સપને સુહાને


નહીં તો સિતારા હોય નહીં આટ આટલા
કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે
- અમૃત ઘાયલ
માણસને માત્રને સપના જોવા સજાવવાનો હકક ગણો કે, શોખ હોય છે અને હોવો જ જોઈએ કારણ કે સ્વપ્ન જોઈ તેને પુરુ કરવાનો પ્રયાસ એટલે જીવન જેની આંખમાં સપના ખલાસ થઈ જાય તો સમજો કે પુરુ !
બાળક સમજણ કેળવે એટલે પોતની હેસિયત પ્રમાણે સાયકલ લેવાના એવા સપના જોતો હોય છે. તારુણ્ય આવતા વિજાતિય પાત્રના સોણલા સેવવા લાગે છે. યુવાન બન્યા પછી કરિયર લગ્ન અને લગ્ન પછી સુખી સંસાર બાળકોની સારી પરવરિશના સપના જોતો હોય છે. આમ એક પછી એક સપના જોવા પુરા કરવા પાછળ જીવન ચાલતું રહેતું હોય છે પરંતુ એ શકય નથી કે માણસના તમામ સપના પુરા થઈ જાય !
અમૂક સપના જોવામાં એવા સુંદર હોય છે કે જાણે જોયા જ કરીએ પરંતુ તે પુરા થઈ શકતા નથી. આ વાત કવિ આકાશના તારા સાથે સરખાવતા કહે છે કે આટલા સિતારાએ બીજું કંઈ નહીં પણ કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે !
એ લગોલગ આવતુને દૂર ચાલી જાય છે
રોજ શમણામાં સદા દુખતુ રહે એ કોણ છે ?
- હિતેશ દેસાઈ
સ્વપ્નની વાત ચાલી રહી છે ત્યારે દિનેશ દેસાઈનો આ શેર પણ યાદ કરવા જેવો છે. સ્વપ્ન હંમેશા ધુંધળુ દેખાતું હોય છે. બહુધા એવું બનતુ હોય છે કે જ્યાં સપનાની નજીક પહોંચાય ત્યાં આંખ ખુલી જતા નજીક આવેલુ સપનું દૂર ચાલ્યુ જાય છે પરંતુ એક પ્રશ્ર્ન સર્જાય છે કે રોજ સપનામાં કોઈ સુંદર ચહેરો દેખાય ન દેખાય ત્યાં અદ્રશ્ય થઈ જાય છે. આમ આપણી સાથે આવુ છળ કરનાર એ છે કોણ ? તે પ્રશ્ર્ન પણ આસ્થાને તો નથી જ.
ફળે જો સ્વપ્ન તો ઝળહળ અમે પ્રભાત છીએ
તૂટે જો સ્વપ્ન તો ફૂલોનો અશ્રુપાત છીએ
- ભગવતી કુમાર શર્મા
સ્વપ્ન તો સૌ જોતા હોય છે પરંતુ જોયેલા સપના હકીકત બને તેવું દર વખતે નથી બનતું. સપના જોવાની એક મજા હોય છે. કારણ કે વાત ધારવાની જ હોય એટલે તેમાં ગોળની જગ્યાએ બરફી વાપરતા કોણ રોકવાનુ છે ? તેમાં પણ જો જોયેલુ સપનું સાચુ પડી જાય તો આનંદની કોઈ સીમા નથી રહેતી. પણ હા તેમાં એક જોખમ પણ છે કે જો સ્વપ્ન તુટી જાય તો દુ:ખ પારાવાર થતુ હોય છે. આસ્વાદ । બાલેન્દુ શેખર જાની