એક સમય હતો જ્યારે શોટ લેવામાં ખૂબ જ ઈન્ટરેસ્ટ લેવાતો: અમિતાભ


મુંબઈ તા,12
અમિતાભ બચ્ચનનું કહેવું છે કે ફિલ્મમેકિંગની ટેક્નોલોજી એટલી વધી ગઈ છે કે હવે પહેલાંના સમયની જેમ તમામ બાબતોને યાદ નથી રાખવી પડતી. અમિતાભ બચ્ચન હાલમાં બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહ્યા છે અને એ દરમ્યાન વચ્ચે તેઓ ઍડનું પણ શૂટિંગ કરે છે. ફિલ્મમેકિંગ વિશે વધુ જણાવતાં અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર લખ્યું હતું કે એક સમય હતો કે શોટ આપતી વખતે એમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ લેવામાં આવતો હતો. જે-તે વ્યક્તિએ તેના પાત્ર પર ખૂબ જ ધ્યાન આપવું પડતું, પાત્રએ શૂટિંગ દરમ્યાન કઈ દિશામાં જવું અને ક્યારે ટર્ન કરવું વગેરે માટે નિશાની રાખવામાં આવતી હતી. ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી દ્વારા ક્યાં વધુ લાઇટ છે એને આધારે અમારે ઍક્ટિંગ કરવાની રહેતી હતી. દરેક લાઇનને બોલવામાં આવતી હતી અને દરેક શબ્દને ચેક કરવામાં આવતો હતો કે એનો કોઈ અન્ય મતલબ તો નથી નીકળતોને. જો એવું હોય તો એ માટે નવા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આ સાથે જ મેકઅપ અને હેર માટે પણ ખૂબ જ કાળજી લેવામાં આવતી. હાથ-પગ અને ચહેરાની પોઝિશન પણ ખાસ યાદ રાખવામાં આવતી હતી. શૂટિંગ દરમ્યાન બ્રેક લેવામાં આવે અથવા તો રીટેક લેવામાં આવે તો પણ આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હતું.
એક ભૂલ થઈ અને ફરી શૂટિંગ પહેલેથી કરવું પડતું અને એ જ્યાં સુધી ફાઇનલ કરવામાં ન આવે ત્યાં સુધી વારંવાર કરવું પડતું. આ માટે ઍક્ટરે તમામ બાબતો યાદ રાખવી જરૂરી હતી. જોકે આજના ફિલ્મમેકિંગમાં ટેક્નોલોજી એટલી વધી ગઈ છે કે ઍક્ટરે ખાસ કંઈ યાદ રાખવું નથી પડતું.