મહિલા ક્રિકેટ સ્ટારની ઉજઙની પદવી ‘ગઇ’

નવીદિલ્હી તા,11
પંજાબ સરકારે ડિગ્રી વિવાદ ઊઠયા બાદ મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌર પર કાર્યવાહી કરતાં તેની પાસેથી ડીએસપીનું પદ પરત લઈ લીધું છે. હરમનપ્રીત કૌરની સ્નાતક ડિગ્રી નકલી હોવાનું બહાર આવ્યા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો હતો. હવે તેને કોન્સ્ટેબલની નોકરી મળી શકે છે. હરમનપ્રીત કૌરને આંતરરાષ્ટ્રીય લેવલે દેશનું માન વધારવા બદલ રેલવે દ્વારા નોકરી અપાઈ હતી. તે પછી પંજાબના સીએમ અમરિંદરસિંહે ગત એક માર્ચના રોજ પંજાબ પોલીસમાં ડીએસપીનું પદ આપ્યું હતું. હરમનપ્રીતે ડીએસપીની નોકરી મેળવવા માટે ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી મેરઠના નામની ગ્રેજ્યુએશનની ડિગ્રી દર્શાવી હતી. ડીએસપીનું પદ આપ્યા બાદ પંજાબ પોલીસે યુનિવર્સિટીના વિજિલન્સ વિભાગમાં ખાનગી તપાસ કરાવી હતી. આ તપાસ દરમિયાન સામે આવ્યું કે, હરમનપ્રીત કૌરની ગ્રેજ્યુએશનની ડિગ્રીનો ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી, મેરઠમાં રેકોર્ડ જ નથી. પંજાબ સરકારે હરમનપ્રીતને પત્ર લખ્યો છે કે, તમારું ભણતર હવે 12મા ધોરણ સુધીનું માનવામાં આવે છે આથી પંજાબ પોલીસના નિયમ મુજબ તમને કોન્સ્ટેબલ તરીકે જ રાખી શકાય છે. 29 વર્ષીય હરમનપ્રીતને અર્જુન એવોર્ડ પણ મળ્યો છે અને જો પંજાબ પોલીસ તેની સામે આ મામલે એફઆઈઆર નોંધાવે તો આ એવોર્ડ પણ છીનવાઈ શકે છે. જોકે, પંજાબ સરકાર અત્યારે હરમનપ્રીત સામે ફરિયાદ નોંધાવવાના મૂડમાં નથી.