હમ સાથ સાથ હૈ! PSI, PC લાંચમાં પકડાયા, હેડ કોન્સ્ટેબલ, LRD શંકામાં


ભાવનગર તા.12
ભાવનગર લાંચરૂશ્વત વિરોધીખાતાના સ્ટાફે બોટાદનાં પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલને રૂા.25 હજારની લાંચના છટકામાં ઝડપી લેતાં ચકચાર મચી જવા પામી હતી.
આ બનાવમાં મહિલા એલ.આર.ડી. અને પોલીસ હેડ કોન્સ્ટેબલને પણ શકદાર તરીકે દર્શાવાયા છે. મળતી વિગતો મુજબ બોટાદના સંજયભાઇ વિહાભાઇ રાઠોડે પોતાનો આઇશસ ટેમ્પો અન્ય વ્યકિતને વેચાંણથી આપ્યો હતો. જેમાં ખરીદનાર વ્યકિત હપ્તાનાં પૈસા નહિ ભરતા ફાઇનાન્સ કંપની દ્વારા સંજયભાઇ રાઠોડને નાણા ભરવા નોટીસ અપાતા આ મુદ્દે બંન્ને વચ્ચે વિવાદ થયેલ અને બોટાદ પોલીસ સ્ટેશનમાં અરજી અપાઇ હતી. આ અંગે બંન્ને વચ્ચે સમાધાન કરાવી કોઇ કાર્યવાહી નહીં કરવા અંગે બોટાદના પો.સ.ઇ. વી.વી. વસૈયાએ રૂા.30 હજારની માંગણી કરી હતી. અને આ.25 હજારની રકમ ફિકસ થઇ હતી. આથી ટેમ્પા માલીક સંજયભાઇ રાઠોડએ આ અંગે લાંચ રુસ્વત વિરોધી ખાતાને જાણ કરતાં લાંચરુશ્વત વિરોધી ખાતા ભાવનગરનાં પી.આઇ. ઝેડ.જી. ચૌહાણ, હેન્કો, સતીષભાઇ ચૌહાણ, મહાવીરસિંહ વિગેરેએ છટકું ગોઠવી પી.એસ.આઇ ની સૂચનાથી રૂા.25 હજારની લાંચની રકમ લેતા પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઇ વિરજીભાઇ પરમારને તથા પી.એસ.આઇ. વી.વી. વસૈયાને પણ ઝડપી લીધા હતા. જો કે લાંચની રકમ સગેવગે થઇ હતી જેમાં એલ.આર.કે. મહિલા કર્મચારી રિમિકા મકવાણા અને હે.કો. સંજય આલગોતર લાંચની પાવડર છાંટેલી આ રકમ લઇ ત્યાંથી ભાગી છુટયા હોવાની એસીબીએ શંકા જતાવી શકદાર તરીકે તેની સામે પણ ફરીયાદ નોંધાવી છે. આ બનાવથી પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી.