પાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે કાલે બાબરા બંધ

બાબરા,તા.11
બાબરા કોંગ્રેસ શાસિત નગરપાલીકા તંત્રમાં છેલ્લા લાંબા સમયથી પ્રજાહીતનાં કામોમાં વિલંબ સહીત ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વેપારીવર્ગના પ્રશ્ર્ને જાગૃતતા નહી દાખવવાથી સ્થાનીક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા થોડા દિવસો પહેલા મામલતદારને આવેદન આપી 1ર મી તારીખે શહેર સજ્જડ બંધ રાખવા ચીમકી આપવામાં આવી હતી.
ચેમ્બર ઓફ કોર્મસે જાહેર કરેલી પત્રીકામા જણાવ્યા મુજબ શહેરની મુખ્ય બજારના સી.સી.રોડની નબળી કામગીરી તથા પ્રીમોન્સુન કામ અંગે શહેર મધ્યમાંથી પસાર થતી કાળુભાર નદીની સફાઈ તથા શહેરમા જાહેર યુરીનલ બનાવવા તેમજ વેપારી વર્ગને ડસ્ટબીન આપવા સહીતના પ્રશ્ર્ને જનતામાં આક્રોશ થવા પામ્યો છે. સાથોસાથ આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાનાં આગેવાન એમ.ડી. માંજરીયા દ્વારા સતાવાર બંધને ટેકો આપી ભ્રષ્ટાચારમા ખદબદતી પાલીકા સામે ન્યાયીક લડતના મંડાણ કરવા હાંકલ કરી છે.
1ર મી તારીખે સવારથી શહેર સજ્જડબંધ પાળી તમામ વેપારી વર્ગો નાગરીક બેંક ચોક ખાતે નગરપાલીકા સામે વિરોધ પ્રદર્શીત કરી અને ધરણા કાર્યક્રમ આપવા જાહેરાત થઈ છે. પ્રમુખ મુનાભાઈ મલકાણ સહીત હકાભાઈ સોની વિપુલભાઈ રાઠોડ તથા આમઆદીપાર્ટીના આગેવાનો ઉપસ્થીત રહી નગરપાલીકા દ્વારા થતાં અન્યાય અંગે જાહેર સમજ આપવા પામશે.
અત્રે યાદ રહે કે આઠ દિવસ પહેલા મામલતદાર સમક્ષ આપેલા આવેદનઅંગે તંત્ર દ્વારા કોઈ પરીણામલક્ષી કામગીરી કરેલ નહી. જેના કારણે શહેર સજ્જડ બંધ પાળી વિરોધ વ્યકત કરશે