પોરબંદરનાં તોફાની દરિયાએ વૃધ્ધાનો ભોગ લીધો: અરેરાટી


પોરબંદર,તા.11
પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા મોતીબેન બાબુલાલ શિયાળ (ઉ. વર્ષ 60) નામના વૃદ્ધા તેમના આડોશપાડોશમાં રહેતી મહિલાઓ સાથે પવિત્ર અગીયારસનું સમુદ્રસ્નાન કરવા ચોપાટી પર ગયા હતા. કનકાઈ મંદિર નજીક ગાંધી સ્મૃતિભવનના આગળના ભાગે દરિયો એકદમ રફ હતો અને ઉંચા મોજા ઉછળી રહ્યા હતા. તેવામાં જોતજોતામાં સાતેક વાગ્યેના સુમારે એક તોફાની મોજું ઉછળીને આવતા મોતીબેન દરિયામાં ખેંચાવા લાગ્યા હતા. જેથી ત્યાં ઉપસ્થિત મહિલાઓએ અને યુવતીઓએ બુમાબુમ કરી મૂકી હતી. આથી આસપાસમાં નહાવા આવેલા કેટલાક તરવૈયા યુવાનોએ જીવના જોખમે દરિયામાં ઝંપલાવ્યું હતું અને મોતીબેનને બહાર ખેંચવાની કોશીષ કરી હતી. પરંતુ મોજાનું જોર વધારે હોવાથી યુવાનો પણ ખેંચાવા લાગતા તેઓ થોડે દૂર આવી ગયા હતા અને થોડીક ક્ષણો બાદ ફરી તોફાની મોજું આવે તે પહેલા આ યુવાનોને મોતીબેનને પકડવામાં સફળતા મળી હતી અને તેમને કાંઠે પહોંચાડી દીધા હતા. બીજી બાજુ ત્યાં તરવા આવેલી મહિલાઓ અને યુવતીઓ પૈકી એક યુવતી પાણી પી ગયેલી વ્યક્તિને બચાવવા માટેનું પમ્પીંગ કરવા માટેની અનુભવી હોવાથી તેણે વૃદ્ધાના શરીર ઉપર ભાર દઈને બન્ને હાથે પમ્પીંગ શરૂ કર્યું હતું. તો બીજી બાજુ મોર્નિંગ વોકમાં નીકળેલા પોરબંદરના રીપોર્ટર-પ્રેસ ફોટોગ્રાફર જિજ્ઞેષ પોપટે પણ આ ઘટના જોતા તાત્કાલીક 108 ને જાણ કરી દીધી હતી અને તાત્કાલીક વૃદ્ધાને મદદ મળે તે માટે વિનંતી કરી હતી.
ફોન કર્યાની 6 મિનીટની અંદર જ 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી તાત્કાલીક વૃદ્ધાને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે પહોંચાડી દીધા હતા. બીજી બાજુ તેના પરિવારજનોને જાણ કરવામાં આવતા મોતીબેનના પુત્ર અને પોરબંદરમાં વિશ્ર્વમ્ કેબલ નેટવર્ક સર્વિસ ધરાવતા ખારવા આગેવાન નરેન્દ્રભાઈ શિયાળ સહિત પરિવારજનો પણ હોસ્પિટલે પહોંચી ગયા હતા. ફરજ પરના તબીબે વૃદ્ધાની પ્રાથમિક સારવાર કરી હતી. પરંતુ થોડા સમયની સારવાર બાદ મોતીબેનનું કરૂણ મૃત્યુ થતા પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો. સૌના સહીયારા પ્રયાસો છતાં તેમનો જીવ બચી નહીં શક્યાનો અફસોસ નજરે ચડતો હતો.
આમ, પોરબંદરના સમુદ્રમાં ડૂબી જવાને કારણે વૃદ્ધાનું મોત થતા ભારે અરેરાટી જન્મી હતી.