શિક્ષાધામને જ મથાવડા ગ્રામજનોએ કરી તાળાબંધી


ભાવનગર તા.12
શૈક્ષણીક સત્રના નવા વર્ષના પ્રારંભથી જ તળાજાના મથાવડા ગામની સરકારી પ્રા.શાળામાં ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. પંદર દિવસ પહેલા શાળાની જ કમીટી દ્વારા તાલુકા પ્રા.શિ. અધિકારીને પત્ર પાઠવી, સહીઓ સાથે ચાર શિક્ષકોની બદલી બાબતે અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યુ હતું. પરંતુ ટીપીઓ પંદર દિવસ સુધી યોગ્ય નિરાકરણ લાવવામાં બેદરકાર રહેતા તાળાબંધીને લઈ પોલીસ બંદોબસ્ત માગવાની નોબત આવી હતી. વીસ દિવસમાં યોગ્ય કરવાની ટીપીઓની ખાતરી આપવી પડી હતી.
અલંગ નજીકના મથાવડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા બે શિક્ષકો વિરૂધ્દ દુષ્કર્મ આચરવું અને મદદગારી કરવી તેવા લાગેલ આરોપો બાદ ગત તા.24/5/18ના રોજ શાળાની એસએમસી કમીટી દ્વારા તળાજા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને આજ શાળાના ચાર શિક્ષકો ધાંધલ્યા નરેશભાઈ બટુકભાઈ, જાળેલા હરેશકુમાર કરૂણાશંકર, ભટ્ટ જસવંતરાય શિવશંકર, રાવળ રમેશચંદ્ર જાગેશ્ર્વરભા, વિરૂધ્ધ નબળી કામગીરી અને વાલી સાથેનું વર્તન સંતોષજનક ન હોય તેનો રીપોર્ટ કરેલ હતો.
શાળાની એસએમસી કમીટીના 13 સભ્યોની સહી સાથે પંદર દિવસથી રીપોર્ટ થયા છતા તળાજાના પ્રા.શિ. અધિકારીએ જવાબદારી સાથે મધ્યસ્થી બની કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, શાળા ખાતે હલ્લોબોલ ન થાય તેવું કામ કરવામાં બેદરકારી દાખવી હતી.
જેને લઈ આજે ખુલતા વેકેશને જ શાળા ખાતે શિક્ષકો આવે તે પહેલા જ શાળા ખાતે ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ હલ્લાબોલ કરી દીધો હતો. તાળાબંધી કરી દીધી હતી.
જેને કારણે અલંગ સરલ અને મરીન પોલીસ બંને કચેરીના પોલીસ અધિકારીને ટીમ સાથે કાયદો વ્યવસ્થા જાળવવા દોડી જવુ પડયુ હતું. પોસઈ ટી.સ. રીઝવીએ શિક્ષણ અધિકારીની ફરજ નિષ્ઠાના પાપે ઉશ્કેરાયેલ ગ્રામજનોને કાયદો હાથમાં ન લેવા જાહેરમાં સમજાવવા પડયા હતા.
બબાલના પગલે શિક્ષણ અધિકારી અને પ્રા.શાળા શિક્ષક સંઘના પ્રમુખ શાળા ખાતે દોડી ગયા હતા લોકોને સમજાવી દિવસ 20માં યોગ્ય કરવાની ખાત્રી ગ્રામજનોને આપતા શૈક્ષણીક કાર્ય શરૂ થયુ હતું.