શાળા-કોલેજનું ડોનેશન હવે લાંચ ગણાશે

વાહ અચ્છે દિન, વાહ! ફી વિધેયક અધ્ધરતાલ છે ત્યાં વાલીઓને વધુ એક ફિલગૂડ ફેક્ટર... ટોલ ફ્રી કે વ્હોટસએપ નંબર પર જાણ કરતાં જ એસીબી ફરિયાદ દાખલ કરીને કાયદાકીય પગલાં લેશે
રાજકોટ તા.12
કોલેજો માટેની ફી રેગ્યુલેશન કમિટી તો ડિપોઝીટ તરીકે ઉઘરાવાયેલી રકમ પરત અપાવીને મોડે મોડે પણ ન્યાય તોળે છે પરંતુ શાળા ફી વિધેયક હજુ અધ્ધરતાલ જ છે ત્યારે સરકારે વાલીઓને વધુ એક ‘ફિલ ગૂડ ફેક્ટર’ ભેટ ધર્યુ છે. જે મુજબ હવે ડોનેશન લેતી શાળા-કોલેજો સામે એ.સી.બી. ફરિયાદ નોંધશે!
રાજ્યમાં મનઘડત રીતે ફી ઉઘરાવતી શાળા-કોલોજો પર અંકુશ લાવ્યા બાદ હવે વધુ એક તવાઇ કરવામાં આવશે. આ વખતે ગુજરાતમાં પહેલીવાર ડોનેશનના નામે પૈસા પડાવતી શાળા-કોલેજો વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે. આ માટે એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા ફરિયાદ નોંધી કેસ કરવામાં આવશે.
નવા નિયમ પ્રમાણે જો કોઇ શાળા-કોલેજ વાલીઓ પાસે ડોનેશનના નામે લાખો રૂપિયા પડાવશે તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે. આ માટે વાલીએ ટોલ ફ્રી નંબર પર ફોન કરી જાણ કરવાની રહેશે, ત્યારબાદ એસીબી ફરિયાદ દાખલ કરવાથી લઇને કાયદાકીય પગલા લેશે.
શાળા-કોલેજોમાં ડોનેશનના નામે ઊંચી ફી વસૂલી ભ્રષ્ટાચાર કરી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ત્યારે તેમની સામે કડક કાર્યવાહી માટે પ્રથમ વખત એસીબીની મદદ લેવામાં આવે છે. ખાસ કરીને વાલીઓની ફરિયાદને આધારે એસીબી જે-તે શાળા-કોલેજ સામે કેસ કરી કાર્યવાહી હાથ ધરાશે. શૈક્ષણિક ક્ષેત્રે ઉઘાડી લૂંટ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શૈક્ષણિક ક્ષેત્રે ભ્રષ્ટાચારના દુષણને દૂર કરવા અને બેફામ ફી ઉધરાવતી શાળા-કોલેજો સામે વાલીઓને વધુ એક સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. વાલીઓ ટોલ ફ્રી નંબર - 1064 અને વોટ્સએપ નંબર - 9099911055 પર ફરિયાદ કરી શકશે. જે બાદ એસીબી હરકતમાં આવશે અને કેસ કરી સંચાલકો વિરુદ્ધ કડક પગલા હાથ ધરશે. સ્કૂલો શરૂ છતાં આરટીઈનો બીજો રાઉન્ડ અધ્ધરતાલ
આર.ટી.ઈ. હેઠળ મફત શિક્ષણનો અભિગમ ગરીબ લાભાર્થી માટે આશીર્વાદ રૃપ છે. પરંતુ નિયત સમય મર્યાદા અને વગર ભુલે થાય તો પ્રથમ રાઉન્ડમાં શહેર જિલ્લાના 47 ટકા પ્રવેશ અપાયા બાદ આજથી શાળા ખુલી ગયા બાદ પણ બીજા રાઉન્ડના પ્રવેશો જાહેર નહીં કરાતા ફોર્મ ભરેલ વાલીઓ મુંઝવણમાં મુકાયા છે. જ્યારે હાલમાં શાળાઓ ચાલુ થઈ ગઈ હોવા છતાં બીજા રાઉન્ડના પ્રવેશ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી ન હોવાથી જે વાલીઓએ પ્રવેશ મેળવા ફોર્મ ભરેલ અને પ્રથમ રાઉન્ડમાં નામ ન આવવાથી બીજા રાઉન્ડ અંગે રાહ જોઈ રહ્યા છ ેતેઓ પોતાના બાળકનો પ્રવેશ પોતાની રીતે લેવો કે કેમ ? કારણ કે ખાનગી શાળામાં પ્રવેશ મેળવે અને બીજા રાઉન્ડમાં પોતાના બાળકનું નામ આવે તેવા સમયે ભરેલ ફી જતી કરવાની નોબત આવે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે તેથી સરકાર દ્વારા તાકીદે બીજા રાઉન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને પછી પ્રવેશ ઉત્સવ જેવા પ્રસિધ્ધી મેળવવા માટેના કાર્યક્રમો યોજવા જોઈએ તેમ વાલી વર્ગ ઈચ્છી રહ્યો છે.