દરબાર થવાનો બહુ શોખ છે? કહી દલિતને ઢોર માર માર્યો

અમદાવાદના વિઠલાપુર ગામનો વીડિયો વાઇરલ થતાં મચી ચકચાર અમદાવાદ તા.14
અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ગામે એક દલિત યુવકને ઢોર માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. વ્હોટ્સએપ પર વાયરલ થયેલા આ વીડિયોમાં દલિત યુવકને દરબાર બનવાનો બહુ શોખ છે? તેમ કહી ઢોર માર મરાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, બે શખ્સો દલિતને ફટકારી રહ્યા છે, જ્યારે ત્રીજો શખ્સ તેનો વીડિયો બનાવી રહ્યો છે. માર મારનારા બે શખ્સો દરબાર હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બે દરબારો દલિત યુવકને મારી રહ્યા છે, અને તેને કહી રહ્યા છે કે માફી માગ જવાબમાં આ દલિત યુવક તેમને કગરી રહ્યો છે કે, મને છોડી દો બાપુ, હું મરી જઈશ.. જોકે, તેના પર જરાય દયા દાખવ્યા વગર આ બે યુવકો તને દરબાર બનવાનો શોખ છે? તેમ કહીને તેને ફટકારી રહ્યા છે.
દલિત યુવકને જબરજસ્તી બે યુવકોએ પોતાના પગ પકડાવ્યા અને પગ દબાવવા પણ ફરજ પાડી હતી, આ બે યુવકો દલિતને ડંડાથી પણ ફટકારી રહ્યા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં, દલિત યુવકે પહેરેલી મોજડી પણ તેની પાસેથી જબરજસ્તી ઉતરાવવામાં આવી હતી.
વીડિયોમાં દેખાઈ રહેલા બે શખ્સો દલિત યુવકને બેફામ ગાળો બોલી તેની પાસેથી માફી મગાવી રહ્યા છે, અને આજે તું ભલે મરી જાય તેવું કહી તેને ઢોર માર મારી રહ્યા છે. આ જ યુવકોના બે વીડિયો વાયરલ થયા છે, જેમાં એક વીડિયો કોઈ વેરાન વિસ્તારમાં ઉતારાયો છે, જ્યારે બીજો હાઈવે પર ઉતારવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં મૂંછો રાખવા બદલ કે પછી નામ પાછળ સિંહ લગાવવા બદલ દલિતો પર હુમલો થયા હોવાના કે તેમને ધમકી અપાઈ હોવાના કિસ્સા તાજેતરમાં જ બની ચૂક્યા છે, ત્યારે વિઠલાપુરના આ વીડિયોએ ચકચાર મચાવી છે.