નીતીશકુમારે ઝાઝી વાગ

રવિવારની સૌથી મોટી રાજકીય ઘટના એ રહી કે, બિહારના મુખ્ય પ્રધાન અને જેડી(યુ)ના અધ્યક્ષ નીતીશકુમારે મહાગઠબંધન માટે દરવાજા બંધ કરી દઈને 2019ની લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપના સાથી પક્ષ તરીકેના નિર્ણયની જાહેરાત કરી દીધી. દેશમાં બે અસર થઈ, કોંર્ગ્રેસનું મહાગઠબંધનનું સ્વપ્ન ઝાંખું થઈ ગયું અને ભાજપને હાશકારો થયો.
ઘણા સમયથી નીતીશકુમાર પર બધાની નજર હતી, કારણ કે બિહારમાં મુખ્ય પ્રધાન તરીકે તેમની પ્રતિભા સારી છે. એમણે કેટલાક મુદ્દે ભાજપના વિરોધી હોવાની છાપ ઊભી તો કરી જ હતી એટલે જ વિપક્ષો એક થઈને મહાગઠબંધન રચશે તો તેમના જોડાણની પણ શક્યતા હતી. રાજકારણમાં તકવાદ એ હવે જૂની બાબત થઈ ગઈ છે, તેને મુત્સદીગીરી તરીકે ઓળખવામાં આવે છે. જેવું જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફતી અને ભાજપ વચ્ચે થયું તેવું જ બિહારમાં નીતીશ અને લાલુ યાદવ વચ્ચે થયું. લાલુ યાદવ સાથે છેડો ફાડીને નીતીશે ભાજપ સાથે જોડાણ કર્યું અને રાતોરાત પાછા મુખ્ય પ્રધાન બની બેઠા, નહીં તો 2014ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપની વિરુદ્ધ હતા. 2014માં પવનની દિશા શાસન પરિવર્તન માટેની હતી. બિહારમાં ભાજપે 40 લોકસભાની બેઠકોમાંથી બાવીસ બેઠકો પર વિજય મેળવ્યો હતો, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં નીતીશ અને લાલુપ્રસાદના પક્ષોએ બહુમતી મેળવીને સરકાર રચી હતી.
અત્યાર સુધીનો રાજકીય ઈતિહાસ એવો છે કે નીતીશકુમાર ક્યારેય એકલા હાથે ચૂંટણી જીત્યા નથી, એટલે આગામી ચૂંટણીમાં એકલા રહેવા કરતાં એનડીએ સાથે રહેવાનું પસંદ કર્યું છે. કારણકે 2014ની ચૂંટણીમાં તેમના પક્ષને 40માંથી બિહારમાં માત્ર બે જ બેઠકો મળી હતી. અત્યારે કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકારના સાથી પક્ષ હોવાથી તેનો ફાયદો નીતીશને મળી શકે, એ ગણતરી તેમની રહેવાની જ! અત્યારે એવા અહેવાલ મળે છે કે, બિહારની 40 બેઠકોમાંથી ભાજપ 17 અને જેડી(યુ) 17 બેઠકો પર લડશે. શું અમિત શાહ અને નરેન્દ્ર મોદી બાવીસ બેઠકોની જીતવાળો મુદ્દો આગળ નહીં ધરે? અમિત શાહ એટલે જ 12મી જુલાઈએ બિહાર જવાના છે, કોના ફાળે શું આવશે એ ખબર પડી જશે. બાકી, મહાગઠબંધન માટે પણ બિહારમાં નીતીશ બહુ મહત્ત્વનું ફેકટર બની શકત. માની લો, કે કોઈ કારણસર નીતીશ મહાગઠબંધનમાં પાછા આવવા તૈયાર થાય, તો, શું લાલુપ્રસાદનો આરજેડી પક્ષ અને કોંગ્રેસ તેમને સ્વીકારે ખરા? કોંગ્રેસને જરાપણ વાંધો ન આવે પણ લાલુ યાદવ અને તેજસ્વી યાદવ પોતાનાં થયેલાં અપમાનને ભૂલીને પણ આવકારે ખરા નીતીશને? એ કઈ રીતે તેના પર વિશ્ર્વાસ મૂકી શકે? કારણ કે વિશ્ર્વાસ કરતાં અંગત સ્વાર્થ રાજકારણમાં મહત્ત્વનાં ગણાય છે.
રવિવારે જેડી(યુ)ની મળેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં તો લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાની વાતને ટેકો આપતો પ્રસ્તાવ પણ મંજૂર કર્યો હતો. આમ તો શિવસેનાની માફક જેડી(યુ) પણ ભાજપ સાથે સહજભાવે ભળી શકતો નથી. ભાજપની એવી નીતિ રહી છે કે, તક ગુમાવ્યા વગર રાજકીય પગપેસારો કરી લેવો. નીતીશને પણ એ ડર છે જ. પણ તેમની પાસે બે જ વિકલ્પ છે, ભાજપ સામે લડો અથવા શરણું સ્વીકારો! અત્યારે તો નીતીશે બીજો વિકલ્પ પસંદ કરી લીધો છે. એ જ રીતે બિહારમાં જો ભાજપે પોતાના પગ પહોળા કરવા હોય તો જેડી(યુ) સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી. નીતીશના નિર્ણયનો અર્થ ભાજપના ચાણક્ય ન સમજી શકે તેવા નથી. તેથી જેડી(યુ)નું કદ કયા માપનું રાખવું તેની યોજના પણ ઘડાઈ ગઈ હશે. એ ગમે ત્યારે જેડી(યુ)ને હાંસિયામાં ધકેલી દે કે પછી બીજા ક્રમે રાખી દે તો રાજકારણમાં કંઈ આશ્ર્ચર્ય પામવા જેવું નહીં હોય, કારણ કે નીતીશ પર કેટલો વિશ્ર્વાસ મૂકી શકાય એ બાબતે એ સજાગ હોય જ.