ધો.10 અને 12માં રચનાત્મક પ્રવૃત્તિ પર પાબંદી: યોગ્ય છે ?

ઇત્તર પ્રવૃત્તિ જનરલ નોલેજ વધારે છે તેમજ ફોરેન ક્ધટ્રીઝમાં અભ્યાસ કરવામાં પણ આ બધા સર્ટિફિકેટ ઉપયોગી છે વિદ્યાર્થીકાળ એટલે શાળાજીવન અને વચ્ચે મળતાં વેકેશનનો આનંદ માણવાનો સવર્ણ કાળ. અન્ય કોઇ તાણ જવાબદારી કે ચિંતા વિના ફકત અભ્યાસમાં ધ્યાન પરોવી આનંદ સાથે જીવન ઘડતર કરવાનો શ્રેષ્ઠ સમય. દોઢેક મહિનાનાં વેકેશનમાં સજી-ધજીને શાળાઓ વિદ્યાર્થીઓને પુન: પોતાનાં આંગણામાં આવકારવા સજ્જ થઇ ગઇ છે. વેકેશનમાં તદન શાંતિથી અકળાયેલી અને સુની થઇ ગયેલી શાળાઓ સોમવારથી પુન: ગુંજી ઉઠશે. વિદ્યાર્થી મિત્રો પણ નવા ધ્યેયો પાર પાડવા નવા યુનિફોર્મ, નવા પુસ્તકોથી નવો અભ્યાસ કરવા માટે થનગનતા શાળામાં પહોચી જશે. શિક્ષક મિત્રો પણ આ સમયગાળા દરમ્યાન આરામ કરીને તથા પોતાનાં કૌશલ્યોને સ્વ-અધ્યયન દ્વારા સંમાર્જિત કરીને નવા સત્રમાં નવી પેઢીનાં ઘડતરની પ્રક્રિયામાં જોડાઇ જશે.
એમાં પણ જે મિત્રો ધો.નવ તથા અગિયાર પાસ કરીને ધો.દસ અને બારનાં વર્ષમાં આવ્યા છે એ મિત્રો તો વેકેશનમાં પણ સઘળા આનંદ-પ્રમોદ. પ્રમાદ અને પ્રલોભનોને દુર રાખીને બોર્ડનાં પરિણામમાં ધાર્યા નિશાન સર કરવા અભ્યાસમાં લાગી ગયા છે. અર્જુનને જેમ ફકત પક્ષીની
આંખ જ દેખાતી હતી એમ બોર્ડના વિદ્યાર્થીઓનું સઘળું લક્ષ્ય માર્ચ-ર019 ની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા પર પરોવાયેલ છે.
આવા સમયે આ વિદ્યાર્થીઓના માતા-પિતા પણ તનાવ અનુભવતા હોય છે. ઘરનું સમગ્ર વાતાવરણ ધનુષ્યની પણછ જેવું તંગ થઇ જાય છે. અભ્યાસને પ્રોત્સાહક વાતાવરણ સર્જવા અભિભાવકો પણ સંતાનનું ધ્યાન વિચલિત કરે તેવી પ્રવૃતિઓ બંધ કરી દે છે તથા સંતાનને પણ તમામ ઇત્તર પ્રવૃતિઓ બંધ કરાવી અભ્યાસ કરવા પ્રેરે છે. બાળક સંગીત, નૃત્ય કે અન્ય કોઇ કલાની તાલીમ લેતું હોય. રમત-ગમતની સંસ્થા સાથે જોડાયેલ હોય કે અન્ય કોઇ રચનાત્મક પ્રકલ્પનું સભ્ય હોય તો પણ આ એક વર્ષ માટે તમામ પ્રવૃત્તિમાં રોક લગાવી દેવામાં આવે છે. બાળકને સતત યાદ અપાવ્યા કરાય છે કે આ કારકીર્દી માટેનું અગત્યનું વર્ષ છે અને જો સારૂ પરીણામ નહીં આવે તો ભાવિ અંધકારમય છે !
