JKમાં માનવાધિકાર વિશે

પાકિસ્તાન ભારતની મેથી મારવાની કોઈ તક છોડતું નથી ને નાનો સરખો પણ મોકો મળે કે તરત જ શરૂ થઈ જાય છે. યુનાઈટેડ નેશન્સની માનવાધિકાર સમિતિએ જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકારના મામલે આપેલા રિપોર્ટના કારણે પાકિસ્તાનને એ તક મળી ગઈ છે ને પાકિસ્તાન મચી પડ્યું છે.
યુનાઈટેડ નેશન્સના કમિશનર ફોરમ હ્યુમન રાઈટ્સ ઝાયદ બિન રાઅદ અલ હુસૈને એકાદ મહિના પહેલાં આ રિપોર્ટ રજૂ કરેલો. આ રિપોર્ટ યુનાઈટેડ નેશન્સમાં રજૂ થયો નથી પણ મીડિયામાં જ આવ્યો છે એ સૌથી પહેલાં નોંધી લેવું. આ રિપોર્ટ સત્તાવાર નથી ને તેને યુનાઈટેડ નેશન્સ સાથે કંઈ લેવાદેવા નથી એ જાણકારી પણ જરૂરી છે.
આ રિપોર્ટમાં સાવ ફાલતુ વાતો કરાયેલી છે ને એવો દાવો કરાયો છે કે, જમ્મુ અને કાશ્મીરમાં મોટા પાયે માનવાધિકાર ભંગ થાય છે ને ભારતીય લશ્કર અત્યાચારો કરે છે. માનવાધિકાર ભંગના બનાવોની તપાસ એક સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવાની ભલામણ પણ આ રિપોર્ટમાં કરાયેલી. પાકિસ્તાન આવી વાતો વરસોથી કરે છે ને આ રિપોર્ટ આવ્યો એટલે
તેના માટે તો દોડવું તું ને ઢાળ મળ્યો જેવો ઘાટ થયો. 14 જૂને આ રિપોર્ટ આવેલો ને ત્યારથી તેણે દેકારો શરૂ કરી દીધેલો.
પાકિસ્તાન ત્યારથી આ રિપોર્ટનું ગાણું ગાયા કરે છે ને જ્યાં પણ તક મળે ત્યાં આ રિપોર્ટની કથા માંડીને બેસી જાય છે. આ રિપોર્ટ આવ્યો તેના દસ દાડા પછી યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીની બેઠક હતી ને તેમાં પાકિસ્તાને સૌથી પહેલાં આ રાગ છેડેલો. એ પછી દર અઠવાડિયે પાકિસ્તાન આ જ વાત માંડીને બેસી જાય છે. સોમવારે યુનાઈટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલની બેઠકમાં પણ પાકિસ્તાને એ જ કર્યું ને ફરી એ જ રાગ છેડી દીધો.
યુએન સિક્યુરિટી કાઉન્સિલના સભ્યોએ પાકિસ્તાનની વાતને ગણકારી નથી એ સારી વાત છે. ભારતે પણ પાકિસ્તાનના આ ઉધામા સામે વાંધો લઈને તેને ઝાટક્યું છે પણ આ બધા ધમપછાડા પાકિસ્તાનની લુચ્ચાઈના નાદાર નમૂના છે.
પાકિસ્તાનની હલકટાઈને આપણને પૂરેપૂરો પરચો છે જ તેથી આ બધાની આપણને નવાઈ નથી
લાગતી પણ પાકિસ્તાન કઈ હદે જૂઠાણાં ચલાવી શકે છે ને કેવી હલકટાઈઓ કરી શકે છે તે આપણા
ધ્યાનમાં હોય તો સારૂં.
