો માફિયા ડોન શ્રી પ્રકાશ શુક્લે મહંત રામ કૃપાલદાસને ધાણીફૂટ ગોળીઓથી વિંધી નાંખ્યા હતા. જો કે રામકૃપાલ દાસનો પણ અપરાધિક રેકોર્ડ રહ્યો છે. આમ અયોધ્યામાં આ સિલસિલો ઘણાં વર્ષોથી જ ચાલ્યો આવે છે. એવામાં સત્તાવાળાના અનેક પગલાંથી એમ માનવામાં આવી રહ્યું છે કે અપરાધી પ્રકારના સંતો પર લગામ કસવામાં આવશે. અને અયોધ્યાની સુરક્ષા સુનિશ્રિત કરવામાં આવશે.