કોંગ્રેસે પોણા બસ્સો ‘બાગી’ઓને હાંકી કાઢ્યા

અમદાવાદ તા.૧૦
અમદાવાદ-પક્ષ માટે નુકસાનકારક પ્રવૃત્તિઓનો રાફડો ફાટતાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શિસ્તભંગના પગલાં લેતાં દંડો ઉગામી દીધો છે. ચાવડાએ કાર્યવાહી કરતાં ૧૭૭ સભ્યોને સસ્પેન્ડ કરી દીધાં છે. આ સસ્પેન્ડેડ સભ્યોમાં અમદાવાદના જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યોનો સમાવેશ થાય છે. તમામ સભ્યોને ૬ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં ૩૧ જિલ્લા પંચાયત ૨૩૦ તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદત પૂરી થતા પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર આદેશનું ઉલ્લઘંન કરનાર સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ શિસ્તભંગના પગલાં લેવાનું શરૂ કર્યું છે.ચાવડાએ તાત્કાલિક અસરથી કોંગ્રેસના નિશાન પર ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ૩૫ સભ્યો અને તાલુકા પંચાયતના ૧૪૨ સભ્યોને ૬ વર્ષ સુધી સસ્પેન્ડ કર્યા છે. આગામી સમયમાં જરૂરી કાયદાકીય કાર્યવાહી કરીને તેમના સભ્યપદ રદ કરવાની કાર્યવાહી પણ થશે.