આયુર્વેદ: મોનસૂન ડાયેટ લાઇફસ્ટાઇલ

આયુર્વેદમાં સમગ્ર વર્ષ દરમિયાન સ્વસ્થ રહેવા માટે પ્રત્યેક ઋતુ અનુસાર ડાયેટ, લાઇફસ્ટાઇલ, ઔષધો અને પંચકર્મનો નિર્દેશ કરેલ છે. બહારની પ્રકૃતિમાં આવતાં ઋતુ-ઋતુના પરિવર્તન મનુષ્ય શરીરના આંતરિક સંતુલનને પણ પ્રભાવિત કરે છે. હાલમાં વર્ષાઋતુ-ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ચોમાસામાં જળ દૂષિત થવાના કારણે અને ભેજનાં કારણે વિવિધ પાણીજન્ય અને ચામડીના રોગો જેવાંકે, દાદર, ફંગલ ઇન્ફેક્શન્સ, સોર્યાસીસ, ખરજવું વગેરે થાય છે અથવા વધી જાય છે. શરદી-ઉધરસ પણ ઠંડા હવામાનના કારણે તરત થઈ
શકે છે. સાંધાના દુ:ખાવા, સંધિવાત (ઓસ્ટીઓ-આર્થરાઈટીસ), આમવાત (રૂમેટોઇડ આર્થરાઈટીસ), ખાલી ચડવી, સ્નાયુઓના દુ:ખાવા, સ્નાયુઓ ખેંચાઈ જવા, ગેસ, અપચો, કબજીયાત આ બધી તકલીફો પણ આ ઋતુમાં વધે છે. કારણકે, ચોમાસામાં વાયુનો પ્રકોપ(વૃદ્ધિ) થાય છે. જયારે ચોમાસામાં વધુ દિવસો સુધી વરસાદ પડતો રહે અને સૂર્યદર્શન ન થાય ત્યારે કંટાળો, હતાશા, નિરાશા, વધુ પડતા નકારાત્મક વિચારો જેવું માનસિક અસંતુલન પણ જોવા મળે છે. આ બધાં રોગોમાં આયુર્વેદ-પંચકર્મ દ્વારા સારો લાભ થાય છે.
આયુર્વેદ અનુસાર વર્ષાઋતુમાં મનુષ્યનું બળ ઓછું થાય છે અને પાચનક્ષમતા નબળી પડે છે. જેને લીધે પાચન સંબંધિત તકલીફો વધે છે. આયુર્વેદ જ એવું જીવન વિજ્ઞાન છે જેમાં તંદુરસ્તી માટે પ્રત્યેક ઋતુ અનુસાર ડાયેટ, લાઇફ સ્ટાઇલ અને પંચકર્મનો નિર્દેશ કરેલ છે.
મોન્સૂન ડાયેટ
ક્ષ સરળતાથી પચી જાય એવું ઘરનું બનાવેલું ભોજન જ લેવું.
ક્ષ ગાયનું દૂધ, ઘી, જવ, ચોખા, ઘઉં, જુવાર, મકાઈ લેવાં.
ક્ષ કઠોળમાં મગ, મઠ, કળથી, અડદ, ચોળી, રાગી, વગેરે કઠોળ- આદુ(અથવા સૂંઠ), લસણ, તેજાના, કોથમીર, મીઠો લીમડો નાંખીને યોગ્ય રીતે વધારીને લેવાં.
ક્ષ આ ઋતુમાં વાયુ વધી જાય છે એટલે ખાટાં, ગળ્યા, ખારાં રસવાળા પ્રાકૃતિક દ્રવ્યોનો ઉપયોગ વધુ કરવો. વળી, બહારના વાતાવરણની જેમ શરીરમાં પણ ભીનાશ વધી જાય છે એટલે તીખા, કડવા, તૂરાં રસનો પણ માત્રવત ઉપયોગ કરવો.
ક્ષ હંમેશા ઉકાળીને ગાળીને જ પાણી પીવું.
ક્ષ પાનવાળા શાક, પાલક, મેથી, તાંદળજો,વગેરે ભાજી, સલાડ્સ ન લેવાં.
ક્ષ ઋતુ અનુસાર ઊગતાં દૂધી, કારેલાં, ગલકાં, પરવળ, તુરિયા, દેશી મકાઈ લઈ શકાય.
