ચાલ વરસાદ ની મૌસમ છે વરસતા જઈએ

‘આજે નથી જાવું કોઇને’ય કામ પર
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર’
- વેણીભાઇ પુરોહિત
વેકેશન નહી મળતું હોવાના ગુસ્સામાં બદલો લેતો હોય તેમ ઘુંઘવાતો સુરજ મે મહિનામાં તો તોબા પોકારાવી દે છે પણ દુ:ખનું ઓસડ દા’ડા’ તેમ જૂન માસના આગમન સાથે અંબરની અટારીએ અબ્ધીઓનું આગમન, ઋતુઓની રાણી વર્ષાની પધરામણીની છડી પોકારતા જ લોકહૃદયમાં
થોડી હાંસ સાથે, ધીંગા વરસાદની મનમાં આશા બંધાય છે.
તેમાં પણ ગરમીમાં તપી તપી, વેંત વેંત પહોળી બની ગયેલ ખેતરની માટી વચ્ચેની તીરાડોમાંથી ઉઠતા ખમૈયા કરો મહારાજ જેવા મૌન નિસાસા ભલે ઉપર સુધી સંભળાય નહિ પણ દેખાય તો ખરાને ? કદાચ એ જોઇ વાદળ રડી પડે અને ધરણીને ભીંજવી નાખે ત્યારે મોર ટેહુ ટેહુ (વેલકમ વેલકમ) કરી વર્ષાને આવકાર આપે છે.
તડબડ તડબડ રવ સાંભળતા જ પંખીઓ માળામાં, પ્રાણીઓ બખોલમાં અને માનવીઓ ઘરમાં સંતાઇ જવા છતા નજરોથી વરસાદ પીતા, મનથી તો કોઇ તનથી પલળતા, કલેજે ટાઢક મહેસુસ કરતા હોય છે.
ગરમી ખમી ખમી બરડ બની ગયેલા વૃક્ષોના પાંદ ભીનાસની આહલાદકતા માણતા ખરર.... સરર જેવો સુર રેલાવે છે. પ્રિયતમને વધાવતી ધરતી પણ ભીની માટીની સોડમ પ્રસરાવતી ખુશીમાં સહભાગી બને છે. બાળકો આવરે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક ગાતા પલળે છે. તો પ્રિયા-પ્રિયતમ પરસ્પર નયન લડાવતા અને વયસ્કો બારી પાસે બેસી ચા-ભજીયાની લુત્ફ ઉઠાવતા હોય છે. વરસાદનો પ્રભાવ જ એવો છે ને! એટલે જ કવિ કહે છે કે આજે કોઇને’ય કામે નથી જવું...
‘ચાલ વરસાદની મોસમ છે
વરસતા જઇએ
ઝાંઝવા હો કે હો દરિયાવ
તરસતા જઇએ.’
- હરીન્દ્ર દવે
વરસાદની વાત ચાલી રહી છે તો હરીન્દ્રભાઇ દવેના આ વરસાદી ગીતની પંકિતઓ આપોઆપ યાદ આવી જાય છે. વરસાદની મોસમ એટલે અબાલવૃધ્ધ સૌના માટે પલળવાનો જ નહિ, ભીંજાવાનો ઉત્સવ અને ફકત વરસાદી પાણી થકી જ નહિ, કોઇની યાદમાં કે કોઇના સંગાથમાં પ્રેમથી વરસતા જવાની પણ એક મજા હોય છે. વરસાદ એટલે પ્રેમની વર્ષા પછી તેની તરસ કોને ન હોય ? હા પ્રેમ પછી એ ઝાંઝવા જેવો ભ્રામક કે દરિયા જેવો છલોછલ હોય તો પણ તરસ રહેવાની જ છે. એ જ તો આ મૌસમનો મિજાજ છે.
વેર્યા મેં બીજ અહી છુટે હાથે
હવે વાદળ જાણે ને વસુંધરા
- મકરંદ દવે
આ જીવન એટલે અકારણ-અચાનક નાશવંત ગણાતી સફર કે જેમાં આગળની ક્ષણે શું થશે તે કોઇનેય ખબર નથી હોતી. અનિશ્ર્ચિતતાથી ભરેલી અને છતાં શ્ર્વાસ ચાલે ત્યાં સુધી ખેંચવી પડતી યાત્રા. આમ જોઇએ તો કેટલી બધી કઠીન છે! પરંતુ કહેવાય છે ને કે વિશ્ર્વાસે વહાણ ચાલે અને આપણે સૌ ચલાવતા જ રહ્યા છીએ ને ! બીજો કોઇ વિકલ્પ જ કયાં છે ? જો કે જીંદગીની અનિશ્ર્ચિતતાના વિચારોના વમળમાં ઘુમરાવા કરતા સફર તો નિશ્ર્ચિત જ છે, તે વાત સમજી લઇ પોતાનું કર્મ કરનાર ભાગ્યે જ દુ:ખી થતા હોય છે. કદાચ પરમશકિત પ્રત્યેનો આપણો વિશ્ર્વાસ. ખેડૂત ખેતરમાં દાણા વાવતી વખતે બીજી કોઇ ચિંતા કરવાને બદલે એવું વિચારે છે કે આપણે બી વેરી દીધા હવે વરસાદ અને ધરતી જાણે, કામ પૂર્ણ કરી સંતોષ અનુભવાની આ વાત શીખવા જેવી છે.
સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ
તને સ્મરુ અને વરસાદ ધોધમાર પડે
- આદિલ મન્સુરી
વરસાદ માત્ર કાવ્યાત્મક અનુભૂતિ નથી બલ્કે જીવન છે. પાણી વગર તો દાણાપાણીનાયે ફાંફા પડી જાય. જળ છે તો જીવન છે. એટલે જ ઉનાળાની અસહ્ય ગરમી ખાઇ ધરતી ઉપર પડેલ સોળ જેવા ચીરા, મુરઝાતી મોલાત જોઇ અને ઢોરના નિહાકાભર્યા ભાંભરડા સાંભળી પસાર થતા વાદળો વરસી પડી, ધરાને તૃપ્ત કરે છે. વરસાદ જોઇ પશુ, પંખી, માનવ, કુદરત બધા કેવા ખીલી ઉઠે છે ? જાણે ધોમધખતા તાપમાં રણની વચ્ચે સળગતા સૂર્યનો કોપ ખમનાર માનવી પ્રભુને કે પ્રિયજનને યાદ કરે અને જાણે ધોધમાર વરસાદ તુટી પડે ! ત્યારે તેની સ્મૃતિની કેવી તાકાત હશે ? સ્મરણ જાણે રણ વચ્ચેય ટાઢક સર્જી જાય તે કવિની કલ્પના કાબીલેદાદ ગણવી પડશે.
(શિર્ષક પંકિત: હરીન્દ્ર દવે)