હું કોણ છું? મારો સ્વધર્મ શું છે?

એક આગિયો કેટલું અજવાળું આપી શકે? એક સૂર્ય જેટલું? શું એ પ્રકાશ આખી ધરતીને પ્રકાશિત કરી શકે? શું એ પ્રકાશ દીપ પ્રજ્વલીત શકે? શું આગિયાની એ આગ સઘળાં ઘરમાં અજવાળું પ્રસરાવી શકે? ના. પણ શું એ આગિયાની ચમક અંધકાર દૂર કરી શકે? શું એ ચમક સિતારાનો એહસાસ કરાવતી જાય? શું એ આગિયાનું અજવાળું અંતરના સ્મિતનું કારણ બની શકે?
અને સૂર્યને ક્યારેય જોયો છે? કેટલો પ્રકાશ... કેટલો ઉજાસ... આખી સૃષ્ટિને ચમકાવી દે. ખાલી ધરતી જ કેમ?! નવે ગ્રહોને તેજથી છલકાવી દે છે આ સૂર્ય! એક આગિયો શું છે એની સામે? સૂક્ષ્મથી પણ વધારે સૂક્ષ્મ. એક આગિયાની શું કિંમત આ વિશાળ તેજથી ભરેલા અનંતકાળથી વરસતા સૂર્ય સામે?
પણ આગિયો આ વિચારીને ચમકવાનું બંધ નથી કરી દેતો. એ તો એનો સ્વધર્મ નિભાવે છે. એ તેજ ફેલાવે છે. કુતુહળતા અને આશ્ચર્ય જગાડે છે. અંધારી કાળી ગુફાને ચિત્તહારક અને મોહક બનાવે છે. અંધકારથી છલકાતી રાતને આહલાદક બનાવે છે. અને સૂર્ય પણ જ્યાં પહોંચી નથી શક્તો, ત્યાં-ત્યાં આગિયો પોતાનું તેજ ફેલાવે છે. સૂર્યના તેજ સામે એને પોતાનું અસ્તિત્વ ફીકું નથી લાગતું. એ પોતાના કર્મ પર પ્રશ્ર્ન નથી ઉઠાવતો. એ બસ બળ્યા કરે છે; નિરંતર, જ્યાં સુધી એની આગ ખૂટી નથી પડતી... જ્યાં સુધી એનો શ્વાસ નથી છૂટી જતો! પોતાનો સ્વધર્મ નિભાવવા માટે સૂર્ય પણ એને નથી રોકી શકતો! એટલે જો યોગની ભાષામાં વાત કરીયે, તો આ દુનિયાનો દરેક આગિયો કર્મયોગી છે!
જો આ વિચારને થોડો વધારે વિકસાવીએ, તો દુનિયાનું દરેક પ્રાણી, દરેક પક્ષી, દરેક જીવજંતુ કર્મયોગી છે. આખી જીવસૃષ્ટિ સિવાય એક મનુષ્યને પોતાના સ્વધર્મનો સતત એહસાસ છે અને એ તરફ આગળ વધ્યાં જ કરે છે. અને આમને આમ અનાદિકાળથી પ્રકૃતિનું સમતુલન જળવાઈ રહ્યું છે.
તો આપણે ક્યાં ખોટા પડીયે છીએ? આપણા અથાક પ્રયત્નો પછી પણ આપણે પ્રકૃતિનું સમતુલન જાળવવામાં કેમ નિષ્ફળ રહ્યાં છીએ? કદાચ એટલે કે આપણે પોતાનો સ્વધર્મ, પોતાની પ્રકૃતિને પિછાનવામાં નિષ્ફળ ગયા છીએ. પ્રકૃતિએ આપણને બુદ્ધિ પ્રદાન કરી, વિચારશક્તિ વિકસાવી, પોતાની જાતને ઓળખી શકીએ તે માટેના બધા જ પ્રબંધ કર્યા. પણ આપણે જે એક વસ્તુ કેળવવાની હતી તે જ આપણે કેળવી ના શક્યા; વિવેકબુદ્ધિનો આત્મસાતના કરી શક્યા. અને ત્યાં ચાલુ થઇ મનુષ્યપડતીની આ મહાગાથા.
જે કામ મારું નથી એ મારે કરવું છે. જે કામ હું કરી શકું છું, એ મારે કરવું નથી. હું સૂર્ય છું તો મારે આગિયા બનવું છે. હું આગિયો છું તો મારે સૂર્યની જેમ આખી ધરાને ચમકાવી છે. પણ સૌથી પેહલો પ્રશ્ર્ન તો એ ના હોવો જોઈએ કે હું ખરેખર કોણ છું? મારો સ્વધર્મ શું છે? મારું કર્મ શું છે?
જ્યાં સુધી આપણને હું કોણ છું? એ પ્રશ્ર્નનો જવાબ નહિ મળી શકે ત્યાં સુધી આપણે જીવની આ દરેક સોનેરી ક્ષણને વેડફી રહ્યાં છીએ.
અને જે દિવસે આપણને આપણો સ્વધર્મ મળી ગયો, એ દિવસે આપણને યોગી બનતા વાર નહિ લાગે. અને એ રસ્તે ચાલતા જ ક્યારેય એ સમજી શકીશું કે છેવટે તો સૂર્ય અને આગિયો બંને એક જ છે, બંને પોતે માત્ર તો તેજ પ્રસરાવે છે; બંને પ્રકાશનું જ સ્તોત્ર છે. અને અંધકાર માટે તો એ બન્ને ઈશ્વર જ છે! જ્યાં સુધી
આપણને હું કોણ છું? એ પ્રશ્ર્નનો જવાબ નહિ મળી શકે ત્યાં સુધી આપણે જીવની આ દરેક સોનેરી
ક્ષણને વેડફી
રહ્યાં છીએ.