અમદાવાદ, સુરત અને ભાવનગરના મેયર જાહેર

 અમદાવાદમાં બિજલબેન પટેલ, સુરતમાં ડો.જગદીશ પટેલ અને ભાવનગરમાં મનહર મોરી
અમદાવાદ તા.14
આજે ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને ભાવનગરના મેયર અને નવી ટર્મના સદસ્યોની જાહેરાત કરાઈ હતી. જેમાં બિજલ પટેલને અમદાવાદના મેયર, ડો.જગદીશ પટેલને સુરતના અને મનહર મોરીને ભાવનગરના મેયર નિમણૂંક કરાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના અઢી વર્ષની બીજી ટર્મના નવા મેયર અને ડેપ્યુટી મેયરની આજે વરણી કરાઈ હતી. જેમાં મેયર તરીકે બિજલ પટેલ, ડે. મેયર તરીકે દિનેશ મકવાણા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે અમુલ ભટ્ટની નિમણૂંક કરાઈ છે. બિજલ પટેલ અઢી વર્ષની ટર્મ માટે મેયર બન્યા છે. તેમજ સ્ટેડન્ડીંગ કમિટીના 12 સદસ્યોની પણ જાહેરાત કરાઈ છે. આ નિમણૂંકમાં જ્ઞાતિ આધારિત સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. આજે ગુરુવારે સવારે ચૂંટણી યોજાઈ હતી. પરંતુ આ પહેલા પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ પદ માટેના ઉમેદવારોની નામો જાહેર ન કરતા સસ્પેન્સ વધુ ઘેરુ બન્યું હતું. દેખીતી રીતે જ આ ટર્મનું મેયરપદ મહિલા માટે અનામત હોવાથી ભાજપની 70 જેટલી મહિલા કોર્પોરેટરો પૈકી 15 સિનીયર અને 10 જુનિયર મહિલાઓને જ્ઞાતિ, ગોળ અને વોર્ડના સમીકરણો સાથે પોતાના ગોડફાધરો દ્વારા મરણિયા પ્રયાસો કર્યા હતા.
સુરત મેયર ડેપ્યૂટી મેયરના નામની જાહેરાત
સુરતનાં નવા મેયરની પણ આજે જાહેરાત કરાઈ છે. જેમાં ડો.જગદીશ પટેલને સુરતના નવા મેયર બનાવાયા છે. તો ડેપ્યૂટી મેયર તરીકે નીરવ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અનિલ ગોપલાણીની વરણી કરાઈ છે. શાસક પક્ષનાં નેતા તરીકે ગિરજાશંકર મિશ્રા, દંડક તરીકે દક્ષાબેન જરીવાલાની વરણી કરાઈ છે. નિમણૂંક બાદ નવા મેયર જગદીશ પટેલે જણાવ્યું કે, હું મારી જવાબદારી શ્રેષ્ઠ શક્તિથી પૂર્ણ કરીશ. ઉલ્લેખનીય છે કે, સુરતના નવા મેયરના નામો માટે નીરવ શાહ, કાંતિ ભંડેરી અને જગદીશ પટેલ વચ્ચે કાંટાની ટક્કર હતી. આ ત્રણેય ઉમેદવારો વચ્ચે રેસ હોવાનું પહેલાથી જ ચર્ચાઈ રહ્યું હતું. જેમાં જગદીશ પટેલ બાજી મારી ગયા.
ભાવનગરના નવા મેયર તરીકે મનહર મોરીના નામની જાહેરાત કરાઈ છે. મનહર મોરી ભાવનગરના 20મા મેયર બન્યાં છે. તેમજ ડેપ્યૂટી મેયર તરીકે અશોક બારૈયાની નિમણૂંક કરાઈ છે. યુવરાજસિંહ ગોહિલને ભાવનાગર મહાનગરપાલિકાના સ્ટે.કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક કરાઈ છે. શાસકપક્ષનાં નેતા તરીકે પરેશ પંડ્યા અને દંડક તરીકે જલવીકાબેન ગોંડલિયાની વરણી કરાઈ છે.