રસ્તાઓ આડેધડ ખોદવા પર પાનીનો પ્રતિબંધ

ગેસ પાઈપલાઈન, વીજળી કે ટેલીફોન
માટે હવે વારંવાર રસ્તાઓ ખોદવાની
છૂટ નહીં: મ્યુ.કમિશનર રાજકોટ તા,14
શહેરના મુખ્ય અને ટ્રાફિકથી ધમધમતાં મહત્વના રસ્તાઓ હાલના સમયે ખોદી નંખાયા બાદ મ્યુ.કમિશ્નરે હવે આડેધડ રસ્તાઓ ખોદવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આજરોજ બંછાનિધિ પાનીએ પરિપત્ર જાહેર કરી શહેરના રસ્તાઓ ખોદવા સમય મર્યાદા નકી કરી છે.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના વિસ્તારોમાં અન્ડરગ્રાઉન્ડ ટેલિફોન/ઇલેક્ટ્રીક કેબલ, ગેસ પાઇપલાઇન વિગેરે નાખવા માટે જુદી-જુદી ટેલિફોન, વિજ, ગેસ કંપનીઓ વિગેરેને અત્રેથી આખા વર્ષ દરમિયાન સમયાંતરે નિયત ચાર્જ ભરપાઇ કરાવીને ખોદાણ કામની મંજુરી આપવામાં આવતી હોય છે. આ પ્રકારની પ્રથાને કારણે વારંવાર ખોદાણ કામથી શહેરના વિસ્તારોના ડામર/પેવર/સી.સી. થયેલા રસ્તાઓ તુટતા, રાજકોટ મહાનગરપાલિકાએ ફરી આવા રસ્તાઓને સત્વરે રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવી પડતી હોય છે. આ પ્રકારની વ્યવસ્થામાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એક મહત્વપૂર્ણ ફેરફાર કરેલ છે, જેમાં હવે ગેસ પાઈપલાઈન, ઈલેક્ટ્રીસિટી અને ટેલીફોન કેબલ વગેરે બીછાવવા માટે વારંવાર રોડ ખોદી નહી શકાય. મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એક
ખાસ પરિપત્ર દ્વારા રસ્તા ખોદાણ માટે એક ચોક્કસ સમયમર્યાદા સુનિશ્ચિત કરી છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ વિશે માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, રસ્તાઓ અંગેની સમગ્ર બાબતને ધ્યાને લઇ રાજકોટ મહાનગરપાલિકાએ એક એક્શન પ્લાન તૈયાર કરેલ છે, જે અંતર્ગત રસ્તાઓનું ડામર/પેવર/સી.સી. કામનું સુચારુ આયોજન થઇ શકે તે માટે શહેરી વિસ્તારમાં નાખવાના થતા અન્ડરગ્રાઉન્ડ ટેલિફોન/ઇલેક્ટ્રીક કેબલ, ગેસ પાઇપલાઇન વિગેરે માટે રસ્તા ખોદાણ કામની આપવાની થતી મંજુરી માટે આખા વર્ષનું પ્લાનીંગ (માર્ચ-2019 સુધીનું) વિસ્તારવાઇઝ ડીટેઇલ ડ્રોઇંગ સાથે જુદી-જુદી ટેલિફોન/ગેસ/વિજ કંપનીઓ પાસેથી તા.30 સપ્ટેમ્બર 2018 સુધીમાં મેળવીને તે મુજબ જ અત્રેથી મંજુરીની પ્રક્રિયા હાથ ધરવા પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. તસવીર: રવિ ગોંડલીયા