શ્રીકૃષ્ણગિરી તીર્થથી દિવ્યશાંતિ રથનું તા.2 અને 3 જુલાઇના મંગલ આગમન

રાષ્ટ્રસંત યતિવર્ય ડો.શ્રી વસંતવિજયજી મ.સા.ની પ્રેરણાથી સમગ્ર ભારત અને ગુજરાતના શહેર અને તીર્થભૂમિમાં પરિભ્રમણ કરશે : બે દિવસ શ્રી મણિયાર દેરાસરજીમાં સ્થિરતા કરશે
દિવ્યશાંતિ રથમાં સ્થાપિત વાસક્ષેપ, કળશને ભાવિકો પોતાના ઘરે લઇ જઇ આશીર્વાદ અને લાભ મેળવી શકશે
રાજકોટ તા,13
તામિલનાડુ રાજયની ધન્યધરા પર જગ જયવંત શ્રી કૃષ્ણગિરી પાર્શ્ર્વ પદ્માવતી તીર્થધામમાં રાષ્ટ્રસંત યતિવર્ય ડો.શ્રી વસંતવિજયજી મ.સા.ની પ્રેરણાથી વિશ્ર્વમાં એકમાત્ર સર્વપ્રથમ નવનિર્મિત 421 ફૂટ ઉંચા શિખરબંધ જીનાલયનું નિર્માણ થઇ રહેલ છે. જેમાં શ્રી પાર્શ્ર્વનાથ પ્રભુજીની 23 ફૂટ ઉંચાઈની પદ્માસન મુદ્રાની ચૌમુખી વિરાટ પ્રતિમાઓ સહિત 108 પાર્શ્ર્વનાથ પ્રભુજી બિરાજમાન થનાર છે. આ ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 3જી ફેબ્રુઆરીથી 11 મી ફેબ્રુઆરી-2019 નવ દિવસ યોજાશે. આ ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જનજનના કલ્યાણ માટે વિશ્ર્વશાંતિ ઉત્સવ-2019નું ભવ્યાતિભવય આયોજન કરવામાં આવેલ છે.
શ્રી કૃષ્ણગિરી પાર્શ્ર્વ પદ્માવતી તીર્થધામમાં નિર્માણ થનાર આ ભવ્યાતિભવ્ય જીનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ તથા તે અંતર્ગત યોજાનાર વિશ્ર્વશાંતિ ઉત્સવ-2019ના પ્રચાર-પ્રસાર હેતુસર શ્રી કૃષ્ણગિરી તીર્થધામથી એક દિવ્ય વિશ્ર્વશાંતિ રથ-2018નું પ્રયાણ થયેલ છે. આ દિવ્ય રથ ભારતભરમાં શિક્ષિત ભારત, સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારતનો પ્રચાર પ્રસાર પણ કરી રહેલ છે. આ દિવ્ય રથમાં શ્રી પાર્શ્ર્વનાથ પ્રભુજીની 120 કલ્યાણક ભૂમિઓ અને અનેક પ્રાચીન તીર્થોમાં પુજીત વાસક્ષેપ, ગચ્છાધિપતિ ભગવંતો તથા 1000 થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોના દિવ્ય આશીર્વાદ યુક્ત વાસક્ષેપની ભરેલ એક સાત ફૂટનો દિવ્ય વિરાટ કળશ સ્થાપિત છે. તેમજ સાથે આજ વાસક્ષેપથી ભરેલ એક નાનો પ્રતિક કળશ પણ સ્થાપિત છે.
