છાશમાં માખણ જાય ને વહૂ ફૂવડ કહેવાય

જીવીડોશીને વહુ લાવવાના બહુ અભરખાં.. નાથિયો ભણ્યો ય નહિ ને ગણ્યો ય નહિ! છતાંય એની માં જીવીડોશીને તો એમ જ કે એના દીકરાને વરવા રાજકુંવરીઓ લાઈન કરીને ઘરના આંગણે ઉભી છે..!!  નાથિયાનું નામ તો નથુરામ પણ બાળપણથી જ બધાં એને નાથિયો કહે.. સાતમીમાં વર્ગશિક્ષકને આંખમાં પેન્સિલ મારી દીધી એ પછી શાળાની એ દિશામાં આજ સુધી નથી ગયો..
બાપા તો એ ચાર વર્ષનો હતો ત્યારે જ ગામતરું કરી ગયેલાં.
એ પછી જીવી ડોશી એક શેઠાણીનાં બાળકને રાખવા જતા.. નાથિયો એક કોલેજમાં પ્યુન હતો. શરૂઆતમાં પાનનો ગલ્લો નાખ્યો પણ પછી એમાં એકાદ લાખનું નુકશાન જતાં જીવીડોશીએ નોકરી શોધવાનું કહી દીધેલું.. ને નાથિયો એક કોલેજમાં આઠ હજારના પગારે પ્યુન તરીકે રહી ગયો..!!
"એ નાથિયા, હવે વહુ લાવવી પડે હો... ઓલી કાંતા, કોકી અને ચંપાના ઘરે ય વહુઓ આવી ગઈ છે.
કાલ રાજુકાકા આવિયાતા.. ઇમની બાજુમાં આપણી નાતના કોઈ ભાઈ રે છે.. ઈ ભાઈ કારખાનામાં ચોકીદાર છે ને એની વહુ એય
કમાય છે..
એની દીકરી, નામ એનું ગૌરી છે. બવ રૂપાળી છે એવું કેતાતાં કાકા..!! ઓલી બધીયું બળી જાસે.
કાલ જ જોઈ આવીયે ને હા પાકું કરવું છે એટલે રજા લઇ જ લેજે..!
નાથિયો તો રૂપાળી સાંભળીને જ હરખાઈ ગયેલો.. જીવી ડોશી ને નાથિયો બંને માઁ-દીકરો મળીને પંદરેક હજાર જેવા પૈસા કમાઈ લેતા. કાંઠાની ઓલી બાજુ રેતા એટલે ત્યાં ઘરનો ફ્લેટ પણ હતો!!!
નાથિયો મલકાતાં મલકાતાં, ગૌરીનાં વિચારોમાં ખોવાઈને બોલ્યો,
"હાલ માઁ. લાવ મારું માખણ કાઢ!! એટલે નાસ્તો કરીને હું જાઉં!!
નાથિયાને માખણ બહુ ભાવે. ને જીવી ડોશી ય માખણ બનાવવામાં બહુ દરકાર રાખે.. રોજનું લિટર દૂધ એ એમના ઘરમાં આવે એટલે દર પંદર દિવસે જીવી ડોશી મલાઈમાંથી માખણ બનાવે, એની છાશ કરે ને પછી ઘી બનાવે.. એ ખાટી છાશમાંથી બેવાર કઢી, એકવખત ખાટા મગ, ઢોકળા ને હાંડવો બનાવે બંને માટે..! અને માખણ જે વધ્યું હોય એ ફ્રીઝમાં રાખી દે..
રોજ ભાખરીમાં માખણ ચોપડીને સવારે દૂધ-ભાખરી ખાઈને નાથિયો નોકરીએ જાય..
માખણની ચીવટ તો દરેક સ્ત્રીને હોય જ ને વળી! ને એમાય જીવી ડોશી તો ગામડાનાં એટલે બહુ સાચવીને માખણ બનાવે.. છાશમાં પણ જરાય કણ ના વધ્યો હોય માખણનો..!!
હાલ્ય દીકરા.. આજ તો નીમક વાળી ભાખરી કરી છે.. બેસી જા મારા વહાલાં..
જીવીડોશીએ પોતાના દીકરાને નાસ્તો પીરસ્યો ને પછી શેઠાણીના ઘેર જવા નીકળ્યા.. નાથિયો પણ નાસ્તો કરીને ઘરને તાળું દઈને કોલેજ જતો રહ્યો.. એ આખો દિવસ એણે કોલેજમાં ગૌરીના શમણાં જ જોયા..
આવો આવો.. બેન.. આવો કુમાર..! બેસો..
ગૌરીના પપ્પા અને મમીએ નાથિયા અને જીવીડોશીને પ્રેમથી આવકાર આપ્યો. વાતોચીતો થઇ અને ગૌરી ને નાથિયો એક્બીજા સાથે બેઠા.. વ્યવહારિક બધી વાતોને કરીને જીવીડોશીએ એ જ દિવસે નાથિયાનું ગૌરી સાથે નક્કી કરીને ગોળ-ધાણા ખવડાવી દીધા બંનેને!
