ટેક્સટાઈલ સેક્ટરને GSTમાં પણ મળશે ‘વેટ’ના લાભો


જિનિંગ, વિવિંગ, એમ્બ્રોડરીના એકમોને
પણ પરોક્ષ ફાયદો થશે
જેતપુર તા,11
સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત સરકારે ટેકસટાઈલ પોલીસી અંતર્ગત અપાતા લાભોને જીએસટી રીઝનમાં પણ ચાલુ રાખવા ઘોષણા કરતા જેતપુરના સાડી ઉદ્યોગને મોટો ફાયદો થશે. સરકારના નિર્ણયની અમલવારી બાદ ટેકસટાઈલ સેકટરના વિકાસમાં હકારાત્મક અસર જોવા મળશે તેમ જેતપુરના ઉદ્યોગકારોનું માનવુ છે.
ટેક્સટાઇલ પોલીસી-2012 હેઠળ અપાતા વેલ્યુએડેડ ટેક્સ (વેટ)ના લાભો છેલ્લાં એક વર્ષથી ગુડસ એન્ડ સર્વિસ ટેક્સના અમલથી અટકી ગયા હતા.
આ અંગે આખરે ગુજરાત સરકારે પહેલ કરીને જીએસટીના નવા ટેક્સ રીજીમમાં પણ ટેક્સટાઇલ સેકટરમાં રોકાણ વધે તે માટે અપાતા લાભોને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, જેને પગલે ટેક્સટાઇલ ઉદ્યોગમાં મોટા પાયે રાહત મળશે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે. અન્ય કોઇ રાજયોએ જીએસટી બાદ ઉદ્યોગોને લાભ આપતી જાહેરાત નથી કરી તેવા સંજોગોમાં ઉદ્યોગોને આ નિર્ણયથી રાહત મળશે.
ગુજરાત સરકારના ખાણ અને ઉદ્યોગ વિભાગે ટેક્સટાઇલ પોલીસી અંતર્ગત અપાયેલા લાભને 1 જુલાઇ 2017થી લાગુ પડાયેલા નવા જીએસટી રીજીમમાં ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજય સરકારના સુત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લાં એક વર્ષ દરમિયાન જીએસટીને લઇને વેપારીઓને પડતી મુશ્કેલીઓ કે ટેકનિકલ અગવડતાઓ દુર કરવા વારંવાર સુધારાઓ અને કેટલાંક નિર્ણયો લેવા પડયા હતા. પરંતુ હવે જીએસટીના એક વર્ષ બાદ જીએસટીને લઇને સ્થિરતા જણાતાં હવે રાજય સરકારે તેના અધિકાર ક્ષેત્રમાં આવતાં એસજીએસટીમાં લાભ આપવાની મોડાલીટી ફાઇનલ કરીને જાહેર કરી છે.
રાજય સરકાર નિર્ણય લીધા બાદ તેના અમલ માટે સમય લાગતો હોય છે. આ અંગે રાજય સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારે તેના અમલની દિશામાં નિર્દેશ કરતું રિઝોલ્યુશન પણ બે દિવસ અગાઉ બહાર પાડી દીધું છે.
ઉદ્યોગકારોએ આ નિર્ણયને ગુજરાતના ટેકસટાઇલ ઉદ્યોગ માટે મહત્વનો ગણાવતાં જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ પોલીસી-2012 અંતર્ગત વેટ બાદ હવે જીએસટી હેઠળ જે રોમટીરીયલ પર એસજીએસટી લેવામાં આવ્યો હતો, તે ઉત્પાદકોને રીફંડ-રિઇમ્બર્સમેન્ટ આપવામાં આવશે, તેની સાથે વેચાણ પર જે એસજીએસટી ટ્રેઝરીમાં જમા કરાવાતો હતો, તે રીઇમ્બર્સ કરી આપવામાં આવશે.
આ નિર્ણયની ટેક્સટાઇલ સેકટરના વિકાસને લઇને હકારાત્મક અસર જોવા મળશે, કારણ કે કૃષિ બાદ આ સૌથી વધુ રોજગારી આપતું સેકટર હોઇ તેના માટે લીધેલો નિર્ણય લાભદાયી અસર ઉપજાવે તેમ છે. અન્ય કોઇ રાજયોએ જીએસટી પછી સ્થાનિક ઉદ્યોગોને લાભ આપ્યો હોય તેવા નિર્ણય કર્યો નથી તેવા સંજોગોમાં રાજયમાં વેટમાં જે લાભ મળતો હતો તે મળશે કે નહીં તે અંગે અસ્પષ્ટતા અને અનિર્ણાયકતા ઉકેલાઇ જતાં તેનો લાભ ટેક્સટાઇલ ઉદ્યોગોને મળશે. મોટી માત્રામાં આ પોલીસી હેઠળ રોકાણ થયું હોય ત્યારે આ નિર્ણય અંગે રાજય સરકારે ઘણી સ્પષ્ટતાઓ કરીને આ રીઝોલ્યુશન બહાર પાડ્યું છે, જે અન્ય રાજયોએ કર્યુ નથી. આ નવા પગલાંથી રાજયના ટેક્સટાઇલ સેકટરની સાથે સંકળાયેલી ચેઇન એટલે કે જીનીંગ, વિવિંગ, ગારમેન્ટીંગ, નાના એમ્બ્રોડરીના યુનિટસ જેવા તમામને લાભ મળશે અને આ જાહેરાતથી રોજગારી આપતા આ મોટા સેકટરને પણ રાહત મળશે.