એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય: તંત્ર એલર્ટ

રાજકોટ તા.૧૦
વરસાદની એકસાથે ત્રણ-ત્રણ સીસ્ટમ સક્રિય થતા આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે રાજ્ય સરકારે તમામ અધિકારીઓને એલર્ટ આદેશ આપવામાં આવ્યા છે. દરિયામાં કરંટના કારણે મોટા લોઢ ઉછળી રહ્યા છે તેથી માછીમારોને દરીયો નહીં ખેડવાની સુચના આપવામાં આવી છે.
પશ્ર્ચિમ બંગાળમાં લો-પ્રેશર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સાયકલોનીક સરકયુલેશન અને અરબી સમુદ્રમાં ચોમાસાનો કરંટના કારણે એકસાથે ત્રણ સીસ્ટમ સક્રિય બની ગઇ છે જે ધીમે ધીમે આગળ ભણી રહી છે. તેથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપર સર્જાયેલા અપર એર સાયકલોનીક સરકયુલેશન વધુ મજબુત બન્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલથી સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર સહિતના જીલ્લાઓમાં ભારે વરસાદ પડયો છે અને આગામી ચોવીસ કલાકમાં વધુ વરસાદ પડવાની આગાહીના પગલે રાજ્ય સરકારે તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સુચના આપી છે.