‘VVIP સંત’ ભય્યુજી મહારાજનો ગોળી ધરબી આપઘાત

ભય્યુજી મહારાજે પોતાના જ નિવાસસ્થાને આપઘાત કર્યો: ઇન્દોરની બોમ્બે હોસ્પિટલમાં તાકીદની સારવાર દરમિયાન અંતિમ શ્ર્વાસ લીધા વડાપ્રધાન મોદીથી અન્ના હજારે સુધીની હસ્તીઓના આદર્શ ગુરૂ તરીકે હતા: મ.પ્ર. સરકારે ભય્યુજી મહારાજને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો રાજકોટ તા.1ર
બેહદ આકર્ષક વ્યકિતત્વ અને રાજ્યોના મુખ્યમંત્રીઓથી દેશના વડાપ્રધાન સુધી જેમની પહોચ અને પ્રભાવ જગજાહેર છે તેવા વિશિષ્ટ સંત ભય્યુજી મહારાજે આજે પોતાના જ હાથે પોતાને જ ગોળી મારી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેના પોતાના નિવાસસ્થાને આજે બપોરે ર.00 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાનું જાણવા મળે છે.
જાણવા મળતી વિગત મુજબ લોહીથી લથબથ હાલતમાં ભય્યુજી મહારાજને ઇન્દોરની બોમ્બે હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ ઘટનાની જાણ થતા જ હોસ્પીટલ સંકુલે હજારોની સંખ્યામાં તેમના સેવકો અને ચાહકો ઉમટી પડયા હતા. પ્રાથમિક વિગતો મુજબ ભય્યુજી મહારાજને માથામાં ગોળી વાગી ત્યારે તેમના ઘરે તેમના ધર્મપત્ની અને અન્ય નોકર-ચાકર હાજર હતા. પોલીસ એ અસમંજસમાં છે કે ભય્યુજી મહારાજે પોતે જ ગોળી ખાઇને આપઘાત કર્યો છે કે કે કોઇએ તેમની હત્યાનો પ્રયાસ કર્યો છે.
નોંધનીય છે કે ભય્યુજી મહારાજનો મુખ્ય આશ્રમ ઇન્દોર સ્થિત બાપટ ચોક ખાતે આવેલો છે અને સદ્દગુરૂ દત ધાર્મિક ટ્રસ્ટ નામે તેનું સંચાલન થાય છે. ભય્યુજી મહારાજની પ્રથમ પત્ની માધવીનું થોડા વર્ષો પહેલા મૃત્યુ થયું હતું. હાલમાં તેમને એક પુત્રી નામે કુહુ છે જે પુણે મહારાષ્ટ્રમાં અભ્યાસ કરી રહી છે. દેશના ટોચના ઉદ્યોગકારો, ફિલ્મસ્ટારો, ખેલાડીઓ અને વિભિન્ન ક્ષેત્રની નામચીન હસ્તીઓ ભય્યુજી મહારાજને પોતાના આદર્શ ગુરૂ માને છે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સદ્દભાવના ઉપવાસ કર્યા હતા ત્યારે તેના પારણા ભય્યુજી મહારાજે કરાવ્યા હતા.
ભય્યુજી મહારાજ અત્યંત પ્રભાવશાળી અને જમીનદાર પરીવારના વારસદાર હોવાને કારણે તેમની ગણતરી અત્યંત ગર્ભ શ્રીમંત સંત તરીકે થાય છે. ભય્યુજી મહારાજનું અસલી નામ ઉદયસિંહ દેશમુખ છે. તેઓ છાત્રોને સ્કોલરશીપ આપે છે, કેદીઓના સંતાનોને ભણાવે છે, ખેડૂતોને ખાતર અને બીજ બિયારણ મફત આપે છે. ગામડાઓમાં તળાવો ખોદાવે છે. વૃક્ષોનું વાવેતર કરાવે છે. બીમારો માટે સારવારની વ્યવસ્થા કરે છે. સમુહલગ્નનું આયોજન કરે છે. કવિતાઓ લખે છે અને ભજન ગાય છે આમ તેઓ એક વિચક્ષણ હસ્તી છે. અન્ના હજારેના ઉપવાસના પારણા કરાવ્યા ત્યારથી ભય્યુજી મહારાજ દેશભરમાં પ્રખ્યાત થયા હતા.
કેન્દ્ર સરકારે તેમને પોતાના દુત બનાવીને અન્ના હજારેની છાવણીમાં મોકલ્યા હતા. ભય્યુજી મહારાજ સંતોની જમાતમાં એક અનોખા અને મોર્ડન સંત છે. ઉચ્ચ જીવન અને ઉચ્ચ વિચાર ઉપરાંત તેઓ મર્સીડીઝ ગાડીમાં ફરે છે. રોલેકસ ઘડીયાળ પહેરે છે. આલીશાન ભવનમાં રહે છે અને સતત ચર્ચામાં રહે છ પરંતુ આજે તેમના આપઘાતના કે હત્યાની ચર્ચાએ લાખો ભકતોમાં દુ:ખની કાલીમા પથરાવી દીધી હતી.