આદ્રા નક્ષત્રમાં જૈનો કરશે કેરી ત્યાગ

તા.22 શુક્રવારે
સવારે 11-12 મિનિટે
સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ
સાથે જૈનો કેરી ત્યાગ કરશે આયુર્વેદિક તેમજ વૈજ્ઞાનિક
દ્રષ્ટિએ પણ અમુક ફળફળાદિ શાકભાજી ખાવા હિતાવહ નથી જૈનધર્મ અહિંસાના પાયા પર રચાયેલ ધર્મ છે જયાં સુક્ષ્મમાં સુક્ષ્મ જીવોની રક્ષાની વાત કરવામાં આવે છે પાણીથી લઇને ફળ શાકભાજી વગેરેના સુક્ષ્મ જીવોની હિંંસા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે એટલુંજ નહીં પરંતુ હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા, ખાતા,પીતા, દરેક જગ્યાએ સુક્ષ્મજીવની હિંસાન થાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે. એનો પણ ચાતુર્માસના દિવસોમાં જ્યારે દરેક ચીજમાં સુક્ષ્મજીવની ઉત્પતિ વધુ પ્રમાણમાં થતી હોય ત્યારે જૈનો દરેક વસ્તુનો ત્યાગ કરે છે.
અમુક ઋતુમાં જે તે ખાદ્યચીજ વસ્તુ હોય છે તેમાં તે જ રંગની જીવાત, સુક્ષ્મજીવ ઉત્પન્ન થાય છે જે નરી આંખે દેખાતા નથી તેમ એ જીવહિંસાથી બચવા માટે જે તે વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે. જેમ કે કંદમૂળ કોબીજ, કેરી, કરમદા, જાંબુ, જેવા અનેક ફળ અને શાકભાજીનો ત્યાગ કરે છે.
એજ રીતે ચોમાસા દરમિયાન આદ્રા નક્ષત્રનો પ્રારંભ થતા જૈનો કેરીનો ત્યાગ કરે છે. કુલ 27 નક્ષત્રો હોય છે તેમાંથી 11 નક્ષત્ર વરસાદના હોય છે. સૂર્ય દર સવા તેર દિવસે એક નક્ષત્ર બદલે છે. ચોમાસાના પ્રારંભનું પ્રથમ નક્ષત્ર એટલે આદ્રા નક્ષત્ર. સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે એ સાથે વરસાદી વાતાવરણનો પ્રારંભ થાય છે.
વરસાદી વાતાવરણમાં જીવઉત્પતી વિશેષ થાય છે. આદ્રા નક્ષત્રનો પ્રારંભ થતા જ કેરી જેવા ફળમાં જીવાતની ઉત્પતી થાય છે તેથી એ જીવહિંસાથી બચવા માટે જૈનો કેરીનો ત્યાગ કરે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ કેરીનો ત્યાગ હિતાવહ છે.
આર્યુવેદમાં પણ આ નક્ષત્રમાં અમુક ચીજવસ્તુ ખાવાનો નિષેધ કરવામાં આવે આ વખતે જેઠ સુદ દસમ શુક્રવારે 11-12 કલાકે સૂર્ય આદ્રાનક્ષત્રનો પ્રારંભ થાય છે. એટલે આ સમયથી જૈનો કેરીનો ત્યાગ કરશે. સ્વાદની દ્રષ્ટિએ પણ જોઇએ તો કેરીનો સ્વાદ બદલાઇ જાય છે. તેથી સ્વાદ સ્વાસ્થ્ય અને સુક્ષ્મજીવોની રક્ષા માટે કેરીનો ત્યાગ હિતાવહ છે.