સદકાર્યમાં સિધ્ધી મેળવતા ધોરાજીના રિધ્ધી પટોળીયા

ભારત દેશની ભૂમિમાં કરૂણા અને પ્રેમના બીજ રોપાયેલા છે. જે દરેક ભારતવાસીમાં જોવા મળે છે. અને એટલેજ ભારતીય નાગરિક દુનિયાના કોઇ પણ ખૂણે જાય તો પણ આ બધા ગુણો દ્વારા પોતાની એક અલગ છાપ છોડે છે. ભારત અને એમાં પણ સૌરાષ્ટ્રના લોકો ભારત અને સૌરાષ્ટ્રના લોકો આગતા સ્વાગતા અને પરોપકારની ભાવના માટે નામના ધરાવે છે આ રીતે માનવતાની મહેક સમુ કાર્ય કરીને ભારત અને પોતાના ગામ તથા પરિવારનું નામ રોશન કર્યુ છે. ધોરાજીના રિધ્ધી પટોળીયાએ
અમેરિકા સ્થિત ધોરાજીના શિક્ષક પ્રેમી પ્રફુલ્લ પટોળિયા કે જેઓ એન્જિનીયર છે. છેલ્લા થોડા વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલ પ્રફુલ્લભાઇ અમેરિકામાં રહેવા છતા ભારતીય મૂલ્યો અને સંસ્કારના બીજનું રોપણ સંતાનમાં કર્યુ છે. અમેરિકામાં ઓસ્ટીન ટેકસાસમાં રહેતા પ્રફુલભાઇની પુત્રી રિધ્ધી યુનિવર્સિટી ઓફ ટેકસાસમાં ભણે છે. અને હરહંમેશ લોકોને ઉપયોગી થવાની ભાવના ધરાવે છે.
તાજેતરમાં કેન્સરની જાગૃતિ અને કેન્સરના દર્દીઓને મદદરૂપ થવાના શુભ હેતુ સાથે રિધ્ધીએ 70 વિદ્યાર્થીની ટીમ સાથે સાઇકલ યાત્રા કરી હતી. આ સાઇકલ યાત્રાનો મુખ્ય હેતુ કેન્સરના રોગ સામે જાગૃતિ આવે તેમજ કેન્સરના દર્દીને મદદ મળે અને સમગ્ર વિશ્ર્વ કેન્સર મુકત બને તે હતો.
આ સાઇકલ યાત્રામાં 70 જેટલા યુવાનો અને યુવતિઓ જોડાયા હતા અંદાજે 7250 કિ.મી.નો પ્રવાસ સાઇકલ દ્વારા તેઓએ કર્યો હતો. આ સાઇકલ યાત્રા ટેકસાસથી અલાસ્કા 4000 માઇલ જેમાં લુઇસીયા, મીસીપીસી, કંટકા, આર્કેન્સા, કેનેડા વગેરે અનેક સ્થળોનો સમાવેશ થયો હતો.
આ સમગ્ર સાઈકલ યાત્રાનું નેતૃત્વ ધોરાજીના રિધ્ધી પટોળિયાએ કરી, આ નેક કામને સફળતા પૂર્વક પાર પાડ્યુ હતું. આ સાઈકલ યાત્રા પૂર્ણ થતા અમેરિકામાં તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં અમેરિકાની પટોળિયા પરિવાર ધોરાજી આવેલ ત્યારે માદરે વતન ધોરાજીમાં પણ રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા સન્માન કરાયુ હતું.
જયેશ રાદડિયાએ રિધ્ધીને તેની આ સિધ્ધી બદલ સન્માનિત કરી ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ‘રિધ્ધીએ
આ સદ્ભાવનાનું કાર્ય કરી વિશ્ર્વમાં
ધોરાજીનું નામ રોશન કર્યું છે. આજરીતે ભવિષ્યમાં સફળતા મળે તે માટે ખુબ શુભેચ્છા’.