મમ્મી ના ખરબચડા હાથ

"મમ્મી.. મારું બોનવીટા તૈયાર છે?
"વહુ, મારી ચા મુકજો ને અને તમારા મમીનું લીંબુ શરબત પણ બનાવજો...
"શાલુ, મારી ગ્રીન ટી..
"મોમ.. મારો ઓરીયો શેઈક પ્લીઝ..
શાલિનીના ઘરમાં સવાર કંઇક આવી રીતે શરુ થતી. સાસુ-સસરા, પતિ અને બે બાળકો સાથે રહેતી શાલિની ગૃહિણીની પરફેક્ટ વ્યાખ્યા સમાન હતી.. સવારમાં પાંચ વાગ્યે જાગે ત્યારથી લઈને રાતના બાર વાગ્યા સુધી કંઈ ને કંઈ કામ કરવામાં રત રહેતી શાલિની બધાની જરૂરીયાત સાચવવામાં પોતાના માટે જીવવાનું, પોતાની જાતની સંભાળ રાખવાનું ભૂલી જતી.. તેનું જીવન, અસ્તિત્વ, આશાઓ અને આનંદ બધું જ તેના ઘરના વ્યક્તિઓની આસપાસ વણાયેલું રહેતું. તેના બાળકોના ચહેરા પરની મુસ્કાન, સાસુ-સસરાના ચહેરા પરનો સંતોષ અને પતિના ચહેરા પરનો ગર્વ. આ બધું જોવા-માણવા તે દિવસ આખો ઢસરડા કરતી.
રસોડામાં પાંચેય જણાની જુદી-જુદી પાંચ વસ્તુઓ તૈયાર કરીને શાલિની ટ્રેમાં મુકીને બહાર આવી. પર્યત તો ઉપરથી નીચે આવતાં જ કોલેજ જવાની ઉતાવળમાં જ તેનો ઓરીયો શેઈક ઉભા ઉભા પીને નીકળી ગયો.. તેને બેસીને પીવાનું કહેવાની મિથ્યા કોશિશ કરીને શાલિની અંદરના ઓરડામાં આરામ કરી રહેલા તેના સાસુ-સસરાને ચા અને લીંબુ શરબત આપવા ગઈ.. એ પછી ઉપર ઓરડામાં તૈયાર થતા પતિ સમર્થ પાસે ગઈ.. તેને ગ્રીન ટી આપી અને પછી તેની ટાઈ, રૂમાલ, મોજા અને બેલ્ટ ડ્રેસિંગ ટેબલ પર કાઢીને મૂકી દીધા. તેના વોર્ડરોબમાં કપડાં કાઢીને, ઈસ્ત્રી વાળા કપડાંને ફરી જરા ઈસ્ત્રી ફેરવી અને સમર્થનું વોલેટ પણ બાજુમાં રાખી દીધું. તરત જ પ્રેક્ષાના ઓરડા તરફ ગઈ કે તેને નીચે ડાઈનીંગ ટેબલ પાસે રાહ જોઇને બેઠેલી જોતાં જ પાછી નીચે ઉતરી અને તેની પાસે ગઈ..
"મમી.. અહી રાખીને ના જવાય? હું પાંચ મિનીટથી વેઇટ
કરું છું.
"અરે મને એમ કે તું રૂમમાં પીવાની હશે દીકરા.. એટલે ત્યાં આપવા માટે ઉપર જ લઈને આવી હતી.. તારે તો નાસ્તો કરવો હોય તો જ તું નીચે આવે છે ને. અરે હા,
તો બેટા તને શું આપું? નાસ્તો
કરીશ ને?
"કઈ નહિ.. એ છોડ ને હવે આ બોનવીટા આપ.. મને મોડું થાય
છે મમી...
પ્રેક્ષાએ જેવો દુધનો ગ્લાસ લીધો કે તેમાં મલાઈ જામી ગયેલી જોઈને તે બોનવીટા બીજા કપમાં કાઢવાનું શાલિનીને કહ્યું..
ને પછી તરત જ તેનું બોનવીટા પીને પ્રેક્ષા કોલેજ જવા નીકળી ગઈ. સમર્થ પણ પાંચ મિનીટમાં ઉતર્યો ને શાલિનીને હગ કરીને નીકળી ગયો.. તેના સાસુ-સસરા પણ સત્સંગમાં જવા રીક્ષામાં બેસીને નીકળી ગયા..
