પ્રેમિકા માટે વૃધ્ધાશ્રમમાં મોકલવા માગતા વૃધ્ધ પુત્રને જૈફ માએ ગોળી મારી દીધી!

માએ પ્રમિકા સામે પણ પિસ્તોલ તાકી પણ બચી ગઇ: માની ધરપકડ અમેરિકાનો કિસ્સો
વોશિંગ્ટન તા. 6
અમેરિકામાં એક 92 વર્ષની મહિલાની તેના 72 વર્ષના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી મહિલાની ઓળખ એનામે બ્લેસિંગ તરીકે કરાઈ છે. તેની વિરુદ્ધ હત્યાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
બીબીસીના રિપોર્ટ મુજબ એનાનો પુત્ર થોમસ બ્લેસિંગ તેને વૃદ્ધાશ્રમમાં લઈ જવાની કોશિશ કરી રહ્યો હતો. તેનાથી પરેશાન થઈને ગત સોમવાર (2 જૂલાઈ 2018)ના રોજ એનાએ થોમસને ગોળી મારી દીધી. પોલીસ જ્યારે મહિલાના ઘરે પહોંચી તો તે રૂમમાં બબડી રહી હતી કે તેં મારી જિંદગી લઈ લીધી એટલે હું તારી જિંદગી લઈ રહી છું. પોલીસ પૂછપરછમાં પુત્રની હત્યાની આરોપી મહિલાએ જણાવ્યું કે તે હત્યા બાદ પોતાની જાતને પણ ગોળી મારવા માંગતી હતી પરંતુ થોમસની પ્રેમિકાએ પિસ્તોલ છીનવી લીધી.
અત્રે જણાવવાનું કે 2 જૂલાઈના રોજ એના અને થોમસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સાથે રહેવામાં થઈ રહેલી પરેશાનીના કારણે થોમસ માતાને વૃદ્ધાશ્રમમાં મોકલવા માંગતો હતો. ઘરમાં તે પ્રેમિકા સાથે રહેવા માંગતો હતો. પોલીસ રિપોર્ટ મુજબ મહિલાએ પુત્ર સાથે વિવાદ ઊભો થયો તે પહેલા જ બે પિસ્તોલ ખિસ્સામાં છૂપાવી લીધી હતી. બંને વચ્ચે જ્યારે ચર્ચા વિવાદમાં ફેરવાઈ ત્યારે તેણે પિસ્તોલ કાઢીને પુત્રને ગોળી મારી દીધી. એનાએ પિસ્તોલ વર્ષ 1970માં ખરીદી હતી. તેણે થોમસને બે ગોળીઓ મારી. એક ગોળી તેને ગળામાં વાગી અને બીજી જડબા પર વાગી. પુત્રને માર્યા બાદ એનાએ પિસ્તોલ પુત્ર થોમસની પ્રેમિકા પર તાંકી દીધી.
જો કે તેણે કોઈ પણ રીતે પોતાની જાતને બચાવી અને પિસ્તોલ રૂમમાં એક બાજુ ફેંકી દીધી. ત્યારબાદ એનાએ ખિસ્સામાંથી બીજી પિસ્તોલ કાઢી. આ વખતે પણ પ્રેમિકાએ પોતાની જાતને બચાવી લીધી. એનાએ જણાવ્યું કે બીજી પિસ્તોલ તેને તેના પતિએ આપી હતી.
પોલીસે હત્યાની આરોપી મહિલા વિરુદ્ધ ફર્સ્ટ ડિગ્રી હત્યાનો કેસ દાખલ કર્યો છે. આ ઉપરાંત કિડનેપિંગ અને ગંભીર હુમલાનો પણ કેસ દાખલ કર્યો છે. પોલીસે મહિલાના જામીન માટે 5 લાખ ડોલરની રકમ નક્કી કરી છે.