હે પ્રભુ! એક ટૂકડો સ્મિત દૈ દે આહ, આંસુ, ગમ, વ્યથા બધું તારું

એણે ‘નકાબ’
કેટલું રડવું પડયું હશે,
હંમેશ માટે જે હવે
હસતો થઈ ગયો
-સતીશ ‘નકાબ’
સુખ અને દુ:ખ નામના બે કિનારા વચ્ચે વહેતો પ્રવાહ એટલે જીવન. જેમાં આહની આંધી, સુખના સરવડા કે વ્યથાનો તાપ જીરવવો પડે, કયારેક ગમના ગુણાકાર ભૂલના ભાગાકાર અને સુખના સરવાળા કરતા રહેવું પડે છે.
જરૂરી નથી કે હંમેશા દુ:ખ જ મળે! રાત ગમે તેટલી અંધારી કે લાંબી હોય, સવાર તો પડવાની જ છે. તેમ દુ:ખ ગમે તેટલું ભારે હોય કયારેક તો તેની માત્રા હળવી થવાની જ છે, હા રાહ જોવી પડે! કદાચ એટલે જ કહેવત પડી હશે કે, દુ:ખનું ઓસડ દા’ડા...
સાલોપોલો માનવી જરાક જેટલા દુ:ખથી ડગી જઈ ઘેર ઘેર જઈ પોતે કેવો દુ:ખી થઈ ગયો? તે ગાઈ વગાડી સહાનુભૂતિની ભિખ માંગતો ફરતો હોય છે. જયારે હિંમતવાન એવું કરવાને બદલે અડગ નિર્ધાર કરી તેનો સામનો કરવા કમર કસે છે.
દુ:ખની દાસ્તાન સંભળાવવાથી કોઈ આપણું દુ:ખ લઈ લેવાનું નથી તો પછી કરવું શું? હા ઠંડી લાગતી હોય તો તેની વિરોધી ગરમી તેમ તડકે ઊભારહેવાથી કેવી હૂંફ મળે છે? તમે દુ:ખના આંસુ સામે ખુશીને જો મેદાનમાં ઉતારવામાં આવે તો?એટલે જ દુ:ખથી ટેવાઈ જઈ માણસ હસતો થઈ જાય છે.
અને જે કાયમ હસતા કે સૌને હસાવતા હોય તે બેશક સુખી જ હશે, તેવું રખે માની લેતા! કદાચ કાયમ રડી રડી થાકી હારી તે હસતો થઈ ગયો હોય તો નવાઈ નહિ!
લેવો પડયો ખુશીના પ્રસંગોનો આશરો
કંઈ વેદનાઓ એટલી કાતિલ બની ગઈ
-સાકિન કેશવાણી
સાકિન કેશવાણી પણ તેમના આ શેરમાં વેદનાની અસર ઓછી કરવા ખુશીને મેદાનમાં ઉતારી રહ્યા છે. કાયમ દુ:ખ દર્દ અને વેદના વચ્ચે ઘેરાયેલો માનવી જો તેમાને તેમા પડયો રહે તો વધારે દુ:ખી થવાનો છે, એટલે જ તે એ બધું ભૂલવા પોતે કયારેક અનુભવેલી જોયેલી ખુશીને યાદ કરતો રહી દુ:ખની માત્રા હળવી કરવા મથતો હોય છે.
ત્યારે તેની વેદના કેટલી કાતિલ બની ગઈ હશે તે વિચાર માત્ર કંપારીજનક બની રહે છે.
ગમ, નિરાશા, દર્દ, બેચેની, વ્યથાને અશ્રુઓ,
જીવવા માટે જુઓ કેવો
સરસ સામાન છે!
-શેખાદમ આબુવાલા
જીવનમાં ભર્યું ભર્યું રહેવાની સૌની ઈચ્છા હોય છે, સારી પત્ની, સરસ નોકરી, મજાનું ઘર, ફૂલ જેવા બાળકો અને ઘરમાં અત્યાધુનિક પ્રકારનું રાચરચિલું હોય એટલે ભયો ભયો ખરુંને? ભલે બધાની આવી ઈચ્છા જરૂર હોય છતા ંસૌને તેની કલ્પના પ્રમાણે બધું મળતું નથી, એ પણ એક
હકિકત છે.
જો કે કેટલાક લોકોના નસીબ બે ડગલા આગળ હોય છે, તેથી આહ, આંસુ, ગમ, વ્યથા એ બધું કાયમનું બની જાય છે, અને તેજ તેની જીવનની એક મૂડી હોય તેમ તેને લાગવા માંડે છે, અહીં કવિ જીવનની વરવી વાસ્તવિકતાનો પડઘો પાડવામાં સફળ રહ્યા છે. આસ્વાદ બાલેન્દુ શેખર જાની