જો મારી પ્રિય વ્યક્તિનો આજે છેલ્લો દિવસ હોય તો ?

શનિવારની સાંજ હતી. બધાં જ મિત્રો ચા પીવા ભેગા થયેલા. આવતી કાલે ‘ફાધર્સ ડે’ હતો. સૌ પોતાના પિતાની વિચિત્ર આદતોની ચર્ચા કરતાં હતા. આમ તો એવું કહેવાય કે એક પિતા અને પુત્ર સૌથી સારા મિત્ર બની શકે. પણ ચર્ચા સાંભળતા એવું લાગે જાણે દરેકના ઘરમાં હિટલરની આત્માનો વાસ હોય.
"બેય યાર શું કહું. ખાલી શનિ-રવિ મોડો ઉઠું, એમાં તો બાપા કેટલું સંભળાવે છે. જાણે એક કલ્લાક મોડા ઉઠવાથી મારું કેરિયર પતિ જવાનું છે, રમેશે વાત ચાલું કરી.
"અરે તું શું મોડા ઉઠવાની વાત કરે છે. મને તો રોજ ડોસો દોડવા લઇ જાય છે. નાનો હતો ત્યારે વાત જુદી હતી. પણ એ સમજતો જ નથી કે હવે 20 વર્ષનો થયો. કઈંક તો લિમિટ હોય ને! સમીર ફરિયાદ કરતો બોલ્યો. "મારી સાથે તો નવી રામાયણ ચાલુ કરી છે. કે તું ઓફિસ આવ તો જ નવો ફોન મળશે. મેં તો કહી દીધું કે ના આપવો હોય તો ના અપાવો, હું કોઈક સેટિંગ કરી લઈશ. આ શું રોજ રોજ ભાષણબાજી ચાલુ કરી દે છે. દેવાંગ ગુસ્સાથી લાલ થઇ ગયો!
"મારા બાપા તો હિટલર છે. સોટી લઇને પાછળ પડ્યા હોય છે. ક્યારેક માર્કસ માટે તો ક્યારેક વોટસેપ માટે. કંટાળી ગયો છું! બોલતા બોલતા સમીરે નિશ્વાસ ખાધો.
"મારા પપ્પા તો નાનપણથી જ હિટલર માફક વર્તે છે. હું સ્કૂલ જતો ત્યારથી! અલા કારેલા ખવડાવે... સોટી સાથે બેસે જમવાના ટેબલ પર. મેં તો નક્કી જ કર્યું છે, પૈસા આવશે એટલે અલગ ઘર વસાવી લઈશ. સુખેથી જીવીશ અને હિટલરથી બચીશ! નરેને પોતાની વેદના ઠાલવી.
"અને આ લોકો જો, ફાધર્સ ડેના નામે ધંધો કરે છે. શું ફાધર્સ ડે. હિટલર દિવસ અથવા તો કચકચ દિવસ હોવો જોઈતો હતો! રમેશે સુર પુરાવ્યો!
અર્જુન આ બધી જ વાત સાંભળી રહ્યો હતો. કશું જ બોલ્યો નહિ. થોડી વાર રહીને જયારે બાકીના બધાંજ મિત્રની કડવાશની પોટલી ખાલી થઇ એટલે અર્જુન બોલ્યો, "મારી તો એક જ ફરિયાદ છે મારા પિતાથી. જતાં પહેલા થોડું વધારે લડી લીધું હોત તો? એક વાર મને થોડો ખખડાવીને ગયા હોત તો? હું કેમનો મમ્મીનું ધ્યાન રાખીશ? કેમનો ઘર ચલાવીશ એકલો? હજું તો મારે કેટલું શીખવાનું બાકી છે. હજું તો મારે કેટલી દલીલ કરવાની છે તમારી સાથે. તમે ગુસ્સો કરતાં ત્યારે ચીડ ચડતી, એમ થતું કે ઘર છોડી ભાગી જાઉં! પણ આ તો તમે ચાલ્યા ગયા... ફરિયાદ એક જ છે પપ્પા, કે મારે તમારા ખોળામાં માથું મૂકી લાડ લડાવતા હતા; તમારે મારે ખોળે શ્વાસ નતો છોડવાનો! અર્જુનનો ડૂસકો ભરાઈ ગયો.
અર્જુનને આમ જોઈ રમેશ, સમીર અને નરેનની આંખ ભીંજાઈ ગઈ. એક પળ માટે પિતા વગરની જિંદગી વિચારી કંપારી આવી ગઈ. માતા-પિતાનું જીવનમાં સ્થાન આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ. અને કદાચ એટલે જ ફાધર્સ ડે ને મધર્સ ડે ઉજવવા પડે છે.
કોઈ માણસ દુનિયા છોડે પછી જ એની ઉણપ મનને સ્પર્શે છે.
એ જાય પછી કેટલાયે પ્રશ્ર્નો થાય: કાશ એની સાથે એક પળ વધુ રહી લીધું હોત... કાશ એને વધારે મળી લીધું હોત... કાશ એને કહી દીધું હોત કે કેટલો પ્રેમ કરું છું એને... કાશ એના માટે થોડો સમય ફાળવ્યો હોત!
પણ પછી એ કાશનો શું અર્થ? પછી એ પ્રશ્ર્ન, એ ખેદનો શું મતલબ? માણસ જયારે છે ત્યારે એની કદર ના કરી અને પછી એના નામના મોટા દાન આપવાનો કાંઈ અર્થ ખરો?
આપણી નિકટની દરેક વ્યક્તિ આપણને અઢળક પ્રેમ કરે છે. કદાચ એની અભિવ્યક્તિ ભિન્ન હોઈ શકે.
દરેક આપણી જેમ જ પ્રેમની અભિવ્યક્તિ કરે એવું જરૂરી તો નથી ને! બધાની પ્રેમ દર્શવવાની રીત અલગ હોઈ શકે. તો મને મારી જેમ પ્રેમ કરે એ જ સાચો?
શું મારાથી ભિન્ન કોઈની અભિવ્યક્તિ હોઈ જ ના શકે? શું દરેકની પ્રેમની પારીભાષા મારા જેવી જ હોવી જોઈએ? તો જ મને એના માટે પ્રેમ રહે?
દરેક વ્યક્તિ અલગ છે. દરેકની પ્રેમ કરવાની રીત અલગ છે. દરેકની પ્રેમની પરિભાષા અલગ છે. આપણે એ દરેક પરિભાષા જાણવી જરૂરી નથી, માત્ર સ્વીકારવી જરૂરી છે.
કેટલીયે વાર એમ સાંભળ્યું હશે કે જીવન એમ જીવો કે જાણે આજે છેલ્લો દિવસ છે. પણ ખરેખર તો જીવન એવી અભિવ્યક્તિ સાથે જીવવું જોઈએ કે જાણે આજે મારી પ્રિય વ્યક્તિનો છેલ્લો દિવસ છે. તો ના ગુસ્સો રહેશે, ના ફરિયાદ. ત્યારે માત્ર પ્રેમ છલકાશે અને પ્રેમ અનુભવાશે! કોઈને તેમના અવગુણ માટે માફ કરવાના નથી, માત્ર તેમના પ્રેમ
માટે પ્રેમ કરવાનો છે! અંતરનો સંવાદ - સૃષ્ટિ શાહ -