કાલે 800થી વધુ બહેનો દ્વારા સ્વીમીંગ પૂલમાં એકવાયોગા

મહાનગરપાલિકા દ્વારા કોસ્ચ્યુમ, કેપ અને સર્ટીફીકેટ અપાશે : વંદનાબેન ભારદ્વાજ અને ટીમ દ્વારા તડામાર તૈયારીઓ રાજકોટ તા,20
કાલે વિશ્ર્વ યોગ દિન મહાનગરપાલિકાના જુદા જુદા સ્વીમીંગ પુલમાં બહેનો દ્વારા એકવા યોગ કરવામાં આવશે. મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા એક સંયુકત યાદીમાં જણાવે છે કે 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુકત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભાને સંબોધતી વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા વિચાર રજુ કરેલ. જેના અનુસંધાને સંયુકત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી 21 જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ. જેના અનુસંધાને 21 જુનના રોજ દેશભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકા પણ જુદા જુદા પાંચ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત શહેરની શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ વિગેરે દ્વારા પણ જુદા જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે.
ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના લોકમાન્ય તિલક સ્વીમીંગ પુલ (કોઠારિયા રોડ), મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વીમીંગ પુલ (કાલાવડ રોડ), સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ (પેડક રોડ) ખાતે એકવા યોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 800થી વધુ બહેનોનું રજીસ્ટ્રેશન થયેલ છે અને હજુ વધુ બહેનો જોડાશે. અલ્પાબેન શેઠ તથા વંદનાબેન ભારદ્વાજે જણાવેલ કે ગ્રાઉન્ડમાં જે યોગા કરાવવામાં આવનાર છે તે તમામ યોગા બહેનો દ્વારા પાણીની અંદર કરવામાં આવનાર છે. જેમ કે ભદ્રાસન, મકરાસન, વજ્રાસન, શવાસન તેમજ ખાસ વિશેષમાં ફેસ યોગા કરવામાં આવનાર છે. જેમાં બલુન પોઝ, ફીશ પોઝ, લાયન પોઝ વિગેરે એક વિશેષતા હશે.
એકવા યોગાસન માટે અલ્પાબેન શેઠ તેમજ વંદનાબેન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ તૈયારી કરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ યોજાનાર યોગામાં દીવ્યાંગો, ડાયાબિટીસ તેમજ થેલેસેમિયા ધરાવતા શહેરીજનો માટે ઉતરાંત એન.સી.સી. અને એન.એસ.એસ. કેડેટ માટે ખાસ અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉજવણીમાં શહેરની જુદી જુદી સામાજિક, ધાર્મિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓનો પણ ખુબ જ સહયોગ મળી રહ્યો છે.
વધુમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયાએ જણાવ્યું કે, એકવા યોગમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને કોર્પોરેશન દ્વારા કોસ્ચ્યુમ, કેપ અને સર્ટીફિકેટ આપવામાં આવશે. આયોજનને સફળ બનાવવા કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા વંદનાબેન ભારદ્વાજ, અલ્પાબેન શેઠ, દુર્ગાબા જાડેજા (કોર્પોરેટર), શ્ર્વેતાબેન ખંભાયતા, અંજના વડારિયા, જલ્પા બુવારિયા, વાગ્ભી પાઠક, ભગવતી સંખાવરા બાસીડા, ભારતી વસાણી, તૃપ્તી વ્યાસ, ડો.હર્ષા ડાંગર, સોનલ સાગરે જણાવ્યું છે. એકવાયોગ અંગેના કાર્યક્રમની માહિતી આપવા ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકો. (તસવીર : રવિ ગોંડલીયા)