ક્ષ નોનવેજ ફૂડ ન લેવું, યોગ્ય રીતે ન પકાવેલ ભોજન ન લેવું.
ક્ષ વધુ પડતું પાણી ન પીવું કે ઠંડો, વાસી, જૂનો આહાર પણ ન લેવો.
ક્ષ પચવામાં ભારે અને લાંબો સમય લાગે કે વાયુ વધારે એવાં ખોરાક જેમકે, દહીં, ચીઝ, પનીર, બેકરી આઇટમ્સ, મેંદાની વસ્તુઓ, મીઠાઈ, આથાવાળી વસ્તુઓ, બે કે વધુ વખત પ્રોસેસ કરેલ ફૂડ, પીઝા, બર્ગર, પાણીપૂરી, પકોડી, પંજાબી ફૂડ, ફાસ્ટફૂડ, જંક ફૂડ ન લેવું.
ક્ષ ભોજન પહેલાં આદુના ટુકડા સંચળ અને લીંબુના રસમાં મિશ્ર કરી અવશ્ય લેવાં.
ક્ષ તાજી મોળી છાશ - શેકેલાં જીરુંનો પાવડર અને સંચળ નાંખીને લઈ શકાય.
મોન્સૂન લાઇફસ્ટાઇલ
ક્ષ વધુ પડતો શ્રમ, વધુ પડતા તડકાનું સેવન, ભીનાં વાળ કે કપડાં સાથે એ.સી.રૂમમાં જવાનું, ગંદા પાણીમાં ચાલવાનું ટાળવું.
ક્ષ દીવસે ન સૂવું, દિવસે સૂવાથી પાચનમાં મુશ્કેલી થશે અને મેટાબોલિઝમ (ચયાપચય) ધીમું થશે.
ક્ષ ઘર અને આસપાસનું પરિસર સ્વચ્છ અને સૂકું રાખવું, ક્યાંય પાણી ન ભરાવા દેવું.
ક્ષ વરસાદમાં વધુ પડતું પલાળવાનું ટાળવું, ભીંજાયા પછી તરત જ શરીર લૂછી સૂકાં સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાં. હર્બલ ટી કે રાબ જેવું ગરમ પીણું લેવું.
મોન્સૂનમાં આટલું અચૂક કરવું
ક્ષ ધૂપ: રોજ સવારે-સાંજે ઘર, ઓફિસ કે પરિસરમાં અજમો, ગુગળ, કપૂર, લોબાન, સૂકાં લીમડાનાં પાનનો ધૂપ જરૂર કરવો.
ક્ષ ઘર કે ઓફિસના પ્રવેશદ્વારની આસપાસ મરવા, તુલસીના છોડ ઉગાડવા જે સૂક્ષ્મ રોગકારક જીવાણુઓનો નાશ
કરે છે.
ક્ષ નિત્ય મચ્છરદાનીમાં સૂવું.
ક્ષ સૂવાના સમય પહેલાં બે કલાકે જમી લેવું.
ક્ષ નિત્ય યોગ કે હળવી કસરત અવશ્ય કરવી.
ક્ષ સ્વસ્થ રહેવા માટે કે રોગમુક્ત બનવા માટે પંચકર્મની સ્વેદન(સેક), શરીર પર તેલથી મર્દન અને બસ્તિ ચિકિત્સાનો લાભ જરૂર લેવો. આ શુદ્ધિકરણની પ્રક્રિયાઓ વર્ષાઋતુમાં સાજા લોકો માટે પણ અતિ ઉપયોગી છે.
ચોમાસામાં ભજિયાં ખાવાં કે નહીં?
ચોમાસામાં વરસાદ પડે પછી ભજિયાં ખાઈ શકાય. આ ઋતુમાં ભજિયાંનું સેવન ઉચિત માત્રામાં યોગ્ય છે. ચા સાથે ભજિયાં ન લેવાં. ડુંગળી,અજમાના પાન કે બટેટાના ભજિયા લઈ શકાય. ભજિયાં પેટ ભરીને ઠાંસી ઠાંસીને ન ખાવાં, ભૂખ કરતાં બે કોળિયા ઓછાં ખાવાં.
હાઈ બી.પી., સોર્યાસીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ, ડાયાબિટીસ, ખરજવું, આમવાત કે કોઇપણ રોગ હોય તો નિષ્ણાંત વૈદ્યની સલાહ બાદ જ ભજિયાનું સેવન કરવું.