ગુંડારાજના વિરોધમાં ગાંધીનગરી પોરબંદર બંધ

સર્વજ્ઞાતિય બેઠક બાદ જઙને આવેદન, આજે અર્ધો દિવસ બંધના એલાન અંતર્ગત તમામ બજારો સ્વયંભૂ સજ્જડ બંધ
પોરબંદર તા.1ર
પોરબંદર નગરપાલીકાના પૂર્વ પ્રમુખ ઉપર ગઇકાલે થયેલા હુમલા અને તોડફોડની ઘટનાના ઘેરા પડઘા પડયા છે. લોહાણા સમાજ દ્વારા આજે અડધો દિવસ પોરબંદર બંધના અપાયેલા એલાનના પગલે શહેરની તમામ બજારો સ્વયંભુ બંધ રહી હતી. દરમ્યાન સમાજના આગેવાનોએ રેલી કાઢીને જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું અને હુમલાના બનાવને આકરા શબ્દોમાં વખોડી કાઢયો હતો.
પોરબંદર નગરપાલિકાના પૂર્વપ્રમુખ પંકજ મજીઠીયાના ઘરે પાલિકાના સુધરાઇસભ્ય ભલા મૈયારીયા અને તેના સાગરીતોએ તોડફોડ કર્યાના બનાવમાં આરોપીઓ હજુ પોલીસની પહોંચની બહાર છે ત્યારે લોહાણા મહાજનવાડી ખાતે સર્વજ્ઞાતિય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઇ કારીયા, મંત્રી રાજુભાઇ લાખાણી, જેના ઘરે હુમલો થયો છે તે પંકજ મજીઠીયા ઉપરાંત લોહાણા જ્ઞાતિના આગેવાનો હરસુખભાઇ બુધ્ધદેવ, મુકેશભાઇ ઠકકર, રાજુભાઇ ગોંદીયા, જગુભાઇ હાથી, ભરતભાઇ માખેચા, કપીલભાઇ કોટેચા, નાથુભાઇ ઠકરાર, ભરતભાઇ રાજાણી, મુકેશભાઇ દત્તા ઉપરાંત ખારવા સમાજના આગેવાન અને બોટ એશો.ના પ્રમુખ ભરતભાઇ મોદી, રાજપુત સમાજના આગેવાન રાજુભાઇ જાડેજા, ડો. જનાર્દન જોશી, મુલચંદનભાઇ નવલાણી, સોની આગેવાન મુકેશભાઇ ગોસલીયા, જૈન આગેવાન પ્રણવભાઇ શાહ, વણકરસમાજના આગેવાન અમરાભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બનાવને વખોડી કાઢયો હતો તથા પોરબંદર મંગળવારે અડધો દિવસ બંધ રાખવાનું નકકી થતાં તમામ એશોસીએશનોએ શહેરબંધના એલાનને ટેકો આપ્યો હતો. એટલું જ નહીં પરંતુ જીઆઇડીસી વેલ્ફેર એસો.ના સેક્રેટરી ધીરૂભાઇ કકકડે પણ ઉદ્યોગનગર વિસ્તાર પણ આ આંદોલનને ટેકો આપીને સમર્થન જાહેર કરે છે તેમ જણાવ્યું હતું.
પોરબંદર શહેરમાં 199પ પહેલા ગુંડાગીરી હતી અને તે જ પરિસ્થિતિ ઉભી થાય નહીં તે જોવાની સમાજના સૌની ફરજ છે. યોજાયેલી બેઠક કોઇ સમાજના વિરોધ માટે નહીં પરંતુ વ્યકિતગત રીતે જે હુમલો થયો છે તે હુમલાખોરો સામેની છે તેમ જણાવીને ઉમેર્યુ હતું કે, પોરબંદરના શાંત વાતાવરણને ડહોળવાનો આ
પ્રયાસ છે અને આગેવાનોના ઘરે જઇને હુમલો કરવામાં આવે તો તે કમનશીબ બાબત છે તેમ જણાવીને પોરબંદરને પેરીસ બનાવવાને બદલે શિકાગો બનાવનારાઓ સામે કડક હાથે કામગીરી થવી જોઇએ તેવી રજુઆત થઇ હતી.
પોરબંદરમાં બેઠકની પૂર્ણાહુતિ બાદ જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવવા મોટી સંખ્યામાં આગેવાનો જીલ્લા પોલીસવડાની કચેરી ખાતે દોડી ગયા હતા અને એસ.પી. શોભા ભુતડાને લેખીત આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, પંકજભાઇ મજીઠીયા તેમના નિવાસ સ્થાને રાત્રે હતા ત્યારે ફુલસ્પીડમાં કાર લઇને કચડી નાખવા માટે જ આવેલ હતા તે સ્પષ્ટપણે સીસી ટીવી ફુટેજમાં જણાઇ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ આરોપી ભલા મૈયારીયા ગુન્હાહીત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ તેના નામે પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ રજીસ્ટર થયા છે તેથી ગુન્હાહીત ઇતિહાસ ધરાવતા આરોપીને તાત્કાલીક પકડી લેવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી થઇ હતી.
દરમ્યાન આજે વહેલી સવારથી જ સમગ્ર શહેરની બજારો બંધના એલાનના પગલે બંધ રહેવા પામી હતી. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.