દસ વાગ્યે આખા ઘરમાં એકલી પડેલી શાલિની બધાના રૂમમાં જઈને વાસણો લઇ આવી અને તેને ધોવા લાગી.. કામવાળી બાઈ તો આવતી પરંતુ તેને જો આ બધા વાસણ આપવા બેસે તો તે કામ છોડીને ભાગી જાય. વાસણોનો ઢગલો કરવા કરતા આવા પવાલા, ગ્લાસ ને બીજા નાના-મોટા વાટકા ને નાસ્તા માટે વપરાયેલી ડીશ તે જાતે જ બેસિનમાં ધોઈ નાખતી.. તેના સાસુ-સસરા માટે વહેલી સવારે છ વાગ્યે પણ તે એક વાર દૂધ બનાવતી. ત્યારે તે બંને નાસ્તો પણ કરતા.. અને પછી નવ વાગ્યે સસરા ચા અને સાસુ લીંબુ શરબત પીતા. એમાંથી પણ ભેગા થયેલા બધા વાસણ ધોઈને પછી કપડા પલાળીને તે ઘરમાં સાફ-સફાઈ કરતી. કચરા-પોતા કરવા માટે કામવાળી હોય પણ બધું ઊંચું-નીચું તો શાલિની જ મુક્તિ.. ચોળાયેલી ચાદરો અને ઓઢ્યા પછી ના વળાયેલી તેના બાળકોના રૂમની અને પોતાના રૂમની સમર્થે વાપરેલી ચાદર વાળીને સાસુ-સસરાના રૂમમાં જઈને એકબાજુ ઢગલામાં પડેલા જાતજાતના કપડા લઈને તે ધોવા નાખતી..
આ તો થઇ સવારની વાત.. દિવસ આખો શાલિનીનો કંઈ ને કંઈ કામમાં વીતી જતો.. મોટેભાગે તો તે રસોડાના બેસીને પાસે જ જોવા મળતી.. એકઠા થયેલા નાના-મોટા વાસણો ધોતી રહેતી..
"શાલુ, આજે જમવામાં શું છે?
રાતના નવ વાગતા જ આવી ગયેલા સમર્થે પૂછ્યું. પ્રેક્ષા અને પર્યત તેમના રૂમમાં હતા.. સાસુ-સસરા જમીને બગીચામાં આંટો મારવા ગયેલા..
"તમને ભાવે એવું ઢોકળીનું શાક અને રોટલો, સાથે દહીંની તીખારી.. છોકરાઓને ઢોસા ઉતારી દીધેલા ને મમી-પપ્પા માટે દૂધ ભાખરી
કર્યા હતા..
રસોડામાં વ્યસ્ત શાલિનીએ પતિને જવાબ આપ્યો.. પણ ત્યાં સુધીમાં તો સમર્થ તેના ઓરડામાં પહોચી ગયેલો.. ફ્રેશ થવા માટે જ તો..!! આખા દિવસના થાકેલો, અકળાયેલો! ભલે એસીમાં બેઠો હોય પણ કામ તો કર્યું જ હોય ને એટલે ફ્રેશ થવા સમર્થ તરત જ ચાલ્યો જતો..
સાડા નવની આસપાસ તે ફ્રેશ થઈને જમવા માટે આવ્યો.. તેના માટે ગરમ રોટલો ઉતારીને શાલિની તેની સાથે જમવા બેઠી..
"શાલુ, આ વિક એન્ડ પર છોકરાઓ ફરવા જવાનું કે છે તો બે દિવસ ઉદયપુર જઈ આવીએ..
"હા ચાલોને.. મજા આવશે. ઘણા ટાઈમથી ક્યાય નથી ગયા. મમી-પપ્પા પણ ફ્રેશ થઇ જશે..
કહીને સમર્થની ખાલી થઇ ગયેલી થાળીમાં શાલિનીએ શાક પીરસ્યું કે તરત સમર્થ બોલ્યો,
"આ શું શાલુ? તારા હાથ તો જો.. કેવાં ખરબચડાં થઇ ગયાં છે.. અરે રે.. સાવ ચામડી સુકાઈ ગઈ છે ને લોહી તો જાણે રહ્યું જ નથી હાથમાં.. પથ્થર જેવા લાગે છે સાવ..કઠણ કઠણ.
સમર્થે જરાં ચોંકીને કહ્યું..
"અરે કંઈ નથી હવે એ તો સમર્થ. આખો દિવસ પાણીમાં ને સાબુમાં હાથ રે એટલે એ તો થઇ જાય બાબા.. સામાન્ય છે.. દરેક ગૃહિણીના હાથ આવા જ હોય..!! આમાં કંઈ નવાઈની વાત નથી સમર્થ. આટલું બધું ના વિચારો.
"અરે પણ તું કંઈ પાર્લરમાં કે ત્યાં ક્યાય નથી જતી.. બધી ગૃહિણીઓ તો પાર્લરમાં જાય. તું પણ જા ને.. કંઇક કર ને શાલુ..
ત્યાં જ પ્રેક્ષા આવીને તેની માંને અચાનક વળગી પડી..
"મમી.. સેક્ધડ સેમેસ્ટરનું રીઝલ્ટ આવી ગયું.. મને 8 સીજીપીએ આવ્યાં..
