અમરેલી પાલિકા કોંગ્રેસે જાળવી રાખી પણ પ્રમુખ-ઉપપ્રમુખ પદે બળવાખોરો ચૂંટાયા

અમરેલી પાલિકા પ્રમુખ પદે જયંતિભાઇ રાણવા, ઉપપ્રમુખ પદે શકિલભાઇ કાદરી વિજેતા
કોંગ્રેસના 35 પૈકી 20 સદસ્યોએ વ્હીપની વિરૂદ્ધમાં કર્યુ મતદાન (મિલાપ રૂપારેલ) અમરેલી,તા.14
અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ-ઉપપ્રમુખની મુદ્દત પુરી થતાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની આજે અમરેલી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી રૂક્ષ્મણીબેન બાલમંદિરમાં યોજાતા કોંગ્રેસમાંથી વોર્ડનં.-2માંથી ચૂંટાયેલા જેન્તીભાઇ રાણવા પ્રમુખ તરીકે અને શકિલભાઇ કાદરી ઉપપ્રમુખ તરીકે ચૂંટાય આવ્યા હતા. આ બન્ને સહિત કુલ 15 કોંગ્રેસના સદસ્યોએ વ્હીપનો અનાદાર કરી વિજેતા થયા હતા.
અમરેલી નગરપાલિકામાં અઢી વર્ષ પહેલાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનાં 35 સભ્યો જ્યારે ભાજપના 5 તથા અપક્ષના 4 મળી કુલ 44 સદસ્યો વિજયી થયા હતા પ્રથમ અઢી વર્ષ સુધી કોંગસના પ્રમુખ તરીકે અલકાબેન ગોંડલીયા તથા ઉપપ્રમુખ તરીકે નટુભાઇ સોજીત્રાએ અમરેલી પાલીકાની ધૂરા સંભાળી હતી
આ પ્રથમ અઢી વર્ષની મુદ્દત પુરી થતાં નવા પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતા કોંગ્રેસમાં બળવો થવાના અંધાણ થયા હતા. જેને લઇ કોંગ્રેસનું એક જુથ ભૂગર્ભમાં ઉતરી ગયું હતું. તો સામાપક્ષે કોંગ્રેસ દ્વારા બળવો ખાળવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ આખરે કોઇ સમાધાન નહી થતાં આખરે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ચૂંટણી સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ઉપસ્થિતિમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લલીત ઠુમ્મરે કોંગીનાં ચૂંટાયેલા તમામ સદસ્યોને પક્ષનો વ્હીપ આપવા આવી પહોંચ્યા હતા. પરંતુ કોંગ્રેસ પક્ષમાં બળવો કરનારા 15 જેટલાં સદસ્યોએ પક્ષનો વ્હીપ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.
આખરે પ્રાંત અધિકારી, નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવા આવી પહોંચ્યા હતા અને પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરી હતી.
આ ચૂંટણી પ્રક્રિયામાં કોંગીના બાલુબેન પરમાર પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી તો તેમની સામે પ્રમુખ તરીકે જેન્તીભાઇ રાણવાએ પણ પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આમ બન્ને ઉમેદવાર કોંગ્રેસ પક્ષનાએ ઉમેદવારી નોંધાવતાં ચૂંટણી અધિકારીએ ચૂંટણીયોજતાં અને મતદાન કરાવતાં જેન્તીભાઇ રાણવાને 24 મત મળ્યા હતા જ્યારે સામે પક્ષે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર બાલુબેન પરમારને 20 મત મળતાં જેન્તીભાઇ રાણવાને વિજેતા જાહેર કર્યા હતા.
તેવી જ રીતે કોંગ્રેસ પક્ષનાં સત્તાવાર ઉમેદવાર સંદિપ ધાનાણીએ ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તો સમાપક્ષે સકિલભાઇ કાદરીએ પણ ઉમેદવારી નોંધાવતા તેમાં પણ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારને 20 મત મળ્યા હતા જ્યારે શકિલભાઇ કાદરીને 24 મત મળતાં અમરેલી નગરપાલિકાનાં ઉપપ્રમુખ તરીકે શકિલભાઇ કાદરીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આમ વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીના મતક્ષેત્રમાં જ કોંગ્રેસમાં બળવો થયો હતો અને અઢી વર્ષ પહેલાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 15 સદસ્યોએ બળવો કરતાં તેમને ભાજપના 5 તથા અપક્ષના 4 સદસ્યોનો ટેકો મળી ગયો હતો.
આમ આગામી અઢી વર્ષ માટે સત્તાની ધૂરા સંભાળી લીધી હતી.
જો કે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યો દ્વારા પક્ષના વ્હીપનાં અનાદર કરવા સબબ કોઇ કાર્યવાહી કરે છે કેમ? તે સામે પણ રાજકીય ગણતરીઓનાં મંડાણ શરૂ થયાં છે. સાવરકુંડલા નગરપાલિકા કોંગ્રેસ પાસેથી ભાજપે ખૂંચવી, કોંગ્રેસના 4 સભ્યોએ બળવો કરી ભાજપને ટેકો આપી દીધો