એક જ મહિનામાં વાડી મળી ગઈ ને બીજા જ મહીને લગ્ન લઇ લીધા.. લગ્નમાં જીવીડોશીએ આખી શેરીને બોલાવી હતી. ખર્ચો તો ગૌરીના માં-બાપ કરવાના હતા ને..!!!
બવ રૂપાળી છોકરી શોધી આવ્યા છે આ જીવીમાં તો!
એ તો રૂપ છે, ગુણ નઈ હોય કાઈ..
અરે ભાઈ.. આજના જમાનામાં છોકરીઓ હુશિયાર થઇ ગઈ છે.. જોજો ને આ જીવીડોશીને કાલ બારે કાઢી મુકશે..
જાતજાતની વાતો! દાળનો સબડકો બોલાવતા બોલાવતા લગ્નમાં આવેલા મહેમાનો ને ખાસ કરીને તો જીવીડોશીની શેરીમાં રહેતી બીજી ડોશીઓ ચર્ચાઓ કરી રહી હતી..
શરૂઆતના દિવસો ખુબ સુંદર રહ્યાં.. સવાર સવારમાં જીવી ડોશી જાય ને નાથિયો પણ જાય.. બન્ને માટે ગૌરી સરસ ગરમ ભાખરી બનાવી આપે.. સાંજે આવે ત્યારે ય ગૌરીએ ભાખરી ને બટાકા, ડુંગળી કે ટામેટાનું શાક બનાવીને જ રાખ્યું હોય.. જીવીડોશીને તો જાણે સ્વર્ગ મળી ગયું.. વહુએ દસ દિવસમાં બધુય સંભાળી લીધું તેવું લાગવા લાગ્યું. એ બહુ ખુશ રહેતા.. નાથિયો ને ગૌરી ય રોજ રાત્રે આઈસ્ક્રીમ ખાવા ને તળાવની પાળે બેસવા જાય!!
જીવીડોશીએ તો કોકી, ચંપા ને પોતાની બધી સહેલીઓને આ વાતો કહી દીધી.. બીજી બધી ડોશીઓને હવે પોતાની વહુ નકામી લાગવા લાગી.. જીવીડોશીની ડાહી વહુના કારણે બીજા બધાંનાં ઘરમાં સાસુ-વહુ વચ્ચે કંકાસ શરુ થઇ ગયો.. શેરીની બધી વહુઓ ભેગી મળીને પોતાની સાસુઓ વિરુધ કાવાદાવા રચવામાં લાગી પડી..!
એ દિવસે શનિવાર હતો. જીવીડોશીને કામ પર વહેલું જવાનું હતું.. શેઠાણીબા ને શેઠસાહેબ બહાર જવાના હોવાથી જીવીડોશી સવારમાં સાત વાગ્યામાં તેમના છોકરાને રાખવા નીકળવાના હતાં..
અરે રે.. આ મલાઈ જમાવી હતી એનું માખણ કરવાનું તો રહી જ ગયું.. હે ભગવાન બે દિવસ થઇ ગયા છે જમાવી એને.. હવે વાસ આવે એ કરતા લાવ ને ગૌરીવહુને જ કહી દઉં.. એ કરી લેશે..
ને જીવીડોશી નાહીને કપડા સુકવતી ગૌરીની કને ગયા..
વહુ, જરા આ મલાઈમાંથી માખણ કરીને છાશ રાખી દેજો ને ઘી બનાવી નાખજો ને.. ને માખણ થોડું વધારે જ રાખજો.. તમને તો ખબર જ છે ને કે નથુ ખાય છે રોજ સવારે એટલે હો ને!!
ગૌરી કંઈ બોલે એ પહેલાં ઉતાવળમાં રહેલાં જીવીડોશી ઘરની બહાર નીકળી ગયાં..
સાંજે સાત વાગ્યે થાક્યા-પાક્યા જીવીડોશી આવ્યાં... ગૌરીએ એમને પાણી આપ્યું ને પછી ગરમ ભાખરી ઉતારવા લોટ બાંધ્યો.. જીવીડોશી કપડા બદલીને રસોડામાં આવ્યાં ને તેમનું ધ્યાન ત્યાં પડેલા ઘીના ડબ્બામાં ગયું..
એ માડી રે.. આ શું વહુ? આ ઘીમાં તમે અડધે-અડધું કિટું ભેળવી દીધું છે.. અરર.. એક મીલીટ.. માખણ ક્યાં છે? જરા જોવા દો તો.. અને છાશ..
જીવીડોશીએ તરત ફ્રીઝ ખોલ્યું અને અંદર મુકેલી છાશની હાંડી અને માખણનો વાટકો કાઢ્યો.. ને એમનાથી રાડ પડાઈ ગઈ..
અરરર.. નકામી.. કઈ આવડતું નથી આ છોકરીને.. માં-બાપે કઈ શીખવ્યું નથી.. બોલો ફૂવડ છોકરી.. હાચું જ કેતાતાં મારાં બા.. છાશમાં માખણ જાય ને વહુ ફૂવડ કહેવાય શા કામના આટલા રૂપ જ્યાં માખણ બનાવતા ય નાં આવડે..
અરે રે..