બસ આ જ બાબત વિશે આપણે આજે વાત કરવી છે. ધો.દસ અને ધો.બારનાં વર્ષો કારકીર્દી ઘડતરમાં અગત્યનાં છે એ બાબતમાં કોઇ બેમત નથી. સતત અને સઘન અભ્યાસ દ્વારા જ ઉચ્ચ પરીણામ લાવી શકાય અને ઇચ્છીત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકાય એ વાસ્તવિકતાથી પણ કોઇ તકરાર નથી પણ એ માટે બાળક પર અભ્યાસ સિવાયની તમામ પ્રવૃતિઓ પર જે સંચારબંધી લાદી દેવાય છે એ કેટલા અંશે યોગ્ય છે ? ખરેખર ઇતર પ્રવૃતિઓ બાળકનો સમય બગાડે છે ? તેઓ ખરેખર બાળકના અભ્યાસમાં અવરોધ ઊભો કરે છે? આ બાબત ગહન વિચાર માગી લે છે.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અભ્યાસ સિવાયની પ્રવૃતિઓ એ કારકિર્દી-ઘડતરનાં વર્ષોમાં સમયનો વેડફાટ છે પરંતુ ખરું જોતા એ વાત તદન તથ્યહીન છે. સારા પરીણામ માટે જરૂર છે આયોજનબદ્ધ, શિસ્તબદ્ધ અને સમજપૂર્વકના અભ્યાસની. સાથે સાથે સ્વાસ્થ્યની કાળજી પણ અનિવાર્ય. આપણે જાણીએ જ છીએ કે સ્વસ્થ મન સ્વસ્થ શરીરમાં જ નિવાસ કરે. આથી નીચેના બાબતો પર લક્ષ આપવામાં આવે તો તે ચોક્કસપણે વિદ્યાર્થીઓને ઉપયોગી થઇ પડશે અને ફકત પસ્તકિયાં જ્ઞાનનાં એકાંગી વિકાસને બદલે વિદ્યાર્થીનાં વ્યકિતત્વના સર્વાંગી અને સમતોલ વિકાસમાં મદદરૂપ થશે.
શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં કહ્યું છે
‘સમત્વં યોગ ઉચ્યતે’ અને અંગ્રેજીમાં કહેવત છે. ‘અહહ ૂજ્ઞસિ ફક્ષમ ક્ષજ્ઞ ાહફુ ળફસયત ઉંફભસ ફ મીહહ બજ્ઞુ !‘ આ બધા અનુભવ વાકયો પણ અભ્યાસની સાથે સાથે મનોરંજક ઇતર પ્રવૃતિઓનાં મહત્વને પ્રસ્થાપિત કરે છે. ઉપરાંત બોર્ડમાં પ્રથમ દસ ક્રમાંકે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં જે અભ્યાસ પધ્ધતિ જણાવે છે તેઓ પણ સ્વીકારે છે કે શિસ્તબધ્ધ અને સમયપત્રક અનુસારના અભ્યાસની સાથે દિવસનો થોડો સમય હળવાશથી વિતાવવો પણ આવશ્યક છે. હા, મનોરંજન અભ્યાસ પર હાવી ન થઇ જાય એ માટે તો જાગૃત રહેવું જ રહ્યું !
તો પ્રિય યુવાઓ. આવો આપણે સર્વાંગી વ્યકિતત્વ વિકાસને ધ્યાનમાં રાખી અભ્યાસ અને ઇતર પ્રવૃતિઓ વચ્ચે સંતુલન જાળવી કારકિર્દીનાં લક્ષ્યાંકો સિધ્ધ કરવા તરફ અગ્રેસર થઇએ. માતા-પિતા, અભિભાવકો શિક્ષકમિત્રોને વિનંતી કે આપણા સંતાનની પ્રતિભાને યોગ્ય માર્ગદર્શન સાથે પુરતી મોકળાશ પણ આપીને મુકત રીતે વિકસવા દઇએ. બીનજરૂરી સુચનો, ટોણા કે કટુ વચનોથી તેમનામાં ભય, અસલામતી, તાણ, અભ્યાસ પ્રત્યે તિરસ્કાર કે ઘણા જેવા ભાવો ન ઉદભવે તેની કાળજી રાખીએ. અભ્યાસનું મહત્વ તો સમજાવીએ જ પણ કોઇ પરીક્ષા અંતિમ હોતી નથી. કોઇ નિષ્ફળતા આખરી હોતી નથી અને જીવન સ્વયં કોઇપણ મુલ્યાંકનો માર્કસ કે સફળતા કરતા કેટલું ય અધિક મુલ્યવાન છે એ પણ સમજાવીએ.
આપણી અપેક્ષાઓ એમના પર ન થોપીએ પરંતુ એમનાં સ્વપ્નોને સાકાર કરવામાં આપણા અનુભવનું યોગદાન આપીએ અને ભાવિ પેઢીનાં શ્રેષ્ઠ ઘડતરમાં સહભાગી બનીએ.