નવી શરૂઆત આવકારી...નવા પડકારોને પાર કરી...જીવનની મંઝિલ મેળવીએ

શાળા કોલેજોની શરુઆત થઇ ગઇ છે. કેટલાકને નવી શાળામાં પ્રવેશ હશે તો કેટલાકને કોલેજના પગથિયા ચડવાની ઉત્સુકતા હશે. કેટલાકને નવી શાળા કોલેજ સાથે નવી જગ્યા, નવા શહેર અને નવા સહપાટીનો સામનો કરવો પડશે. જૂના મિત્રો, જૂની શાળા, જૂના શિક્ષકો બધુ જ છોડવાનું મનમાં દુ:ખ થશે. પરંતુ નવા વાતાવરણમાં પ્રગતિની પાંખો ફેલાવવાની તક મળશે. જયારે જયારે પરિવર્તનનો સામનો કરવાનું આવે છે ત્યારે તેનો આરંભ પીડાદાયક હોય છે પણ એકંદરે તે પ્રગતિના પંથે લઇ જનારું હોય છે.
તમે યાદ કરો કે જયારે નર્સરી કે કે.જી.માં પ્રવેશ કર્યો ત્યારે મમ્મીનો હાથ પકડીને ખુબ રડયા હશો છતા ધીમે ધીમે ટીચર અને નવા નવા તમારા જેવા ટબુકડા સાથે દોસ્તી થતા એ જ શાળાએ જવાનું ગમવા લાગ્યું. ત્યારબાદ ફરી વર્ષ પુરુ થતા પોતાના ગમતીલા દોસ્તો બીજા કલાસમાં જતા ફરી નવા મિત્રો, શિક્ષકોનો સામનો કરવાનું આવ્યું. ધો.10 સુધી આમ જ ચાલ્યું. કેટલાક વિદ્યાર્થીઓ સાથે પાક્કી દોસ્તી થઇ ગઇ ત્યાં ધો.10માં જુદા જુદા વિષયોની પસંદગીએ ફરી મિત્રોથી વિયોગ આવ્યો. સાયન્સ, કોમર્સ અને આર્ટસ વિષયો ભણવાની સાથે જીવનની આછી આછી દિશાઓ નક્કી થવા લાગી. કોઇ વિષયના અભ્યાસ કોઇ ખાસ શહેરમાં વધુ સારો લાગતા શાળા ઘર અને શહરે છોડવાનો વારો આવ્યો. નવી જગ્યાએ નવા રસ્તા, નવા સ્થળો, નવા લોકો મળ્યા. બહારથી બધી પ્રવૃતિ કરતા કરતા પણ અંદર એક ખુણો એકલવાયો લાગતો. સમય જતા એ એકલવાયો ખુણો નવા દોસ્તો અને નવા સંબંધોથી ભરાવા લાગ્યો. આમ એ નવા દોસ્તો અને નવી જગ્યાએ જુના સંબંધોની જગ્યા લઇ લીધી સમજાયું જ નહીં. અભ્યાસ પુરો થયા બાદ એજ શહેરમાં નોકરી પણ મળી ગઇ જે પોતાનું ગામે જવાનું છાસવારે મન થતુ ત્યાં જવાનું ધીમે ધીમે સમયના અભાવે ઓછું થતું ગયુ અને પછી તો સમય હોય તો પણ એ જગ્યાએ જવાનું મન ઓછું થવા લાગ્યું અને એક સમય એવો આવે છે કે જે શહેરને નવુ ગણીને આપણે સ્વીકારતા નહોતા. એ જ શહેરે આપણને સ્વીકારીને ઘણું બધું આપ્યું કે પછી એ જગ્યા જ પોતીકી લાગવા માંડી.
આમ દરેક નવી શરુઆત અણગમતી હોય છે. દરેક પરિવર્તન સ્વીકાર્ય હોતુ નથી. પરંતુ એજ પરિવર્તન પ્રગતિની સીડી બને છે. અત્યારે ધો.10માં વિષય સિલેકટ કરવાની સાથે મિત્રોને છોડવાનો વિચાર આવશે કોલેજમાં જવા સાથે જુના શિક્ષકો યાદ આવશે પણ એ બધાની મીઠી મધુરી યાદ લઇને આગળ વધવાનું છે જે પગથિયા પર ચડીને આપણે ઉપર પહોંચ્યા છીએ તેને ભુલી જવાનું નથી. આ નવી શરુઆતની અસર ફક્ત ભણવામાં જ થાય છે. એવું નથી જીવનના દરેક તબકકે આ અનુભવ થશે જ. વાત નોકરીની હોય કે બિઝનેસની, નવા સગા સંબંધીઓ સાથેના સંબંધીની હોય કે પછી લગ્નપ્રસંગની ઘટના હોય દરેક જગ્યાએ કંઇક નવું પ્રાપ્ત કરવા, નવી વસ્તુને પામવા તેનો સ્વીકાર કરવો જ પડે છે જયારે દીકરી સાસરે જાય છે તો કેટકેટલા નવા સંબંધોને ગળે લગાડવા પડે છે પરંતુ ત્યારબાદ એ જ નવા સંબંધો તેના પોતીકા બની જાય છે. તેથી ભણતર, નોકરી અને પ્રગતિમાં નવી ચેતના, નવા સૂર્યનો, નવી સોનેરી તકોનો સ્વીકાર કરીને જીવનની મંજીલ પામીએ. અલગ અભ્યાસ હોય, નવી નોકરી હોય કે પછી નવો સંબંધ હોય દરેકને સ્વીકારી નવી િ ક્ષતિજો પામીએ