NITમાં પ્રવેશ માટે બોર્ડ પરિક્ષાનું કટ ઓફ પણ અધધધ... 342 માર્ક

ઓબીસી માટે 321, એસસી માટે 308, એસટી માટે 284, દિવ્યાંગ માટે 284 કટઓફ
રાજકોટ તા.29
માત્ર જેઇઇ પર જ ધ્યાન આપવું અને ગુજરાત બોર્ડની પરિક્ષાના પરિણામની ચિંતા ન કરવી એ સલાહ હવે ભૂલ ભરેલી ઠરે તેમ છે કે કેમ દેશની 31 એનઆઇટીઓમાં પ્રવેશ ફાળવતી જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી-2018(જોસા)એ દેશના વિવિધ બોર્ડના ટોપ-20 પર્સેન્ટાઇલ કટ ઓફ માર્ક્સ જાહેર કર્યા છે. જેમાં ગુજરાત બોર્ડમાં ધોરણ-12 સાયન્સમાં 342થી ઓછા માર્ક્સ ધરાવતા ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને દેશની એકેય એનઆઇટી (નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી)માં પ્રવેશ મળશે નહીં. એડમિશન કમિટીએ ઓપન કેટેગરી માટે 342, ઓબીસી માટે 321, એસસી માટે 308 કટ ઓફ માર્ક્સ જાહેર કરતા ગુજરાત બોર્ડના અનેક વિદ્યાર્થીઓની હાલત કફોડી થશે.
દેશની એનઆઇટીમાં જેઇઇ મેઇનના પરિણામની સાથે જ જે તે બોર્ડના ટોપ-20 પર્સેન્ટાઇલ કટ ઓફની પણ ગણતરી કરાઇ છે. જોકે, કેટલાક પ્રોફેશનલ કોચિંગ ક્લાસિસ અને ખાનગી શાળાઓ બોર્ડના પરિણામ સંદર્ભે અનદેખી કરવાની સાથે જ વિદ્યાર્થીઓને માત્ર જેઇઇની તૈયારી પર જ ભાર મૂકવાની વિચિત્ર સલાહ આપે છે, પરંતુ હાલમાં એડમિશન કમિટી જોસાએ જાહેર કરેલા ટોપ-20 કટ ઓફ માર્ક્સને જોતાં વિદ્યાર્થીઓને અપાતી આવી સલાહ ભારે પડી શકે એમ છે.
જેમાં ચાલુ વર્ષે એનઆઇટીમાં પ્રવેશ મેળવવા માટે જેઇઇ મેઇનની સાથે જ ગુજરાત બોર્ડના ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડ પરિક્ષામાં 500માંથી 342 માર્ક્સ આવ્યા હશે તો જ પ્રવેશ માટે ક્વોલિફાઇ થઇ શકશે. બીજીબાજુએ ઓબીસી માટે 321, એસસી માટે 308, એસટી માટે 284 અને ફિઝિકલ હેન્ડીકેપ્ટ માટે 284 માર્ક્સનું કટ ઓફ જાહેર કરાયું છે. ગત વર્ષ કરતા કટ ઓફ નીચું ગયું
એડમિશન કમિટી જોસાએ દેશના 29 બોર્ડના છેલ્લા ત્રણ વર્ષના ટોપ-20 પર્સેન્ટાઇલ કટઓફ માર્ક્સ જાહેર કર્યા છે. તેમાં ગુજરાત બોર્ડમાં જનરલ કેટેગરીમાં 2016માં 364, 2017માં 367 સામે ચાલુ વર્ષે 342 માર્ક્સ જ હોય કટ ઓફ નીચું ગયું છે. આ સિવાય ઓબીસીમાં 2016માં 341, 2017માં 344 સામે ચાલુ વર્ષે 321 માર્ક્સનું કટ ઓફ જાહેર કરાયું છે. બીજીબાજુએ સીબીએસઇ બોર્ડમાં આ વર્ષે જનરલ કેટેગરીમાં 432 માર્ક્સ, ઓબીસીમાં 423, એસસીમાં 405 અને એસટીમાં 388 માર્ક્સનું કટ ઓફ જાહેર કરાયું છે.
ટોપ-20 પર્સેન્ટાઇલ કટ ઓફનો આ નિયમ શું છે?
દેશની એનઆઇટી, આઇઆઇટીમાં પ્રવેશ માટે જેઇઇ પર સઘળો દારોમદાર રાખવામાં આવે છે. તે સાથે જ જો વિદ્યાર્થીએ જે તે બોર્ડમાંથી ટોપ-20 પર્સેન્ટાઇલ માર્ક્સ મેળવ્યા હોય તો જ એનઆઇટી, આઇઆઇટીમાં પ્રવેશ માટે ક્વોલિફાઇ થાય છે એ પણ એક નિયમ
છે. જો વિદ્યાર્થી જેઇઇ મેઇન કે એડવાન્સમાં સારો સ્કોર કરે પણ
પોતાની બોર્ડ પરીક્ષામાં ટોપ-20 પર્સેન્ટાઇલ માર્ક્સ ન હોય તો તે પ્રવેશ માટે ક્વોલિફાઇ થતો નથી. જોકે, એન્ટ્રન્સ ટેસ્ટની લાયમાં અને કોચિંગ ક્લાસ દ્ધારા ઊંધા રવાડે ચઢાવાતા વિદ્યાર્થી, વાલીઓ આ નિયમથી અજાણ છે. જેને કારણે ચાલુ વર્ષે પણ બોર્ડ પરિણામ મુદ્દે આંખ આડા કાન કરનારા અનેક વિદ્યાર્થીઓ અટવાશે.