તળાજાના 15 ગામમાં વિજપુરવઠો નિયમીત કરવા ચાર દી’ની મહેતલ


ભાવનગર તા,12
તળાજાના અંતરીયાળ ગામડાઓના ખેડુતોએ આજે પીથલપુર 66 કે.વી. સબ સ્ટેશનના અધિકારીને સામુહીક રીતે ખેતીવાડીમાં પુરતા પ્રમાણમાં નિયમીત વિજળી આપવા રજુઆત કરી હતી. ચાર દિવસમાં સંતોષકારક વિજળી નહી મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ઝાંઝમેર ગામના પૂર્વ સરપંચ હરદેવસિંહ ગોહીલના જણાવ્યા પ્રમાણે પીથલપુર, ઝાંઝમેર, રેલીયા, ગોપનાથ, ગઢુલા, પ્રતાપરા, વેજોદરી, મેથળા, રોજાપા સહિતના પંદરેક ગામના ખેડુતો આજે પીથલપુર સ્થિત વિજતંત્રના 66 કે.વી. સબસ્ટેશન ખાતે મુખ્ય અધિકારીને રજુઆત કરવા દોડી
આવ્યા હતા.
ખેડુતોની ખેતીવાડી કનેકશનમાં સમયસર અને કાયમ માટે પુરતી વીજળી આપવાની માગ હતી કેટલાય સમયથી વિજપુરવઠો આપવામાં ચાલતા ધાંધીયાથી ખેડુતો કંટાળ્યા હતા. ખેડુતોએ સામુહીક રીતે રજુઆતની સાથે અલ્ટમેટમ આપ્યું છે કે ચાર દિવસમાં માંગ નહી સંતોષયા તો પંદર ગામના ખેડુતો આંદોલનનો માર્ગ અપનાવશે. આઠ માસથી ટી.સી. મુકવાના ખોરંભે ચઢેલા કામને લઇ ખેડુતો પરેશાન થાય છે. અધિકારીએ સ્ટાફ ન હોવાનો બળાપો ઠાલવ્યો હતો. સામાપક્ષે ચેકીંગ સમયે કેમ કાફલા ખડકી દો છો તેવુંં જણાવ્યું હતું.