આવતીકાલે એક સાથે એક લાખ લોકો કરશે યોગા

વિશ્ર્વ યોગ દિવસે શહેરમાં અનેક સ્થળે યોગાભ્યાસના કાર્યક્રમો કોર્પોરેશન દ્વારા પાંચ સ્થળ અને સ્વિમીંગ પુલ ખાતે એકવા યોગનું આયોજન
સામાજીક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગથી સફળ આયોજન રાજકોટ, તા. 20
વિશ્ર્વ યોગ દિવસની આવતી કાલ તા.21 જુનના રોજ સમગ્ર વિશ્ર્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરમાં પાંચ સ્થળે યોગા અભ્યાસનું આયોજન કરવામાં આવ્યુ છે તેમજ કાલાવડ સ્નાનાગાર ખાતે એકવા યોગનું આયોજન કરાયુ છે. મનપા દ્વારા રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરાયા બાદ આજ સુધીમાં 30 હજારથી વધુ યોગ સાધકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે જયારે મનપા દ્વારા સ્થળ ઉપર કામગીરી
પૂર્ણ કરવા માટે તડામાર તૈયારીઓ આરંભી છે.
વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ગત વર્ષની માફક આ વર્ષે પણ યોગ દિવસની ઉજવણી માટે શહેરના રેસકોર્ષ માધવરાય સિંધયા ક્રિકેટ ગ્રાઉન્ડ નાનામવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ તેમજ રાજપેલેસ સામેનું મેદાન (સાધુવાસવાણી રોડ) રણછોડદાસ આશ્રમ સામેનું ગ્રાઉન્ડ અને પારડી રોડ ઉપર કોમ્યુનીટી હોલ પાસે આવેલ મેદાન સહિતના ગ્રાઉન્ડ ઉપર 40 હજારથી વધુ લોકો આવતી કાલે સવાર 6-30 થી 7-30 સુધી યોગ અભ્યાસ કરશે.
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે તે તમામ યોગ અભ્યાસીઓ તેમજ શૈક્ષણીક અને ધાર્મિક સંસ્થાઓના સહયોગીઓ ઉપરોકત સ્થળે હાજર રહેશે. સામાજીક અને ધાર્મિક સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવેલ નથી પરંતુ તેઓ દર વર્ષની માફક મોટી સંખ્યામાં હાજર રહી યોગ અભ્યાસ હાથ ધરશે. આવતી કાલે વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે શહેરમાં યુવાનો અને યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેથી આવતી કાલે મહાનગરપાલીકાના પાંચ સ્થળ તેમજ અન્ય સંસ્થાઓ અને શાળા કોલેજોમાં શહેરના યુવાનો-યુવતીઓ મહિલાઓ સીનીયર સીટીઝન્સ તબીબો તેમજ ઉદ્યોગપતીઓ સહિતના વિવિધ ક્ષેત્રના નાગરીકો તેમજ યોગ પ્રેમીઓ દ્વારા સામુહિક યોગ કરવામાં આવશે.
આવતી કાલે શહેર યોગમય બની જશે વ્હેલી સવારથી જ યોગ પ્રેમીઓને સમુહ અલગ અલગ સ્થળે એકઠો થશે. ત્યારે રાજકોટમાં એક જ સમયે સવારે 6-30 વાગ્યે યોગ શરૂ થશે અને 1 કલાક યોગ અભ્યાસ કર્યા બાદ 7-30 વાગ્યે યોગ અભ્યાસ પૂર્ણ થશે જેથી રાજકોટના તમામ સ્થળે એક સાથે એક સમયે યોગ પ્રેમીઓ દ્વારા યોગા અભ્યાસ કરવાનો એક અનેરો અવસર શહેરને પ્રાપ્ત થશે. 70 થી વધુ શાળાઓમાં યોગા થશે વિશ્ર્વ યોગ દિન નિમિતે શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણીક કાર્યમાં અવરોધ ઉભો ન થાય તે માટે તમામ સ્કુલો અને શાળાઓમાં પોતાના ગ્રાઉન્ડમાં જ યોગાનું આયોજન કરવામાં આવ્યુ છે જેના માટે ગઈકાલે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્કુલો તથા કોલેજના પ્રતિનિધિઓએ હાજરી આપી એક કલાક યોગ કર્યા બાદ સમય મુજબ 7-30 બાદ તમામ શાળાઓ તથા કોલેજોમાં રાબેતા મુજબ જ શૈક્ષણીક કાર્ય શરૂ થઈ જશે તે મુદ્દે સંપત્તી આપી શાળા સંચાલકોએ યોગની તૈયારી માટે ગ્રાઉન્ડ સહિતની સાફ સફાઈ શરૂ કરી દીધી છે. મનપા દ્વારા પાંચ સ્થળે યોગાનું આયોજન વિશ્ર્વ યોગ દિન નિમિતે મહાપાલીકા દ્વારા શહેરીજનો માટે યોગા અભ્યાસ માટે પાંચ સ્થળ નકકી કરવામાં આવ્યા છે. જેમાં રેસકોર્ષ માધવરાવ સિંધયા ક્રિકેટ ગ્રાઉન્ડ, નાનામવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, રાજપેલેસ સામેનું મેદાન (સાધુવાસવાણી રોડ), રણછોડદાસ આશ્રમ સામેનુ ગ્રાઉન્ડ અને પારડી રોડ પર કોમ્યુનીટી હોલ પાસે આવેલ મેદાન સહિત 40 હજારથી વધુ લોકો યોગ કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દિવ્યાંગો અને થેલેસેમિયાના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા વિશ્ર્વ યોગ દિન નિમિતે દિવ્યાંગો અને થેલેસેમીયાગ્રસ્ત લોકોને યોગા અભ્યાસનો લાભ મળી શકે તે માટે મનપાએ પાંચ સ્થળ ઉપર અલગથી આયોજન કરી દિવ્યાંગો અને થેલેસેમીયાના દર્દીઓ માટે અલગથી વ્યવસ્થાના ભાગ રૂપે સ્વયંમ સેવકો મુકવામાં આવ્યા છે તેઓ દિવ્યાંગોને સહાય કરશે.