કેળવીએ કસબ કુનેહથી કાર્ય કરવાનો !

દિવસ દરમિયાન આપણે ઘણી બધી પ્રવૃતિ અને કાર્ય કરતા હોઇએ છીએ. અમુક પ્રવૃતિ કે કાર્ય આપણને પૂર્ણ કરવામાં ઓછો સમય લાગે છે તો અમુકમાં ઘણો બધો સમય આપણે આપવો પડતો હોય છે. પ્રવૃતિ કે કાર્ય પૂર્ણ કરવા માટે ! કયારેક હાથ પર લીધેલું કાર્ય ફટાફટ પુરૂ થઇ જતું હોય છે તો વળી કયારેક કાર્ય પૂર્ણ કરવામાં આપણે ઘણોબધો સમય લેતા હોઇએ છીએ ! અમુક કામ કરવામાં આપણને કંટાળાનો ભાવ જન્મે એવું પણ બને તો ચોક્કસ એવા પણ કાર્યો હોય છે કે જે હાથ પર લેવામાં, કરવામાં આપણને ખુબ મઝા આવે છે ! દિવસ દરમિયાન જેટલા પણ કાર્યો પુરા કરવાનું આપણે નક્કી કર્યુ હોય અને તેટલા કાર્યો જો આપણે સરસ રીતે સમય મર્યાદામાં પૂર્ણ કરી લઇએ તો ખુબ પરમ સંતોષની લાગણી આપણે અનુભવતા હોઇએ છીએ. તેનાથી વિપરીત જો આ કાર્યો પૈકી અમુક પૂર્ણ કરવાના બાકી રહી જાય તો આપણને ઘણી વખત ગુસ્સા, ખિન્નતા કે હતાશાની લાગણી પણ થતી હોય છે મહેસુસ.    આવું શા માટે થાય છે કે થયું છે તે સવાલનો જવાબ મેળવવા માટે આપણે તીવ્રતાથી કોશિશ કરીએ તો ઘણા બધા મહત્વના મુદ્દા કે બાબતોનો આપણને પરીચય મળતો હોય છે કે જે આગળ પર આપણને આવતો હોય છે ખુબજ ઉપયોગમાં ! હાથ પર કામ લઇએ અને ન માત્ર સમયસર પણ એ પૂર્વે એ જો આપણે પૂર્ણ કરી શકીએ તો સોનામાં સુગંધ ભળે ! કરીએ પ્રયત્ન આ વાતને ખુબ સરસ રીતે સમજવાનો અને એ માટે ઉપયોગી પ્રયુકિતઓ વિશે માહિતગાર થવાનો પણ !
જે પણ કાર્ય આપણે હાથ પર લઇએ એ કરવામાં આપણને ખુબ રસ હોય તો એ કામ વધુ સારી રીતે, ગુણવત્તાથી અને ઝડપથી પુરુ કરી શકવામાં આપણને સુગમતા પણ રહે અને સફળતા પણ મળે. કાર્ય કરવાની આવડત, કુનેહ અને ક્ષમતા પણ આપણી પાસે હોવા જરૂરી છે. કાર્યના અમુક તબક્કા પણ હોય છે તો એ દરેક પર પુરતું ધ્યાન આપીને તેને પૂર્ણ કરવાની જરૂરત હોય છે. એકબીજા પર અવલંબિત કાર્ય પણ શ્રેણીબધ્ધ અને ક્રમબધ્ધ પૂર્ણ કરીએ તો સરવાળે બધુ જ સરસ રીતે પૂર્ણ કરવામાં આપણને સફળતા મળે જે પણ સાધનોની જે તે કામ પૂરુ કરવા જરૂર પડે એ પણ હાથવગા હોવા જરૂરી !
દરેક દિવસે આપણે જે કામ કરતા હોઇએ તે રસપૂર્વક અને નિષ્ઠાથી કરવાની શરૂઆત કરીએ તો એ કામ કરવાની આપણી ઝડપ વધતી જાય અને ગુણવત્તા પણ ખુબ સારા પ્રમાણમાં, ઉચ્ચસ્તરની પ્રાપ્ત કરી શકાતી હોય છે. કામ કરવાની રુચિ તેમજ રસ ખુબ મહત્વના છે. ત્યારબાદ કામ કરવાની આવડત, કૌશલ્ય, જ્ઞાન એ બધુ પણ અતિશય અગત્યની બાબતો છે.
મારા એક મિત્રના બહેન કે જેનું નામ છે સંધ્યા તેની જો વાત કરીએ તો સંસ્થાને શરૂઆતમાં રોટલી બનાવવી જરાય ગમતી નહીં. અચાનક રોટલી બનાવવાની ક્રિયા પ્રક્રિયા કે જે તમને આધ્યાત્મિક રીતે પણ ઉન્નત મુકામ પર લઇ જઇ શકે છે એવું તેણે કયાંક વાંચ્યું અને તે દિવસથી તેનો રોટલી બનાવવા તરફનો અભિગમ અને દ્રષ્ટીકોણ સાવ બદલાય જ ગયા ! સંધ્યાને રોટલી બનાવવાનું કામ ખુબ ગમવા લાગ્યું. રોટલી બનાવવાનું કાર્ય લોટ બાંધવાથી શરૂ કરીને છેલ્લે રોટલી પર ઘી ચોપડવા સુધીના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. આ બધા માટે બધી જ સામગ્રી યોગ્ય રીતે ગોઠવીને સંધ્યા રોટલી વણવાનું શરૂ કરીને થોડી જ વારમાં તો રોટલીની મોટી થપ્પી તૈયાર ! પછી તો સંધ્યાએ એકસાથે બે સ્ટવ પર તાલબધ્ધ રીતે રોટલી પકાવવાની પ્રક્રિયા પર પણ પ્રાપ્ત કરી લીધું પ્રભુત્વ ! હવે થાય છે એવું કે માત્ર પંદર મિનિટમાં સંધ્યા જરૂર પડયે બમણી સંખ્યામાં રોટલી પકાવવામાં માહિર છે.
અચાનક વધારે રોટલી બનાવવાની જરૂરત પડે તો બધા સંધ્યાને યાદ કરે ! કેમકે તેણે એ બાબતને એટલે કે રોટલી તૈયાર કરવાની ક્રિયાને પ્રાર્થના કે ધ્યાનની કક્ષા સુધી લઇ જવામાં પ્રાપ્ત કરી છે દક્ષતા ! અન્ય ઘણી બહેનોને અને ભાઇઓને પણ ખુબ રસપૂર્વક સંધ્યા શીખવતી હોય છે રોટલી બનાવવાની કલા ! ભાવ સાથે બનતી રોટલી ત્યારબાદ એ જમનારનો ભાવસૃષ્ટિને પણ કરતી હોય છે હકારાત્મક અસર કે જેને કારણે પછી વ્યકિત અનુભવતી હોય, સંવેદતી હોય છે શાતા અને સુખ સહજતા, સરળતાથી તેના સ્વભાવમાં થતા મસ્ત બદલાવથી આકાર લીધા કરે છે પ્રસન્નતા !
ઘણી વખત કોઇ કામને ઝડપથી પુરૂ કરવાની આપણને જરૂરત ઉપસ્થિત થાય ત્યારે આપણે ઉતાવળ કરતા હોઇએ છીએ. આમ કરવાથી કયારેક જે તે કામ પુરુ કરી શકીએ એવું બને પણ ઘણી વખત કામ સારી રીતે પુરૂ નથી થતું અથવા તો કામ બગડતું પણ હોય છે ને પછી પાછો વધારાનો સમય તેને ફરી વખત કરવા માટે આપવો પડતો હોય છે. કામમાં બીનજરૂરી ઝડપ કરવાનો નથી હોતો કોઇ અર્થ, ઉતાવળે આંબા પાકતા નથી હોતા !
ખુબ ઝડપથી અમુક પ્રક્રિયાઓ કરી શકાતી નથી. તેને પુરી થવા દેવા માટે અમુક સમય આપવો જ પડે છે. દુધમાં મેળવણ નાખીએ એટલે તરત જ દહીં બની જતું નથી ! દુધમાંથી ઘી મેળવવું હોય તો અનેક પ્રક્રિયા અને અમુક સમય પછી જ એમ કરી શકાતું હોય છે ! બિનજરૂરી ઝડપથી કામ તો બગડે પણ આપણે પણ માનસિક તાણ અનુભવીએ, ચિંતા થાય અને પછી રસ ગુમાવતા કામ કરવાનો આનંદ પણ થઇ જતો હોય છે ગાયબ ! થોડા એવા મુદ્દાઓ છે કે જેને લક્ષમાં રાખીને અપાવી ધપીએ તો પ્રસન્નતાથી કાર્ય પૂર્ણ કરવામાં આપણને મળતી હોય છે સફળતા !
કોઇપણ કાર્ય શા માટે કરવાનું છે, કઇ રીતે કરવાનું છે અને એ કરવા જરૂરી સંસાધનો, આવડત, જ્ઞાન, કુનેહ, કૌશલ્ય આપણી પાસે કેટલી પુરતી માત્રામાં છે તેનો બરાબર અગાઉથી જ જો વિચાર કરી લઇએ અને સમયસર કામ શરૂ કરી દઇએ તો તેને સારી રીતે, આનંદથી, ગુણવત્તાથી અને જે તે હેતુ માટે કર્યુ હોય તેને અનુરૂપ પૂર્ણ કરી શકવામાં સફળતા મળતી હોય છે. ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ સાથે થતું કામ વધુ ફળદાયી પરીણામો લાવવામાં થાય સફળ ! વધુ સરસ કાર્ય ત્યારબાદ બને આપણા માટે સુગમ !
કોઇપણ કામ વધુ સરસ રીતે તેમજ ઝડપથી, વધુ ફળદાયી નીવડે એ રીતે તેમજ ચિંતામુકત રીતે વધુ પ્રમાણમાં કરવામાં મદદ મળે એ રીતે અનન્ય રીતે કેમ કરી શકાય તેની રસપ્રદ છણાવટ કરતું ડેવિડે એલનનું "ગેટીંગ થીંગ્ઝ ડન પુસ્તક તમે વાંચજો ! તમારી સમક્ષ મેં મુકયા એ બધા વિચારો તેના અર્ક પર આધારીત ! અટકીએ ! હવે ! જે પણ કાર્ય આપણે હાથ પર લઇએ એ કરવામાં આપણને ખુબ રસ
હોય તો એ કામ વધુ સારી રીતે, ગુણવત્તાથી અને ઝડપથી પુરુ
કરી શકવામાં આપણને સુગમતા
પણ રહે અને સફળતા પણ મળે બુક ટોક । સલીમ સોમાણી