મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનનો તાજ કોના શિરે? કાલે ફેંસલો

મનપામાં કાઉન્ટ-ડાઉન શરૂ: આતુરતા પૂર્વક રાહ જોતા ઉમેદવારો સવારે 10 કલાકે જનરલ બોર્ડમાં થશે સત્તાવાર જાહેરાત
રાજકોટ તા.14
રાજકોટ મહાનગરપાલીકાના મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની મુદત આજરોજ પૂર્ણ થતા નવા પદાધિકારીની નિમણુંક અને નામની જાહેરાત આવતીકાલના જનરલમાં થવાની છે. ત્યારે શાસક પક્ષના સભ્યોમાં ભારે ઉતેજતા વ્યાપી છે અને સૌ કોઇ પોતાના મત મુજબ તુક્કા લડાવી રહ્યા છે. ત્યારે આવતીકાલે સવારે 10 વાગ્યે ઈન્તેજારીનો અંત આવશે.
રાજકોટ મહાનગરપાલીકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન તેમજ પક્ષના નેતા, દંડક અને 15 સમિતિઓના ચેરમેન તેમજ સ્ટેન્ડીંગના 12 સભ્યોની મુદત આજરોજ પુરી થવા જઇ રહી છે. જેમાં મુખ્ય પદ મેયર અને સ્ટે. ચેરમેન માટે શાસક પક્ષમાં અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. આ વખતે મેયર પદ માટે મહિલા અનામત હોવાના કારણે બેથી ત્રણ દાવેદારો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. જયારે સ્ટેન્ડીંગ ચેરમેન માટે મુખ્ય બે ઉમેદવારોના નામ પહેલેથી જ ચર્ચામાં છે.
મનપાના નવા પદાધિકારીઓની નિમણુંક માટે ગત તા.11 ના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પાર્લામેન્ટરીની બેઠક મળેલ જેમાં ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા ઉમેદવારોની પેનલ મુજબ નામ રજુ કરવામાં આવ્યા હતા.
ત્યારથી મહાપાલીકામાં ઘેરુ સસ્પેન્સ સર્જાયું છે. મનપાની નવી બોડીની નિમણુંક માટે આવતીકાલે સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગ અને જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે સવારે 10 વાગ્યે સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી ગાંધીનગરથી આવેલ બંધ કવર ખોલી મેયર, ડે.મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તેમજ પક્ષના નેતા, દંડકના નામની જાહેરાત કરશે. ત્યાર બાદ જનરલ બોર્ડમાં અલગ અલગ 15 સમિતિઓના ચેરમેનોના નામની જાહેરાત કરવામાં આવશે.
કમલેશ મીરાણીના જણાવ્યા મુજબ આવતીકાલે 10 વાગ્યે મેયર અને સ્ટે.ચેરમેનના નામની જાહેરાત કર્યા બાદ 12:30 વાગ્યે કમીટીની બેઠકમાં બન્ને પદના ઉમેદવારની નિમણુંક થઇ જશે અને કાલથી જ તેઓ પોતાનો ચાર્જ સંભાળી લેશે. હાલ તો ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે અને કાર્યકરો પોતાના માનીતા નેતાને પદ મળે તેવી માનોકામના કરી રહ્યા છે. ચેરમેન પદના સંભવિત દાવેદાર ચેરમેન પદ માટે મુખ્ય દાવેદારો પૈકી કશ્યપ શુકલ, જયમીન ઠાકર, મનીષ રાડીયા વચ્ચે સ્પર્ધા જોવાઈ છે જયારે ચર્ચા મુજબ ચેરમેન રીપીટ થઇ શકે છે તો આગામી લોકસભાની ચૂંટણી ધ્યાને લઇ કમલેશ મિરાણી કે, નીતિન ભારદ્વાજ જેવા સિનિયર નગરસેવકને પણ સ્ટેન્ડીંગ ચેરમેન બનાવવામાં આવે તેવી શકયતા છે. મેયર પદના સંભવિત દાવેદારો મેયરપદના દાવેદારોમાં બીનાબેન આચાર્ય, જાગૃતિબેન ધાડીયા, રૂપાબેન શીલુ અને ડો.દર્શીતાબેન શાહના નામો પહેલેથી જ ચર્ચામાં રહ્યા છે. ડે.મેયર પદના સંભવિત દાવેદારો ડે.મેયર પદ માટે અનુભવી અને જૂના જોગીઓને સ્થાન મળે તેવી શકયતાએ આ પદ માટે બાબુભાઇ આહીર, દલસુખભાઇ જાગાણી, અશ્ર્વિનભાઇ માલીયાના નામો વધુ ચર્ચામાં રહ્યા છે.