ભારત સાથે ચીનની સતત દગાખોરી!

નવીદિલ્હી તા,૧૦
ભારત સાથે સંબંધો સુધારવાની દુહાઇ દેતા ચીનના ચાવવાના અને દેખાડવાના દાંત જૂદા છે એ ફરી સાબિત થઇ ગયું છે. ડોકલામ વિવાદ બાદ ડ્રેગને ફરી ભારતીય સરહદની અંદર ઘુસણખોરી કર્યાના અહેવાલો સામે આવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ ચીને ૧૫ મેથી લઇને ૩૧ મે સુધી એમ ૧૫ દિવસમાં જ ભારત-ચીન સરહદના અનેક વિસ્તારોમાં ૧૫ વખત ઘુસણખોરી કરી છે.
ડોકલામ વિવાદમાં ભારત સામે કુટનીતિક પછડાટ ખાધા બાદ પણ ચીને ભારતીય સરહદમાં ઘુસણખોરીની આદત છોડી નથી. ચીને ફરી એક વખત ભારતીય સરહદમાં ઘુસણખોરી કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચીને ૧૫ મેથી લઇને ૩૧ મે એમ ૧૫ દિવસમાં ભારત-ચીનના સરહદી વિસ્તારોમાં ૧૫ વખત ઘુસણખોરી કરી હતી. ચીનના સૈનિકોએ અનેક સ્થળોએ પગપાળ તેમજ ગાડીઓ વડે ઘુસણખોરી કરી. તો અનેક સ્થળોએ હવાઇ સરહદનું ઉલ્લંઘન કર્યું હતું.
ચીનના સૈનિકોએ લદ્દાખના ટ્રિગ હાઇટમાં ૧૫ થી ૩૧ મે દરમ્યાન ઝડપી રીતે ૪ વખત ઘુસણખોરી કરી હતી. ચીને આ ઘુસણખોરી ૧૮ મે, ૨૨ મે, ૨૭ મે, ૩૦ મેના રોજ કરી. આ દરમ્યાન આઇટીબીપી અને પીએલએ એટલે કે ચીનના સૈન્ય વચ્ચે બોલાચાલી થઇ હતી. પરંતુ ભારતીય સુરક્ષા દળોના કડક વલણને કારણે ચીનના સૈનિકો ત્યાંથી પરત ફરી ગયા. આ જ પ્રકારે ચીનના સૈનિકોએ લદ્દાખના ડેપસાંગમાં પણ ૪ વખત ઘુસણખોરી કરી હતી. ચીનના સૈનિકો ૨૩ મે, ૨૫ મે, ૨૮ મે અને ૩૧ મેના રોજ ભારતીય સરહદની અંદર લગભગ ૧૮ કિલોમીટર સુધી ઘુસી આવ્યા હતા. પેંગોન્ગ લેકના વિસ્તારમાં ચીને ૨૦ મે અને ૨૫ મેના રોજ ઘુસણખોરી કરી હતી. જે અંતર્ગત ૨૦ મેના રોજ ચીનના હેલિકોપ્ટરે ભારતીય સરહદમાં ઘુસી ઉલ્લંઘન કર્યુ હતું.   એટલું જ નહીં ચીને ડેમચોક વિસ્તારમાં પણ ૨૯ મેના રોજ યુવીએ અંતર્ગત ઘુસણખોરી કરી હોવાનું સામે આવ્યું છે.
જૂન મહિનામાં ડેમચોકના જ વિસ્તારોમાં ચીનના નાગરિકો ભારતીય સરહદની અંદર ૫૦ મીટર સુધી જોવા મળ્યા હતા. એટલું જ નહીં તેઓએ ૪ થી ૯ જુન વચ્ચે અહીં ૪ ટેન્ટ લગાવી ધામા નાંખ્યા હતા. તેમણે ભારતીય સરહદની અંદર સફેદ રંગના ૨ ટેન્ટ, લીલા રંગનો ૧ ટેન્ટ અને ભૂરા રંગનો ૧ ટેન્ટ લગાવ્યો હતો. ભારતીય સૈન્યએ જ્યારે આ મામલે વિરોધ કર્યો તો ચીનના નાગરિકો ડેમચોક વિસ્તારમાંથી પરત ફરી ગયા હતા.
ચીનના સૈનિકોએ લદ્દાખ ઉપરાંત અરૂણાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ ઘુસણખોરી કરી હતી. અરૂણાચલ પ્રદેશના આશાફિલા વિસ્તારમાં ૨૫ મેના રોજ ચીન તરફથી ઘુસણખોરી કરવામાં આવી. જેમાં ચીનના ૨૧ સૈનિકોનું સ્પિલંટર ગ્રુપ ભારતીય સરહદની અંદર ઘુસી આવ્યું હતું. તો ૨૬ મેના રોજ અરૂણાચલના ડીચુ વિસ્તારમાં ચીને યુએફઓ વડે હવાઇ સરહદનું ઉલ્લંઘન કર્યું. આ જ પ્રકારે ૨૦ મેના રોજ અરૂણાચલના જ સિયાંગ જિલ્લામાં પણ ચીને હવાઇ સરહદ ઓળંગી હતી. મહત્વનું છે કે ચીન અરૂણાચલ પ્રદેશની સરહદ પર અવારનવાર યુએફઓનો ઉપયોગ કરતું આવ્યું છે.  લદાખમાં તો બન્ને દેશોના સૈનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ’તી