પોરબંદર ભાજપના નેતાના પુત્રે બોર્ડમાં ચોરી કરી હતી

બ્લૂ ટૂથથી ચોરી કરતા ચાર છાત્રો સામે ગુનો
પોરબંદર,તા.25
રાણાવાવના ભાજપ અગ્રણીના પુત્ર સહિત 4 શખ્સો સામે બોર્ડની પરિક્ષામાં ગેરરીતિ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર રાણાવાવના ભાજપ અગ્રણી બાબુલાલ ચૌહાણના પુત્ર નિકુંજ ઉપરાંત ગોગન દેવાભાઈ ગરેજા અને જયેશ સામત ખુંટીએ પોરબંદરની શ્રી સરસ્વતી સાયન્સ સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરિક્ષા માર્ચ 2018 માં આપી હતી. અને પરિક્ષા દરમિયાન નિકુંજ ચૌહાણે બ્લુ ટુથ કાઢીને તેનો ઉપયોગ કર્યો હોવાનું સીસી ટીવી ફૂટેજમાં ખૂલ્યું હતું. તે ઉપરાંત અન્ય બે આરોપીઓ ગોગન અને જયેશે મોબાઈલનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. તેથી સ્કૂલના સંચાલક ચિંતન નવલભાઈ મહેતાએ આ ત્રણેય શખ્સો સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગનો ત્રાસદાયક કૃત્યનો ગુન્હો નોંધાવ્યો છે. તે ઉપરાંત વિજયભાઈ અનંતભાઈ મહેતા નામના રાજીવનગરમાં રહેતા શિક્ષકે પણ સરસ્વતી સાયન્સ સ્કૂલમાં ધોરણ 10 ની પરિક્ષા આપવા આવેલા અને રાણાકંડોરણાની એમ.એમ.કે. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ભાવેશ લાખાભાઈ સીસોદીયા સામે એ જ પ્રકારનો ગુન્હો નોંધાવ્યો છે. જેમાં એવું બહાર આવ્યું હતું કે પરિક્ષા આપવા આવેલ ભાવેશ મોબાઈલથી ફોટા પાડતો હતો. આ ચારેચાર વિદ્યાર્થીઓ સીસી ટીવી ફૂટેજમાં પરિક્ષા દરમિયાન ગેરરીતિ કરતા હોવાનું બોર્ડના ધ્યાને આવતા ગાંધીનગર હીયરીંગ માટે તેઓને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ શિક્ષકોને અને શાળા સંચાલકોને એવી સુચના આપવામાં આવી હતી કે ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેથી આ પ્રકારના ગુન્હા નોંધવામાં આવ્યા છે. પોલીસે ચારેચાર વિદ્યાર્થીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે. રાણાવાવના ભાજપ અગ્રણી બાબુલાલ ચૌહાણના પુત્ર સહિત 4 શખ્સો સામે આવી ગેરરીતિની ફરિયાદ થતા રાજકીય વર્તુળોમાં તેમજ રાણાવાવમાં પણ જુદી-જુદી ચર્ચાઓ જાગી છે.