હું મારી ચાલીસીમાં પહેલા કરતા વધુ મુક્તપણે કામ કરી શકું છું: મનીષા

મુંબઈ તા,૧૦
મનીષા કોઈરાલાનું કહેવુ છે કે ૪૭ વર્ષની ઉંમરે પણ તેને ખૂબ જ સારા પાત્રોની ઓફર મળી રહી છે. મનીષા કોઈરાલા કેન્સર સર્વાઈવર છે અને એમાંથી બહાર આવ્યા બાદ તે ફરી ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની ઉંમર ૪૭ વર્ષની છે અને તેણે હાલમાં જ ‘સંજુ’માં નર્ગિસનું પાત્ર ભજવ્યુ છે. કેન્સર બાદ મનીષા કોઈરાલાએ તેની સુંદરતા પર ધ્યાન નહોતુ આપ્યુ પરંતુ જો તેને ગ્લેમરસ પાત્રની ઓફર થઈ તો ફરી તેના લુક પર કામ કરશે. આ વિશે વધુ જણાવતા મનીષાએ કહ્યું હતું કે ‘મારી ચાલીસીમાં હું પહેલા કરતા વધુ મુકતપણે કામ કરી રહી છું. એકવાર હું શબાના આઝમીજી સાથે વાત કરી રહી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે એક મહિલા અને એકટ્રેસ તરીકે આપણે હંમેશા સારા દેખાવું પડે છે. તેમણે મને એ પણ પુછ્યુ હતું કે હું કેમ મારી સુંદરતા પર ધ્યાન નથી આપી રહી. એક મહિલા તરીકે મારે મારી લાઈનના દરેક તબક્કામાં સારા દેખાવું છે, પરંતુ એક્ટિંગને હું ખૂબ જ પ્રેમ કરુ છું. જો કોઈ પાત્ર માટે મારે મારી સુંદરતાથી દૂર રહેવું પડે તો હું એ માટે તૈયાર છું. મારી પ્રાયોરિટી મારી સુંદરતા છે અને જો મને ગ્લેમરસ પાત્રોની ઓફર થઈ તો હું ફરી મારા લુક પર કામ કરીશ.