પેરા મેડિકલમાં સોમવારથી પ્રવેશપ્રક્રિયા

ફિઝિયોથેરાપી, ઓર્થોટિક્સ, બી.એસસી. નર્સિંગ, ઓપ્ટોમેટ્રી, ઓડિયોલોજી સહિત 8 બ્રાન્ચ જેએનએમ અને એએનએમમાં ધો.12 કોમર્સ પાસ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ: ફિઝિયોથેરાપી અને નર્સિંગની બેઠકો વધવા શક્યતા
રાજકોટ,તા.29
પેરામેડિકલ કોર્સીસમાં 2 જુલાઈથી પ્રવેશ શરૂ થવા જઇ રહી છે. આ વર્ષે સરકારે જનરલ નર્સિંગને પણ પેરામેડિકલ પ્રક્રિયામાં સમાવેશ કરતા અલગથી પ્રક્રિયા નહી થાય કુલ 8 કોર્સમાં પ્રક્રિયા માટે અલગ કમિટી બનાવાઈ છે.
ધો.12 સાયન્સના પરિણામ આધારિત પેરામેડિકલના 8 જેટલા કોર્સીસમાં પ્રવેશ માટે 2જી જુલાઈથ પ્રવેશ પ્રક્રિયા શરૃ કરાશે. 2જી જુલાઈથી પિનવિતરણ સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થશે.આ વર્ષે સરકારે પેરામેડિકલના કોર્સની પ્રવેશ પ્રક્રિયામાં જનરલ નર્સિંગનો પણ સમાવેશ કરી દીધો છે જેથી જનરલ નર્સિંગ માટે અલગથી પ્રવેશ પ્રક્રિયા નહી કરાય.સરકારે આ માટે એક અલગથી પ્રવેશ સમિતિ પણ આ વર્ષે રચી છે. મેડિકલ,ડેન્ટલ અને આયુર્વેદિક સહિતની પાંચ બ્રાંચ માટે નીટ ફરજીયાત થયા બાદ પેરામેડિકલની અન્ય પાંચ બ્રાંચમાં ધો.12 સાયન્સના પરિણામ આધારિત પ્રવેશ આપવામા આવે છે.જેમાં ફીઝિયોથેરાપી,ઓર્થોટિક્સ, બીએસસી નર્સિંગ, ઓપ્ટોમેટ્રી ,ઓડિયોલોજીનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ પાંચ કોર્સ માટે અલગ પ્રવેશ પ્રક્રિયા અને જનરલ નર્સિંગ એન્ડ મીડવાઈફરી(જએનએમ) તથા ઓક્ઝિલરી નર્સીસ એન્ડ મીડવાઈવ્સ (એએનએમ-ડિપ્લોમા )માટે અલગ પ્રવેશ પ્રક્રિયા કરવામા આવતી હતી. પરંતુ આ વર્ષે સરકારે પેરામેડિકલની અન્ય બ્રાંચ સાથે જેએનએમ અને એએનએમને પણ જોડી દીધી છે. જેએનએમ અને એએનએમમાં ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ ઉપરાંત ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ અપાય છે. આ વર્ષે સરકારે ફિઝિયોથેરાપી,બીએસસી નર્સિંગ, ઓપ્ટોમેટ્રી, ઓડિયોલોજી, ઓર્થોટિક્સ, ઓક્યુપેશનલ થેરાપી, જેએનએમ અને એએનએમ સહિતના કુલ 8 કોર્સીસમાં પ્રવેશ માટે એક અલગથી પ્રવેશ સમિતિ બનાવી છે.આ પ્રવેશ સમિતિ દ્વારા આ કોર્સીસમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે મુજબ 2જી જુલાઈથી પિનવિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થશે. જેમાં 10 જુલાઈ સુધી પિનવિતરણ અને 11 જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલશે. જ્યારે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની મુદ્દત 13 જુલાઈ સુધીની છે.આ કોર્સમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન ફોર્મ-પિનની કિંમત 200 રૃપિયા છે અને જે નક્કી કરાયેલી બેંકની બ્રાંચોમાંથી મળશે. 17 હજારથી વધુ બેઠકો
પેરામેડિકલમાં કુલ 8 કોર્સીસ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રવેશના નિયમો જાહેર કરવા સાથે પ્રવેશ પ્રક્રિયા જાહેર કરાઈ છે.પરંતુ આ 8 કોર્સમાંથી ઓક્યુપેશનલ થેરાપી કોર્સ હાલ ચાલતો નથી.આ ડિગ્રી કોર્સની એકમાત્ર ખાનગી કોલેજ રાજ્યમાં હતી જે પણ ચાર વર્ષ પહેલા બંધ થઈ ગઈ છે જેથી આ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા થતી નથી પરંતુ છતાં પ્રવેશ પ્રક્રિયામાં આ કોર્સને સામેલ કરાય છે.જ્યારે બાકીના 7 કોર્સીસમાં 17 હજારથી વધુ બેઠકો છે.જેમાં બીએસસી નર્સિંગની 3800, ફિઝિયોથેરાપીની 4300, ઓપ્ટોમેટ્રીની 215, ઓર્થોટિક્સ-પ્રોસ્થોટિકની 10, ઓડિયોલોજીની 25, જેએનએમની 3000 અને એએનએમની 5600 બેઠકો છે.આ વર્ષે ફિઝિયોથેરાપી અને નર્સિંગની નવી કોલેજો આવે તેવી શક્યતા છે જેથી બેઠકો વધશે.