અનેક રાજયોમાં, શહેરોમાં તથા તીર્થધામોમાં પરિભ્રમણ કરીને આ વિશ્ર્વશાંતિ રથનો આગામી 15મી જૂનના રોજ ગુજરાત રાજયમાં ભવ્યાતિભવ્ય પ્રવેશ સુરત શહેરથી થશે તેમજ આ દિવ્ય વિશ્ર્વશાંતિ રથ ગુજરાતભરના વિવિધ શહેરો તથા તીર્થભૂમિઓમાં ત્રીસ દિવસ સુધી પરિભ્રમણ કરશે. જેમાં સુરત, કામરેજ, ફણસા, વાપી, વલસાડ, ચીખલી, નવસારી, અંકલેશ્ર્વર, ભરૂચ, ડભોઈ, વડોદરા, આણંદ, નડિયાદ, શ્રી મણીલક્ષ્મી તીર્થ, ભાવનગર, શ્રી શત્રુંજય તીર્થ(પાલિતાણા), શ્રી ગિરનારજી તીર્થ(જૂનાગઢ), ગોંડલ, રાજકોટ, મોરબી, ગાંધીધામ, શ્રી શંખેશ્ર્વરજી તીર્થ, અમદાવાદ, ગાંધીનગર, શ્રી મહુડી તીર્થ, મહેસાણા, જોટાણા, પાટણ, સિધ્ધપુર, પાલનપુર તથા ડીસા શહેરમાં પરિભ્રમણ કરશે. રાજકોટ શહેરમાં 2 જુલાઈ તથા 3 જુલાઈ બે દિવસ રોકાણ દિવ્ય વિશ્ર્વશાંતિ રથનું શહેરની ધન્યધરા પર આગામી 2જી જુલાઈ સોમવારે વહેલી સવારે મંગલ આગમન થશે. જેનું રાજકોટના તમામ ફિરકાઓના સકળ સંઘોની તેમજ તમામ ફિરકાઓના શ્રાવક શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય સામૈયા સાથે ધામધુમથી સ્વાગત કરાશે. આ દિવ્ય વિશ્ર્વશાંતિ રથ શહેરમાં બીજી જુલાઈ તથા ત્રીજી જુલાઈ એમ બે દિવસ સુધી રોકાણ કરશે. આ દિવ્ય વિશ્ર્વશાંતિ રથ બન્ને દિવસ શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ જીનાલય (શ્રી મણિયાર દેરાસરજી)નાં પટાંગણમાં દર્શન - વદન માટે સ્થિરતા કરશે. જે લાભાર્થીને આ દિવ્ય વિશ્ર્વશાંતિ રથમાં સ્થાપિત દિવ્ય વાસક્ષેપ સહિતનાં નાના પ્રતિક કળશને પોતાના ધરે લઇ જઇને બાર નવકાર મંત્રના જાપ કરવા હોય તેઓએ યોગ્ય વ્યવસ્થાના હેતુસર તા.25 જુન સુધીમાં શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ (મણિયાર દેરાસરજી)ની પેઢીમાં પોતાનું નામ- એડ્રેસ તથા મોબાઇલ નંબરની વિગત સાથે ફોર્મ ભરીને નક્કી કરેલ નકરાની રકમ ભરી સમયસર નામ નોંધાવવા વિનંતી છે.
પ્રવેશ અને સ્વાગત માટે મિટિંગનું આયોજન
વિશ્ર્વશાંતિ રથના રાજકોટમાં આગમન અને સામૈયા-સ્વાગત માટે શ્રી રાજકોટ જૈન તપાગચ્છ સંઘ (શ્રી માંડવી ચોક દેરાસરજી)ના પ્રમુખ જીતુભાઇ દેસાઇ તથા અન્ય તમામ ટ્રસ્ટીઓ અને કમિટી મેમ્બર્સ તેમજ શ્રી મણિયાર દેરાસરજી ના ક્ધવીનર્સ દિલીપભાઇ પારેખ તથા પંકજભાઇ કોઠારી તેમજ અન્ય કમિટી મેમ્બર્સનું ઉચિત માર્ગદર્શન તથા તમામ પ્રકારનો સાથ સહકાર મળી રહેલ છે. એમ કેતનભાઇ ગોસલિયા (એડવોકેટ) (મો.98243 27007)ની યાદીમાં જણાવેલ છે. આ દિવ્યરથનાં ભવ્યાતિભવ્ય પ્રવેશ તથા સ્વાગત અન્વયે તેમજ તેનાં સામૈયા તથા કાર્યક્રમની વ્યવસ્થા અનુસંધાને ચર્ચા-વિચારણા કરવા રાજકોટના તમામ ફિરકાઓના જૈન સંઘો, જૈન શ્રેષ્ઠીઓ તથા જૈન સંસ્થાઓ- ગૃપો- મંડળોના હોદ્દેદારોની એક અગત્યની મિટીંગ આગામી તા. 16/06/2018, શનિવારના રોજ રાત્રે 9 કલાકે
શ્રી ચિંતામણી પાર્શ્ર્વનાથ જીનાલય (શ્રી મણિયાર દેરાસરજી), ચૌધરી હાઇસ્કૂલ સામે, રાજકોટ મુકામે રાખેલ છે. આ મિટીંગમાં તમામએ ખાસ હાજરી આપવા તેમજ આ અંગેની વ્યવસ્થામાં યોગ્ય સહકાર આપવા વિનંતી છે. વધુ માહિતી માટે દિલીપભાઇ પારેખનો 94294 72261નો સંપર્ક કરી શકાશે.