100 કરોડની જમીન માટે માતા-પિતા-પુત્રએ કેરોસીન છાંટ્યું

રાજકોટ કલેકટર કચેરીમાં આત્મવિલોપનની ચીમકીના પગલે પોલીસના ધાડેધાડા ખડકી દેવાયા જમીનની બિનખેતી મંજૂરી આપતા વિવાદ વકર્યો: ભાઇ અને બહેનની મિલકતવાળી જમીનમાં કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ: પોલીસે ત્રણેયની અટકાયત કરી રાજકોટ તા.14
રાજકોટના કુવાડવા પાસે આવેલી 100 કરોડની જમીન માટે માતા-પિતા-પુત્રએ આજે કલેકટર કચેરીમાં કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો કે ત્રણેય સભ્યો આગ ચાંપે તે પહેલા પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. આત્મવિલોપનની ઘટનાના પગલે કલેકટર કચેરીમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.
કુવાડવા પાસે આવેલી કિંમતી જમીનમાં ભાગના પ્રશ્ને બહેન અને ભાઇ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદમાં કલેકટર તંત્રએ બળતામાં ઘી હોમ્યુ હોય તેમ જમીનને બીનખેતી કરવાની મંજુરી આપવામાં આવતા પ્રેમીબેન નાથાભાઇ નાથાણીએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.
પ્રેમીબેન નાથાભાઇ નાથાણી અને તેના ત્રણ ભાઇઓ મુળજીભાઇ ટપુભાઇ પરસાણા, ધીરૂભાઇ પરસાણા અને હરીભાઇ પરસાણાની જમીન કુવાડવા પાસે આવેલી છે. મિલ્કતના ભાગ દરમ્યાન વિવાદ થયો હતો. તેમાં ત્રણેય ભાઇઓ અને તેના પુત્રોએ પ્રેમીબેનના અંગુઠાનું નિશાન બોગસ મરાવી ભાગમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. આ અંગે પ્રેમીબેને ભાઇઓ સામે વાંધો લીધો હતો અને જે તકરાર ચાલતી હતી.આ દરમ્યાન પ્રેમીબેનના ભાઇઓએ જમીનને બીનખેતી કરવા માટે તાલુકા મામલતદારમાં અરજી કરી હતી. તેની સામે પ્રેમીબેને વાંધાઅરજી કરી હતી અને બીનખેતી નહી કરવાની માગણી કરી હતી. આથી તાલુકા મામલતદારે પ્રેમીબેન પાસેથી આધારપુરાવા રજુ કરવા જણાવ્યું હતું પરંતુ પ્રેમીબેન આધારપુરાવા રજુ નહીં કરી શકતા મામલતદારે બીનખેતી માટે કલેકટરની મંજુરી અર્થે મોકલી આપી હતી. આ દરમ્યાન કલેકટરે પણ બીનખેતી માટેની મંજુરી આપી દીધી હતી અને આ જમીન માટે ચલણ ભરવાનો હુકમ કરી દીધો હતો. આ દરમ્યાન પ્રેમીબેને આત્મવિલોપન કરવાની ચીમકી આપતા કલેકટરે બીનખેતી કરવાનો ફાઇનલ હુકમ બાકી રાખ્યો છે.
આજે બપોરે 11.30 વાગ્યાની આસપાસ પ્રેમીબેન, તેનો પુત્ર અજય (ઉ.વ.ર3) અને તેના પતિ નાથાભાઇ લીંબાભાઇ નાથાણીએ કલેકટર કચેરીના પટાંગણમાં કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. કેરોસીન છાંટતા જ પોલીસે ત્રણેયની અટકાયત કરી લઇ બી ડીવીઝન પોલીસ મથકે લઇ ગયા હતા. પુત્ર કરોડો રૂપિયાનો સટ્ટો હારી ગયો? બીન આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રેમીબેન નાથાણીનો પુત્ર સટ્ટામાં કરોડો રૂપિયા હારી જતા તેણે ભાઇઓ પાસેથી પૈસા લેવા માટે આત્મવિલોપનનું નાટક કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દી’થી તંત્ર ત્રણેયને શોધતું’તું
કલેકટર દ્વારા આ જમીનની બિનખેતીની મંજૂરી આપવામાં આવતા પ્રેમીબેન નાથાણીએ પાંચ દિવસ પહેલા આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. આથી કલેકટર અને પોલીસ તંત્ર દ્વારા પ્રેમીબેનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ તેઓ તેના ઘરે હાજર ન હોય છેલ્લા બે દિવસથી કલેકટર તંત્ર અને પોલીસ તંત્ર શોધખોળ કરતું હતું. આ દરમ્યાન આજે ત્રણેય સભ્યો કચેરીએ ધસી આવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સીએમ અને પીએમને પત્ર લખ્યો’તો
વારસાઇ મિલ્કતમાં ભાગ માટે પ્રેમીબેન નાથાભાઇ નાથાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. 100 કરોડની કિંમતી જમીનનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોવા છતાં સરકારી તંત્ર દ્વારા બિનખેતીની મંજૂરી આપવામાં આવતા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)