ને ખુશ થતા જ શાલિનીએ પોતાની દીકરીને વહાલથી ચુંબન કરી લીધું.. તેના ગાલ પર પ્રેમથી હાથ ફેરવ્યો કે તરત પ્રેક્ષા બોલી,
"મમી.. તારા હાથ કેમ આટલાં ખરબચડાં લાગે છે?
પ્રેક્ષાને પણ સમર્થને આપ્યો એ જવાબ આપીને "ચાલો હવે મને મારું કામ આટોપવા દો કહીને શાલિની રસોડામાં ચાલી ગઈ..
પ્રેક્ષા તરત બોલી,
"કેમ કામવાળા તો આવે છે તો પણ તારા હાથ આવા થઇ ગયાં છે?
પણ તેનો જવાબ આપ્યા વગર શાલિની રસોડામાં તેનું કામ કરતી રહી અને પ્રેક્ષા અને સમર્થ એકબીજાની સામે જોઈ રહ્યાં..
બીજા દિવસે સવાર સવારમાં જ શાલિની જાગીને તૈયાર થઇ ગઈ.. વટ સાવિત્રી વ્રતની પૂજાનો દિવસ હતો.. સમર્થના આયુષ્યની અને તેના સ્વાસ્થ્યની, પોતાના અખંડ સૌભાગ્યની મનથી પૂજા કરવા તે બાજુના મંદિરે આવેલા વડલે સવારમાં છ વાગ્યામાં પહોંચી ગઈ હતી..
વડલાની પરિક્રમા કરી, જળ રેડીને સમર્થના સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે સતત પ્રાર્થના કરીને બે કલાક
પછી તે ઘરે આવી.. ત્યારે આઠ
વાગ્યા હતાં.
ઘરે પહોચતા જ તેણે જોયું તો તેના સાસુ-સસરા હોલમાં ચિંતાગ્રસ્ત ચહેરે બેઠેલાં.. શાલિનીનું મન મૂંઝાઈ ગયું.. તરત તેમની પાસે જઈને પૂછ્યું,
"શું વાત છે મમી? પપ્પા, શું થયું છે? કેમ આટલાં પરેશાન છો તમે બંને?
ઉચાટ સ્વરે તેના સાસુ બોલ્યા,
"આ જો ને વહુ.. ખબર નહિ સમર્થને શું થયું છે.. સવારનો કંઇક ગાંડા કાઢે છે..
શાલિનીને નવાઈ લાગી.. હજુ તો આઠ વાગ્યા છે.. દસ વાગ્યે ઓફિસે જવા માટે નવ વાગ્યે જાગતો સમર્થ આજે આઠ વાગ્યામાં જાગી ગયો. અને એ પણ ક્યારનો.. પાછુ એવું તે શું કરતો હશે..
"હું જોવ છું મમ્મી.. ચિંતા નાં કરો..
કહીને શાલિની તરત ઉપર પોતાના ઓરડામાં પહોચી..
"સમર્થ... ક્યાં છો?
ઓરડામાં ક્યાય ના દેખાતા સમર્થને જોઇને શાલિનીથી બોલાઈ ગયું..
"અહી છું ડાર્લિંગ અંદર બાથરૂમમાં..
સમર્થે શાલિનીને જવાબ આપીને કહ્યું.. શાલિની ઉતાવળે પગલે બાથરૂમમાં ગઈ અને જોયું તો આખી ભરેલી સાબુની ડોલમાં સમર્થ હાથ નાખીને બેઠો હતો.. અને એ ડોલમાં વાસણ ઘસવાનો અને કપડા ધોવાનો બંને સાબુ તેણે નાખેલા હતાં.. એ ઉપરાંત ડીટરજન્ટ પાવડર અને લીક્વીડ
પણ હતું.
"અરે રે.. આ શું કરો છો સમર્થ?
શાલિનીના આ સવાલના જવાબમાં તે શાલિની સામે જોઇને, સહેજ હસીને, આંખોમાં પ્રેમ લાવીને તે બોલ્યો,
"મારા હાથને ખરબચડાં કરું છું ડાર્લિંગ..
"હેં? આ શું ગાંડપણ આદર્યું છે સમર્થ?
હજુ તો આગળ તે કંઈ બોલે એ પહેલા જ પ્રેક્ષા અને પર્યત પણ ઓરડામાં આવ્યા.. સાથે જ તેના સાસુ-સસરા પણ આવ્યાં.
"વહુ.. ગાંડપણ તો અમે આદર્યું હતું.. તમને જાણે કે ઘરની ગૃહિણી નહિ કામવાળી જ સમજી લીધેલી.. હા મારી ઉમર છે.. હા હું કામ ના કરી શકું..
