નવા શૈક્ષણિક સત્રનાં ‘શ્રી ગણેશ’

માથે તિલક, હાથમાં શ્રીફળ-સાકરનો પડો અને ભીની આંખે સ્કૂલે પહોંચ્યા ‘એકડિયા’ના વિદ્યાર્થીઓ... 35 દિવસનું ઊનાળુ વેકેશન પૂર્ણ: 14મીથી બે તબક્કામાં રાજ્યભરમાં યોજાશે ‘પ્રવેશોત્સવ’
રાજકોટ તા.11
છેલ્લા 35 દિવસથી સૂમસામ ભાસતી શાળાઓ આજથી બાળકોના કલબલાટથી ગુંજી ઉઠી છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સામાન્ય રીતે 29 દિવસનું ઉનાળુ વેકેશન હોય છે પરંતુ આ વખતે રાજ્ય સરકારે શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરી વેકેશન લંબાવાયુ હતું. પ્રથમ દિવસે શાળાઓએ વિદ્યાર્થીઓને મીઠા મોઢા કરી આવકાર્યા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ધો.1માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને શાળાઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા. શ્રીફળ અને સાકરના પડા સાથે આંખોમાં આશુ અને ચહેરા પર નવા માહોલ અંગેની જીજીવિશા સાથે માતા-પિતા સાથે સ્કૂલે આવેલા નાના-નાના નિશાળિયાઓને સ્કૂલો દ્વારા મોઢા મિઠા કરાવી અને તિલક કરી આવકારાયા હતા.
ગત તા.7મી મેથી ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યભરની સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઈવેટ 43 હજારથી વધારે શાળાઓમાં ઉનાળુ વેકેશન પડ્યુ હતું. જોકે હજુ સુધી રાજકોટ - સૌરાષ્ટ્રમાં વરસાદ ન પડતા અસહ્ય ગરમી પડી રહી હોવા સાથે આ વખતે વેકેશન લંબાવાયુ હતું. જોકે સરકાર દ્વારા કયા કારણોથી આ વખતે ઉનાળુ વેકેશન લંબાવાયુ છે તે જાહેર થયું નથી. આજથી જ શાળાઓ ધમધમવા લાગી છે ત્યારે વાલીઓ, વિદ્યાર્થીઓ દ્વારા અઠવાડિયા પૂર્વે જ તૈયારીઓ શરૂ થવા લાગી હતી. ગણવેશ, નવા પાઠ્ય પુસ્તકોની ખરીદી, સ્કૂલે લાવવા - લઈ જવાની વ્યવસ્થા, દફતર વગેરેની તૈયારીમાં વાલીઓ મશગુલ હતા. આજે સ્કૂલો શરૂ થતાં જ હવે 14મીથી બે તબક્કમાં રાજ્યભરની શાળાઓમાં સરકાર દ્વારા પ્રવેશોત્સવ ઉજવાશે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોની શાળામાં નવા વર્ગ ખંડો, લાયબ્રેરી, નવા સાધનોનું લોકાર્પણ થશે અને વિદ્યાર્થીઓને સાધન-સહાય અર્પણ કરાશે. (તસવીર: પ્રવીણ સેદાણી)