ઇલેક્શન મોડમાં મોદી દેશભરમાં કરશે ભ્રમણ

ક્ષનવીદિલ્હી તા.૧૦
લોકસભા ચૂંટણીને હવે ૧૦ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. બધા પક્ષો ચૂંટણીના મૂડમાં આવી ગયા છે. આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર માટે ફરી એકવાર જનાદેશ મેળવવા માટે જનતા સાથે સીધો સંવાદ કરવાની જવાબદારી પોતે ઉપાડી લીધી છે. આગામી કેટલાક મહિનાઓમાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ખૂબ વ્યસ્ત રહશે. આ દરમિયાન વડાપ્રધાન ઑક્ટોબર સુધી દેશના લગભગ તમામ રાજ્યોનો પ્રવાસ કરશે.
પોતાના પ્રવાસ દરમિયાન પીએમ તે રાજ્યોમાં કોઈને કોઈ પ્રોજેક્ટની શરૂઆત અથવા ઉદઘાટન તો કરશે જ, મોટી રેલી પણ કરશે જેમાં તે પોતાની સરકારના કામકાજ વિશે જણાવશે. ભાજપ વડાપ્રધાનના દેશભ્રમણના બહાને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીની બરાબર પહેલા સકારાત્મક માહોલ બનવાની આશા કરી રહી છે. આ મહિને પીએમ અત્યાર સુધી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના પ્રવાસ કરી ચૂક્યા છે અને આગામી થોડા દિવસોમાં પંજાબ, ગુજરાત અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પણ કરવાના છે.
સૂત્રો અનુસાર રાજ્યોના પ્રવાસ દરમિયાન તે સરકારની યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. સૂત્રો અનુસાર, દરેક પ્રવાસમાં આવા કાર્યક્રમોનું આયોજન થશે. સરકારે દાવો કર્યો છે કે, ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં તે જનતા વચ્ચે છેલ્લા ચાર વર્ષ દરમિયાન ચલાવવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓના દમ પર ચૂંટણી લડશે. આ અંતર્ગત જ તે
લાભાર્થીઓની વાત દેશ સામે લાવીને લોકો પાસે વોટ માગશે. ૭ જુલાઈએ આવા કાર્યક્રમ અંતર્ગત જ મોદી લોકોને મળ્યા હતા.
બીજી તરફ ગુજરાતમાં સરકાર પટેલની બની રહેલી સૌથી ઊંચી મૂર્તિના અનાવરણની તારીખ પણ સામે આવી ગઈ છે. પીએમ મોદી આ વર્ષે ૩૧ ઑક્ટોબરે તેનું અનાવરણ કરશે. મોદીએ જ આ મહત્વાકાંક્ષી પ્રોજક્ટની શરૂઆત કરી હતી. મોદીએ સરદાર પટેલને મોટો ચૂંટણીલક્ષી મુદ્દો બનાવ્યા હતા અને કોંગ્રેસ પર તેમની ઉપેક્ષા કરવાના આરોપ લગાવ્યા હતા.