અસંતોષની જ્વાળા વચ્ચે કોંગ્રેસે 7 તાલુકા પંચાયતમાં સેન્સ લીધી

નિરીક્ષક ધારાસભ્ય ચાવડા અને વિનુભાઇ અમીપરાએ એક-એક સભ્યોને સાંભળ્યા: સભ્યોની રજુઆત ઉપર સુધી કરાશે રાજકોટ તા.14
તાલુકા-જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કરવાની કવાયત કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે અમુક પંચાયતોમાં પ્રમુખ માટે હોડ જામી છે. તેમાં બળવાના એંધાણ મળી રહ્યા છે ત્યારે રાજકોટ જીલ્લાની સાત તાલુકા પંચાયતમાં અસંતોષની જ્વાળા વચ્ચે આજે પ્રમુખ-ઉપપ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિયુકત કરવામાં આવેલા ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, વિનુભાઇ અમીપરાએ સુધરાઇ સભ્યોને સાંભળ્યા હતા. તેમાં પ્રમુખ માટે ભારે ખેચતાણ સર્જાઇ હતી. પ્રમુખપદ માટે સભ્યોએ લોબીંગ કર્યુ હતું. તો અમુક સભ્યોએ પોતાના સભ્યને પ્રમુખ બનાવવાની માગણી કરી હતી. જો આ માગણી નહી સ્વીકારવામાં આવે તો તેઓ નવાજુની કરવાના મુડમાં હોવાની ચીમકી આપવામાં આવી હતી. ત્રણ સભ્યોની પેનલ દ્વારા સુધરાઇ સભ્યોની મન કી બાત જાણી તેનો રીપોર્ટ પ્રદેશ હાઇકમાન્ડને સોપવામાં આવે છે. પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. આજે સર્કીટ હાઉસ ખાતે સાત તાલુકા પંચાયતના હોદ્દેદારો નક્કી કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવતા સમર્થકો પણ ઉમટી પડયા હતા. રાજકોટ જીલ્લાની સાત તાલુકા પંચાયતમાં જસદણ, વિંછીયા, કોટડાસાંગાણી, પડધરી, લોધીકા અને ઉપલેટાનો સમાવેશ થાય છે. આ સાતેય પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની મુદ્દત પૂર્ણ થતા હોદ્દેદારોની નિમણુંક કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. જસદણ, વિંછીયા, પડધરીમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે ત્યારે આ પંચાયતને બાદ કરતા લોધીકા, કોટડાસાંગાણી અને ઉપલેટામાં સભ્યોમાં કચવાટની લાગણી ફેલાઇ છે. જ્ઞાતિ આધારીત પ્રમુખપદ માટે નિરીક્ષકો સમક્ષ સેન્સ આપવામાં આવી હતી. હાઇકમાન્ડને કાલે રિપોર્ટ સોંપી દેવાશે: નિરીક્ષકો રાજકોટ જીલ્લાની સાત તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી કરવા માટે કોંગ્રેસના નિરીક્ષક જવાહરભાઇ ચાવડા અને વિનુભાઇ અમીપરાએ સુધરાઇ સભ્યોની સેન્સ લીધી હતી. તમામ સભ્યોને સાંભળ્યા બાદ તેનો રીપોર્ટ હાઇકમાન્ડને આવતીકાલે સોપી દેવામાં આવશે. હાઇકમાન્ડ દ્વારા પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી કરવામાં આવશે. કોંગ્રેસના ગઢમાં ગાબડાં પાડવા ભાજપ સક્રિય વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી અને મોરબી જિલ્લામાંથી ભાજપના સુપડા સાફ થઇ ગયા છે. આ બન્ને જિલ્લા પાટીદાર આંદોલનના કારણે ગઢ બની ગયા છે. આ ગઢમાં ગાબડા પાડવા માટે ભાજપ સક્રિય બની ગયો છે. પંચાયતોની સાથે નગરપાલીકામાં પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આજે મોરબી, બગસરા, અમરેલી અને સાવરકુંડલા નગરપાલીકામાં બળવો થવાની શકયતા સેવાઇ
રહી છે.  લોધિકામાં કોંગ્રેસના ત્રણ સભ્ય ભાજપમાં ભળ્યા લોધિકા તાલુકા પંચાયતમાં ભાજપે ભાંગફોડ કરી ત્રણ કોંગ્રેસના સભ્ય અને એક અપક્ષ સભ્યને ભાજપના ભેળવી દઇ સતા હાંસલ કરી લીધી છે. 16 સભ્યોની તાલુકા પંચાયતમાં ભાજપનું સંખ્યાબળ હવે 10 નું થઇ ગયું છે. લોધિકા તાલુકા પંચાયતમાં ભાજપના છ ઉમેદવાર ચુંટાયા હતા. તેમાં હવે કોંગ્રેસના ત્રણ સભ્યો ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. રાજકોટ જિલ્લા પંચાયતની કાલે સેન્સ રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે આવતીકાલે સર્કીટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. રાજકોટ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ મહિલા માટે અનામત રાખવામાં આવતા ત્રણ મહિલા સભ્યો વચ્ચે તીવ્ર હરિફાઇ જામી છે. જો કે તેમાં કારોબારી અધ્યક્ષ અર્જુનભાઇ ખાટરીયાના પત્ની અલ્પનાબેન ખાટરીયા અને ભાવનાબેન ભૂત વચ્ચે કાંટે કી ટક્કર બની ગઇ છે. જો કે આવતીકાલે સેન્સ દરમ્યાન ચિત્ર કલીયર થાય તેવું જાણવા મળી રહ્યું છે. તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા