રમતા રમતા લડી પડે ભૈ માણસ છે !

ટોળે વળે છે કોઇની દીવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
- મરીઝ
માનવ સ્વભાવની વાત કરીએ તો જરૂર કહી શકાય કે ‘તુંડે તુંડે મતિભિન્ના’ સૌનો અલગ અભિપ્રાય સૌને પોતાની વાત સાચી લાગે છે. એટલું જ નહીં એ બીજા લોકો પણ સ્વીકારે તેવો દુરાગ્રહ સેવે છે. જગતના મોટાભાગના ઝઘડા તેમાંથી જ આકાર પામતા રહે છે. માનવ સ્વભાવ વિચિત્ર ગણાય છે. સાચા અને ખોટા વચ્ચેનો ભેદ જો પારખી શકાય તો જગતમાં સર્વત્ર શાંતિ છવાયેલી હોત. માનવીના આવા સ્વભાવગત લક્ષણની વાત કરતા મરીઝ આ શે’રમાં કહે છે કે માણસ કામ જરૂર કરે છે પરંતુ ટાઇમ મેનેજમેન્ટના અભાવે બધુ બેચરાઇ જાય છે. કહેવાય છે કે તમાશાને તેડું નથી હોતું. આપણે કોઇ ભારે વજનવાળો કબાટ ખસેડવો હોય તો આસપાસ રહેનારા કે સંબંધીને બોલાવવા જવા પડશે.
પરંતુ ગલીમાં કોઇ દારૂ પી જાય અને રાજાપાઠમાં આવી જાય અથવા બે વાહન અથડાય કે બે વ્યકિત ઝઘડતી હોય તો એક જ મિનિટમાં ત્યાં માણસોનું ટોળું ભેગું થઇ જશે. નવાઇની વાત તો એ હોય છે કે લડાઇ કરનાર, દારૂ પીનાર કે વાહન ચલાવનારને કોઇ ઓળખતું પણ ન હોય ! છતાં માણસો ત્યાં ટોળે વળી સ્વયં શિસ્ત જાળવતા ચુપચાપ ઉભા રહી જતા હોય છે ! શું થયું ? તે જાણવાની જિજ્ઞાસા અને હવે શું થશે? તે જોવાના કૌતુહલ પાછળ પોતાને મોડું થાય છે. બસ ઉપડી જશે કે ટ્રેન મીસ થઇ જશે તે વાત પણ ભુલાઇ જાય છે ! પરંતુ જો શેરીમાં કંઇ સારુ કામ કરવું હોય તો ? ઘરે ઘેર બોલાવા જાવ તો પણ મોડા મોડા કદાચ આવે અને મોઢું બગાડે તે નફામાં !
આમ તો સૌ પોતાના મનના રાજા હોય છે. કોઇ સારુ કે નવું કાર્ય કરવું હોય તો સૌ પોતાની રીતે સલાહ આપવા લાગશે. તેમાં કોઇ રીસાઇ પણ જશે ! પરંતુ જ્યારે ટોળુ ભેગું થાય ત્યારે નથી કોઇ નેતા કે નથી કોઇને કોઇની ઓળખાણ ! છતા કેવી શિસ્ત ? એકબીજાની પાસે કેવા પ્રેમ ઉમંગ અને ઉત્સાહથી સૌ ગોઠવાઇ જતા હોય છે ? જાણે ઘરનો પ્રસંગ ન હોય ? એ વખતે ટાઢ, તડકો, વરસાદ એ કંઇ નડતું નથી ! કવિ આ વાત સામે વ્યંગ કરતા કહે છે કે, જુઓ લોકો કેવા મિલનસાર છે ? આવી કલ્પના મરીઝ જેવા મહાન શાયર સિવાય બીજું કોણ કરી શકે ?
પોતાથી અલગ થઇને બીજું શું કરી શકે ?
માણસ બહુ બહુ તો ટોળે વળી શકે.
- અશરફ ડબાવાલા
આ શે’ર પણ માનવ સ્વભાવ તરફ અંગુલી નિર્દેશન કરે છે. મનુષ્ય જન્મ એ ઉપરવાળાની અમુલ્ય ભેટ ગણાય છે. બીજા પશુ પક્ષીઓનેય જીવ તો હોય છે પરંતુ તેમના જીવનની હાલાકી જોતા આપણને મળેલ માનવદેહ બુધ્ધિ, જીભ, વાણી એ બદલ કુદરત કે ઉપરવાળાનો માનીયે તેટલો આભાર ઓછો જ પડે ! માનવીને મળેલ મગજ એટલે એક એવું કોમ્પ્યુટરાઇઝ યંત્ર કે જેનો પાંચ દસ ટકા પણ ઉપયોગ કરનાર પણ ચંદ્ર સુધી પહોચી જાય ! કોઇ શાયરની એક ગઝલના અંતરાના શબ્દો જુઓ... ‘હમ કૌન હૈ, કહાં કે હૈ, ઔર કિસ જગા પે હૈ, ઉલ્ફતમેં બેઠકર યે સોચના પડા...’
આપણે કોણ છીએ ? કયાંથી આવ્યા ? કયાં જવાના ? કયાં છીએ ? તેવો પ્રશ્ર્ન સહજ ગણાશે પરંતુ અફસોસ કે આવું કોઇ વિચારતું નથી કે કોઇ પાસે એવો સમય નથી !
ખરેખર તો એકાંતમાં બેસી માણસે આત્મખોજ કરવી જોઇએ. હું ને ઓળખવા માટે પ્રયાસ કરવો જોઇએ, પરંતુ અફસોસની વાત એ છે કે માણસ ખુદ પોતાથી ડરી રહ્યો હોય તેમ એકલો પડતો જ નથી ! ઘર, ઓફીસ, મિત્ર સાથે રહી તે એકાંતથી ડરતો હોય નવરો થતા જ ટીવી કે એકલો પડતા મોબાઇલ લઇ બેસી જાય છે.
ત્યારે માણસના આ સ્વભાવની આલોચના કરતા અશરફ ડબાવાલા આ શે’રમાં સરસ વાત કરે છે કે માણસ પોતાનેય ઓળખતો નથી એટલે બીજુ શું કરી શકે ? ટોળે વળી સમય પસાર કરે !
કવિએ અહી માનવ સ્વભાવ તો ઉજાગર કરવા પ્રયાસ કર્યો જ છે સાથોસાથ વરવી વાસ્તવિકતાનો ચિતાર પણ વ્યકત કરવા કોશિષ કરી છે.
(શિર્ષક પંકિત - જયંત પાઠક) આસ્વાદ - બાલેન્દુ શેખર જાની