વોટ્સએપ વુમન કલબ

કેમ છો સખીઓ મજા માં ને!
ગુજરાત મિરરની એક વર્ષની સફર ખૂબ સુંદર રીતે પૂર્ણ થઈ છે. આજે નવા રંગ રૂપ સાથે પહેલી વાર મળી રહ્યા છીએ. વર્ષ દરમિયાન આપ સહુએ પણ આ કોલમમાં સક્રિય રહીને સાથ નિભાવ્યો છે એ જ રીતે નવા વર્ષમાં પણ તમારી જુદી જુદી રચનાઓ,રેસિપી,નવી માહિતી કે પછી તમારી પસંદગી મોકલતા રહેજો. તમારી કૃતિ મોકલવા વોટ્સએપ નંબર તો ખબર જ છે 9662688888.
નવા વર્ષમાં રાજકોટથી માલિની મહેતાએ સુંદર લઘુ વાર્તા લખી મોકલી છે, તે માણીએ. તમે બધા પણ આજ રીતે મોકલતા રહેજો.
રીમા આંખો બંધ કરી કિંમતી બીએમડબલ્યુ કારમાં બેઠી છે. તેના મન:પટલ પર બે દાયકા પહેલાનું દ્રશ્ય નજર સામે ઉપસી આવે છે. દરિયા કિનારે રમતા એ બાળકો જેમાં એક નાનકડી બાળા પોતે રેતીમાં ઘર બનાવે છે અને એ તોફાની છોકરી પગ વડે એ તોડી નાખે છે. એ ટબુકડી માતા પાસે જાય છે અને માતા આશ્ર્વાસન કે સધિયારો આપવાને બદલે પેલી છોકરીઓ નો સામનો કરવાનું કહે છે અને કહે છે જા, ફરી ઘર બનાવ અને એ ઘર કોઈ તોડે નહીં એ માટે તારે જ પ્રયત્ન કરવાનો છે. ત્યાં જ ગાડીનો દરવાજો બંધ થવાના અવાજે રિમાને નિંદ્રામાંથી જગાડી દીધી. પતિ રાજ ડ્રાઇવીંગ સીટ પર બેસતા સ્માઈલ આપે છે અને કાર સ્ટાર્ટ કરે છે.રિમાના ચહેરા પર સંતોષ છે. કારની ગતિ સાથે અનુભવે છે કે વર્ષો પહેલાનું દરિયા કિનારાનું દ્રશ્ય જાણે આજે ફરી ભજવવાઈ ગયું. આજે તેણે તેના ઘરને બચાવી લીધું હતું. સાસુ-સસરા અને અપરણિત નણંદો વચ્ચે રોજ ઝઘડા અને આંસુની જિંદગી વચ્ચે તેણે આજે રાજને અલગ રહેવા માટે મનાવી લીધો હતો. આંખમાં આંસુના બે બુંદ વચ્ચે તેણે રાજનો આછો પણ સંતોષપૂર્ણ ચહેરો જોયો અને ફરી આંખો મીચી લીધી અને કારમાં વિવિધભારતી પરથી ગીત ગુંજી ઉઠ્યું..યે તેરા ઘર યે મેરા ઘર, યે ઘર બહુત હસીન હૈ..