પાકિસ્તાનની પહેલી હલકટાઈ એ છે કે તેણે જેનો કોઈ આધાર નથી તેવા રિપોર્ટને આધાર બનાવીને કકળાટ આદર્યો છે. પાકિસ્તાન જે રિપોર્ટની વાત માંડીને બેસી ગયું છે એ રિપોર્ટ જ પહેલાં તો સત્તાવાર નથી. યુનાઈટેડ નેશન્સની માનવાધિકાર સમિતિએ આવો કોઈ રિપોર્ટ કરવા કહેલું જ નહીં ને આ રિપોર્ટ માનવાધિકાર પંચે જ સ્વીકાર્યો નથી. તેનું કારણ એ કે તેમાં જે દાવા કરાયા છે તે મોંમાથા વિનાના છે ને ક્યા આધાર પર બધું કહેવાયું છે તેનો કોઈ ઉલ્લેખ નથી. ગમે તે આલિયો, માલિયો કે જમાલિયો પોતાની એ.સી. કેબિનમાં બેસીને લખી નાંખે એવો આ રિપોર્ટ છે. કોઈ સત્તાવાર અધિકાર વિના કે સત્તાવાર રીતે મળેલી માહિતી વિના આ રિપોર્ટ ચિતરી નંખાયો છે.
બીજી વાત એ કે જેણે પણ આ રિપોર્ટ તૈયાર કર્યો એ માણસે પાકિસ્તાનના ઈશારે આ તિકડમ ઊભું કર્યું હોય તેવો પૂરો અંદેશો છે. કેનેડામાં રહેતા પાકિસ્તાની પત્રકાર ઝફર બંગાશે કરેલા દાવા પછી તેમાં શંકા જ નથી રહેતી. બંગાશે પોતે કબૂલ્યું છે કે, જે વ્યક્તિએ આ રિપોર્ટ તૈયાર કર્યો હતો તે સતત તેના સંપર્કમાં હતો. કેનેડાના ટોરેન્ટોમાં રહેતા ઝફર બંગાશે ઈસ્લામિક વાતો વિશે લખે છે અને મસ્જિદનો ઈમામ પણ છે.
હવે એક પાકિસ્તાનીને પૂછીને જમ્મુ અને કાશ્મીર વિશે રિપોર્ટ બનાવો તો એ રિપોર્ટ કેવો હોય એ કહેવાની જરૂર છે ખરી? જે બન્યું જ ના હોય એવી ઢગલા વાતો તેમાં આવવાની જ. બંગાશે ભલે ને કેનેડામાં રહેતો હોય પણ તેની વફાદારી પાકિસ્તાન સાથે જ રહેવાની. આ રિપોર્ટ કોણે તૈયાર કર્યો એ આપણને ખબર નથી ને બંગાશે તેનો ફોડ પણ પાડ્યો નથી પણ આ વ્યક્તિ પણ બંગાશ જેવી જ હશે તે ધારવા માટે વધારે બુદ્ધિ લડાવવાની જરૂર નથી. એ સંજોગોમાં બંગાશે જે કંઈ કહ્યું હોય તેમાં મીઠું-મરચું ભભરાવીને તેણે રિપોર્ટ બનાવી નાંખ્યો હોય એ સ્પષ્ટ છે. આ સંજોગોમાં આપણા માટે આ રિપોર્ટ રદ્દી પસ્તીથી વધારે કંઈ નથી. યુનાઈડેટ નેશન્સે પણ એ જ વલણ લીધું છે ને આ રિપોર્ટને ચર્ચા કરવાને લાયક જ નથી ગણ્યો. આ સંજોગોમાં સૌથી પહેલાં તો રિપોર્ટને ગણકારાય જ નહીં. જો કે પાકિસ્તાન દેકારો કરે ને આપણે ચૂપ બેસી રહીએ તો તેનો અર્થ એવો કઢાય કે આ બધું સાચું છે તેથી તેનો જવાબ આપવો જરૂરી છે.
ભારતે તેનો જવાબ આપવો જ જોઈએ ને પાકિસ્તાન પોતાને ત્યાં શું ધંધા કરે છે તેનો ભાંડો ફોડવો જોઈએ. ભારતે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં શું હાલત છે તેની વાત દુનિયા સામે મૂકવી જોઈએ ને ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં લાંબા સમયથી લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે, ઠેર ઠેર પાકિસ્તાનના ઝંડા બાળવામાં આવે છે ને પાકિસ્તાની લશ્કરના જવાનોની ધોલાઈ પણ થાય છે. પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ છે ને ત્યાં તો બારે મહિના હોળી સળગેલી હોય જ છે પણ કોટલી, ચિનારી ને મીરપુર જેવાં બીજાં મોટાં શહેરો પણ લાંબા સમયથી સળગ્યા કરે છે.