મહિલા ક્રિકેટ ટીમમાં કલહથી કોચ ‘આઉટ’?

નવીદિલ્હી તા,11
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તુષાર અરોઠેએ ટીમની કેટલીક ખેલાડીઓ સાથેના કથિત મતભેદોને પગલે કોચના સ્થાનેથી રાજીનામું આપી દીધું છે. એ કેટલીક ખેલાડીઓએ અરોઠેની કોચિંગની પદ્ધતિ સામે વિરોધ નોંધાવ્યો હોવાને પગલે તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ક્રિકેટ બોર્ડે અરોઠેના રાજીનામા સંબંધમાં અંગત કારણને જવાબદાર ગણાવ્યું છે. જોકે, બોર્ડના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ટીમમાં સારીએવી વગ ધરાવતી કેટલીક સિનિયર ખેલાડીઓએ અરોઠેને તાબડતોબ હોદ્દા પરથી દૂર કરવાની માગણી કરી હોવાથી અરોઠેને રાજીનામું આપી દેવાની ફરજ પાડવામાં આવી છે. કહેવાય છે કે વન-ડેની કેપ્ટન મિતાલી રાજ અને ટી-ટ્વેન્ટીની સુકાની હરમનપ્રીત કૌરને અરોઠેની કોચિંગ-પદ્ધતિ પસંદ નહોતી. બન્ને ખેલાડીઓએ બોર્ડના મોવડીઓ દ્વારા અરોઠે વિશેની પ્રતિક્રિયા માગી ત્યારે તેમણે અરોઠે વિશે અણગમો વ્યક્ત કર્યો હોવાનું મનાય છે. ગયા વર્ષે પુરુષોની ક્રિકેટ ટીમમાં અનિલ કુંબલેના કોચિંગ સામે વિરોધો કુંબલેએ કોચિંગનું પદ છોડી દીધું હતું. ત્યારે કુંબલે અને ખાસ કરીને વિરાટ કોહલી વચ્ચે મતભેદો હતા.