પણ મારા લીધે તમારું કામ વધે એવું પણ મારે ના જ કરવું જોઈએ ને.. તમારા પપ્પાનું થોડું-ઘણું હું સાચવી લઉં તો તમારે માથેથી કેટલો ભાર ઉતરી જાય ને.. કપડાનાં ઢગલા રૂમમાં કરવાની જગ્યાએ બાથરૂમમાં ડોલમાં મૂકી દઉં એમાં મને કંઈ ખેંચ ના જ પડે ને.
પ્રેક્ષા પણ આ સાંભળતા તરત જ બોલી ઉઠી..
"હા મમી.. હું પણ જો મલાઈ જેવી સીલી બાબત માટે બીજો કપ ના બગાડું તો કેટલી ડાહી કહેવાઉં નહિ?
ને આ સાંભળીને શાલિની હસી પડી.. પાછળ ઉભેલા દીકરા પર્યત સામે જોયું..
"મોમ.. હું તો તને હેરાન કરીશ જ હો.. કમ ઓન.. એમાં જ તો મારો પ્રેમ છુપાયેલો છે એ સમજ ને..
આ સાંભળતા જ શાલિની તરત બોલી,
"હા તો હું એ જ કહું છું તમને બધાને.. કે હું આ બધુ જે કરું છું એ તમારા માટે પ્રેમથી કરું છું.. મને ગમે છે આ બધું કરવું.. મને આનંદ મળે છે..
ક્યારનો ચુપ બેઠેલો સમર્થ બોલ્યો,
"ચલ ને ડાર્લિંગ આજે હું પણ વટસાવિત્રીની પૂજા કરીશ.. તારા માટે.. તારા આયુષ્ય ને સ્વાસ્થ્ય માટે..
"અરે.. તમે ક્યાં વળી આ નવું તુત ઘાલ્યું?
શાલિનીએ કહ્યું..
"બસ હું એ જ કહું છું.. અમારા બધાના ખોટા તુત સહન કરવાના બંધ કર શાલુ.. આજથી છોકરાઓ થોડા કેરફુલ રહેશે.. હું પણ મારું અમુક કામ જાતે કરીશ... તારી પાસે બેસીને નાસ્તો કરીશ.. અને નાસ્તો કરીને વાસણ પણ અંદર મૂકી દઈશ.. ધોઈ પણ દઈશ.. મમી-પપ્પા પણ એમનાથી જે થશે એ કરશે.. બસ હવે તારા કામની, તારા પરસેવાની અને તારા ગૃહિણીપણાની કિંમત અમે સમજી ગયા છીએ!
સમર્થ આગળ કંઈ બોલે એ પહેલા જ મેઈન ડોરનો બેલ રણક્યો.. બધા એકસાથે જ નીચે ઉતર્યા. શાલિનીએ દરવાજો ખોલીને તરત પૂછ્યું,
"જી કોનું કામ છે?
"બ્યુટી કેર પાર્લરમાંથી આવીએ છીએ.. શાલિની આપ જ છો?
શાલિનીએ પ્રશ્ર્નાર્થસૂચક નજરે ઘરના બધા સામે જોયું.. બધાના ચહેરા પર મુસ્કાન હતી.. એ મુસ્કાનમાં જ શાલિનીનો જવાબ છુપાયેલો હતો..
"હા હું જ છું શાલિની.. આવો અંદર..
ને એ દિવસે શાલિનીના ખરબચડાં હાથ આર્ટીફીશીય્લી સુંવાળા થયા.. પણ ત્યાર પછી ક્યારેય આર્ટીફીશ્યલ ટ્રીટમેન્ટની જરૂર જ નાં પડી.. કારણકે તેના ઘરના લોકો હવે એ હાથ હંમેશા સુંવાળા જ રહે તેની પુરતી તકેદારી રાખતાં..!!! શાલિની ગૃહિણીની પરફેક્ટ વ્યાખ્યા સમાન હતી.. સવારમાં પાંચ વાગ્યે જાગે ત્યારથી લઈને રાતના બાર વાગ્યા સુધી કંઈ ને કંઈ કામ કરવામાં રત રહેતી શાલિની બધાની જરૂરીયાત સાચવવામાં પોતાના માટે જીવવાનું, પોતાની જાતની સંભાળ રાખવાનું ભૂલી જતી બીજા દિવસે સવાર સવારમાં
જ શાલિની જાગીને તૈયાર
થઇ ગઈ.. વટ સાવિત્રી વ્રતની
પૂજાનો દિવસ હતો.. સમર્થના આયુષ્યની અને તેના સ્વાસ્થ્યની, પોતાના અખંડ સૌભાગ્યની મનથી પૂજા કરવા તે બાજુના મંદિરે આવેલા વડલે સવારમાં છ
વાગ્યામાં પહોંચી ગઈ હતી