ને જીવીડોશી ગૌરીને ખરી-ખોટી સંભાળવવા લાગ્યાં.. ગૌરીથી આટલું બધું સહન ના થયું.. એ જ રાત્રે નાથિયાને કહીને એ તો ચાલી ગઈ પોતાને ઘેર.. જીવીડોશી મો ફુલાવીને એને જતી જોઈ રહ્યા.. ના એને રોકવાની કોશિશ કરી કે ના કઈ બોલ્યા..!!
બીજા દિવસે આખી શેરીને ખબર પડી ગઈ કે જીવીડોશીની વહુ દસ દિવસમાં ઘર છોડીને પિયરે બેસી ગઈ.. કોકી, ચંપા ને કાંતાડોશી જીવીડોશીને મળવા આવ્યા.. જાણે ખરખરો કરતા હોય!! જીવીડોશી ચુપચાપ બધીયુંને સાંભળી રહ્યાં..
થોડી વાર થઇ હશે.. ત્રણેયના વાકબાણો સહન કરતા જીવીડોશી ચુપચાપ બેઠા હતા કે એ ત્રણેય ડોશીની વહુઓ આવી..
જીવીકાકી.. ગૌરીને માખણ બનાવતા ના આવડતું હોય તો શીખવવાની ફરજ કોની છે? તમારા ઘરની રીત અનુસાર વહુને ઢાળવા માંગો છો પણ તમે બધી સાસુઓ વહુઓને કઈ શીખડાવવા નથી માંગતા.. આમ તો કેમનું ચાલે.. એકબીજાની વહુઓની ઈર્ષ્યા નહિ કરો પણ જે વહુ મળી છે તેના અરમાનોને, તેના ગુણોને સમજીને તેને સાચવો.. વહુના રૂપ નહિ ગુણને વખાણો..!!
કોકીની વહુ બોલી કે તરત ચંપાની વહુએ કહ્યું,
ચાલો.. હવે અમારી આ બહેનપણીના ફરી તમારા ઘરમાં પગલા પડાવો..
ગૌરીને આંગણે જોઈ જીવીડોશી હરખાઈ ગયાં.. આમેય ક્યારના ચંપા, કોકી ને કાંતાના વાકબાણો સાંભળીને કંટાળી ગયા હતાં.. જેવી ગૌરીને જોઈ કે તરત તેને ભેટીને બોલ્યાં,
અલી ફૂવડ તો હું હતી... અપેક્ષા રાખવા પહેલા તને અણીદાર બનાવવાની માર ફરજ હતી દીકરી... હવે હું તને માખણમાંથી છાશ કાઢતા શીખડાવીશ.
આ દ્રશ્ય જોઈ કાંતા, કોકી ને ચંપા પણ પોતાની વહુઓને ભેટી પડી.. છેલ્લા અમુક દિવસોથી ચાલતા તેમના કંકાસનો પણ અંત આવ્યો..
ઘરમાં જતા જતા ગૌરી જીવીડોશીને સંબોધીને બોલી,
બા.. મને માખણ કાઢતા આવડે છે હો.. આ તો જરા તમારા બહેનપણીઓને સબક શીખડાવવા અમે બધીયુએ મળીને ઉપાય કરેલો.. ભેગાભેગ તમનેય મારી કિંમત સમજાઈ એ જાણીને હું તો રાજી થઇ ગઈ..
જીવીડોશી આ સાંભળી પોરસાઈ ગયા.. ને મનમાં બોલ્યા, વહુ છે તો મારી સો ટચનું સોનું હોં...!! શરૂઆતના દિવસો
ખુબ સુંદર રહ્યાં.. સવાર સવારમાં
જીવી ડોશી જાય ને નાથિયો પણ જાય..
બન્ને માટે ગૌરી સરસ ગરમ ભાખરી બનાવી આપે..
સાંજે આવે ત્યારે ય ગૌરીએ ભાખરી ને બટાકા, ડુંગળી કે
ટામેટાનું શાક બનાવીને જ રાખ્યું હોય.. જીવીડોશીને તો જાણે
સ્વર્ગ મળી ગયું.. વહુએ દસ દિવસમાં બધુય સંભાળી લીધું
તેવું લાગવા લાગ્યું. એ બહુ ખુશ રહેતા.. નાથિયો ને ગૌરી ય રોજ રાત્રે આઈસ્ક્રીમ ખાવા ને તળાવની પાળે બેસવા જાય!! બીજા દિવસે આખી
શેરીને ખબર પડી ગઈ કે જીવીડોશીની
વહુ દસ દિવસમાં ઘર છોડીને પિયરે
બેસી ગઈ.. કોકી, ચંપા ને કાંતાડોશી જીવીડોશીને
મળવા આવ્યા.. જાણે ખરખરો કરતા હોય!!
જીવીડોશી ચુપચાપ બધીયુંને સાંભળી રહ્યાં.. થોડી વાર
થઇ હશે.. ત્રણેયના વાકબાણો સહન કરતા જીવીડોશી
ચુપચાપ બેઠા હતા કે એ ત્રણેય ડોશીની વહુઓ આવી... વાર્તા - આયુષી સેલાણી